Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

પરસાણાનગરની મહિલા સાથે બે લાખની ઠગાઈના ગુનામાં ૧૦ વર્ષથી ફરાર મીરલ દોશી પકડાયો

મીરલે કાપડનો ધંધો ચાલુ કરવા માટે પાડોશી અન્નમાબેન પાસેથી પૈસા લીધા હતા

રાજકોટ, તા. ૧૮ :. પરસાણાનગરના અમરનાથ પાર્કમાં પાડોશી મહિલા સાથે બે લાખની છેતરપીંડીના ગુનામાં દસ વર્ષથી ફરાર શખ્સને ક્રાઈમ બ્રાંચે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ તથા જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મારમીણા, મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઈમ ડી.વી. બસીયાએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપતા ક્રાઈમ બ્રાંચના પીઆઈ વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. પી.એમ. ધાખડા તથા હેડ કોન્સ. મયુરભાઈ પટેલ, અમીતભાઈ, વિરેન્દ્રસિંહ, નગીનભાઈ, કુલદીપસિંહ, સંજયભાઈ, પ્રદીપસિંહ, જયદીપસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ. મયુરભાઈ પટેલ અને નગીનભાઈ ડાંગરને મળેલી બાતમીના આધારે પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં નોંધાયેલ પાંચ લાખની છેતરપીંડીના ગુનામાં દસ વર્ષથી ફરાર મીરલ લૈલેષભાઈ દોશી (ઉ.વ. ૩૭) (રહે. ૪૨-આમ્રપાલી સોસાયટી જવાનપુરા ઈડર)ને પકડી લીધો હતો. પકડાયેલો મીરલ દસ વર્ષ પહેલા પરસાણાનગરમાં અમરનાથ પાર્કમાં રહેતો હતો ત્યારે તેણે તથા તેના પિતા લૈલેષભાઈ અમીચંદભાઈ દોશીએ પાડોશમાં રહેતા અન્નમાબેન રાજુભાઈ અબ્રાહ્મ પાસેથી કાપડનો ધંધો શરૂ કરવા માટે કટકે-કટકે કુલ રૂ. ૫,૫૦,૦૦૦ હાથઉછીના લીધા હતા અને તેમાથી તેણે ૨,૦૨,૦૦૦ પરત નહી આપી છેતરપીંડી આચરી હતી અને બન્ને ઈડર નાસી ગયા હતા. આ અંગે ૨૦૧૧માં પ્ર.નગર પોલીસ મથકમાં ફરીયાદ થઈ હતી બાદ ત્યાં તેના પિતા લૈલેષભાઈનું અવસાન થયા બાદ તેણે પ્લાસ્ટીકનો ધંધો શરૂ કરી દીધો હતો અને તે ગઈકાલે રાજકોટ આવ્યો હોવાની બાતમી મળતા ક્રાઈમ બ્રાંચની ટીમે દબોચી લીધો હતો.

(4:30 pm IST)