Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

અશાંત ધારા મુદ્દે અશાંતિ ફેલાવાની રાજભા ઝાલાની રાજરમતઃ ભાજપે ચીંટીયો ભર્યો

જે વ્યકિત પક્ષને સમર્પિત રહી ન શકયા તે પ્રજાને કેમ વફાદાર રહેશે ? અશાંત ધારાથી રહેવાસીઓને હાશકારો થયો છે ત્યારે મેદાન છોડીને ભાગવાની ટેવ ધરાવતા રાજભાના મોઢે હારજીતની વાત શોભતી નથી : વોર્ડ નં. ૨ના પૂર્વ કોર્પોરેટરો મનીષ રાડિયા, જયમીન ઠાકર, ડો. દર્શિતાબેન શાહનો 'આપ'ને વળતો જવાબ

રાજકોટ તા. ૧૮ : શહેરમાં ગૃહ વિભાગે અશાંત ધારો લાગુ થયો છે ત્યારે આ ધારા મુદ્દે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ રાજભા ઝાલા 'અફવા'ઓનો સહારો લઇ મેલી રાજરમત રમી રહ્યા હોવાનો આક્ષેપ ભાજપના વોર્ડ નં. ૨ના પૂર્વ કોર્પોરેટરોએ એક નિવેદનમાં કર્યો છે.

આ નિવેદનમાં જણાવાયું છે કે, ગુજરાત સરકારનાં ગૃહખાતાએ રાજકોટમાં પ્રથમ વખત અશાંત ધારો લાગુ કર્યો છે જે અંગે આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ રાજભા ઝાલા દ્વારા જુઠ્ઠાણાઓ અને અફવાઓ ફેલાવી અરાજકતાનું વાતાવરણ ઉભું કરવામાં આવી રહ્યું છે એવું ભાજપનાં વોર્ડ નંબર - ૨નાં પૂર્વ કોર્પોરેટરો મનીષ રાડીયા, જયમિન ઠાકર, દર્શિતાબેન શાહ અને સોફિયાબેન દલએ કહ્યું હતું.

અશાંત ધારોએ ચોક્કસ વિસ્તારમાં નાગરિકોની સુખ, શાંતિ, સલામતી અને સમૃદ્ઘિ માટે રાજય સરકાર દ્વારા લાગુ કરવામાં આવ્યો છે તેમજ આ અશાંત ધારો ચોક્કસ વિસ્તારનાં રહીશોની ફરિયાદો અને અરજીઓને જ ધ્યાને લઈ રાજય સરકાર દ્વારા લાગુ કરવામાં આવ્યો છે. રાજભા ઝાલા જેવા બુદ્ઘિહીન લોકો અશાંત ધારાનાં નામે કોમી વૈમનસ્ય ફેલાવવાનો બદઈરાદો ધરાવે છે જેમાં તેઓ કયારેય સફળ નહીં થાય.

ભાજપનાં ચારેય પૂર્વ કોર્પોરેટરોએ જણાવ્યું હતું કે, હાલ આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ રાજભા ઝાલા અશાંત ધારાનાં અમલને રાજકીય રંગ આપી જે વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે એ વિસ્તારમાં અરાજકતા અને અંધાધૂંધીનું વાતાવરણ ઉભું કરવા ઈચ્છે છે. કારણ કે, અશાંત ધારો જે અમુક વિસ્તારમાં લાગુ કરવામાં આવેલો છે એ વિસ્તાર વોર્ડ નં.૨માં આવે છે. રાજભા ઝાલા આ વખતે રાજકોટનાં વોર્ડ નં. ૨માંથી ચૂંટણી લડવાના છે. મનપાની ચૂંટણીઓને હવે બહુ વાર નથી ત્યારે આગોતરી હાર ભાળી ગયેલા રાજભા ઝાલા ખુદ અશાંત ધારાનાં નામે ગંદી રાજરમત રમવા મેદાનમાં ઉતર્યા છે અને જુઠ્ઠાણાઓ તેમજ અફવાઓનો સથવારો લઈ પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યાં છે. હકીકતમાં અશાંત ધારો લાગુ કરવા પાછળ કોઈ રાજકીય રમત નથી.

અલબત્ત અશાંત ધારો લાગુ થતા વોર્ડ નં.૨નાં રહેવાસીઓએ પણ હાશકારો અનુભવ્યો છે, આ ધારો લાગુ કરાતા માત્ર રાજભા ઝાલાનાં જ પેટમાં તેલ રેડાયું છે. અશાંત ધારો લોકોને ન્યાય આપવા છે અને એ જરૂરી પણ છે. ન માત્ર રાજકોટ પરંતુ રાજયનાં અન્ય કેટલાંક શહેરોનાં ચોક્કસ વિસ્તારોમાં વર્ષોથી અશાંત ધારો લાગુ છે. ભાજપનાં પૂર્વ કોર્પોરેટરોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીની સ્થાપના જ તોડફોડ અને અરાજકતામાંથી થઈ છે, આ પાર્ટી અંધાધૂંધી અને અસ્થિરતા ફેલાવવા માટે બદનામ છે. પરંતુ, ગુજરાત અને રાજકોટની શાંતિપ્રિય પ્રજાને આ પાર્ટી ભરમાવી નહિ શકે. કારણ કે, ગુજરાતની જનતા આવી રાજનીતિ પસંદ કરતી નથી.

સૌ જાણે છે કે, હાલ વોર્ડ નં.૨ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજભા ઝાલા ચૂંટણી ટાણે આ પ્રકારનાં ખેલ કરવામાં માહેર છે. એક સમયે તેઓ ભાજપમાં હતા ત્યારે ભાજપનાં કાર્યો પર ચૂંટણી જીતતા આવેલા પરંતુ ભાજપમાં રહીને પણ જયારે તેઓએ સમાજહિતની જગ્યાએ સ્વહિતની પ્રવૃત્ત્િ।ઓ શરૂ કરી હતી ત્યારે તેમને પક્ષમાંથી અપ્રત્યક્ષ રીતે તગેડી મૂકવામાં આવેલા. ત્યારબાદ કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષોમાં રહીને પણ ચૂંટણી ટાણે લોકોને ગેરમાર્ગે દોરવાના ષડયંત્રો આચર્યા હતા. જેના પરિણામસ્વરૂપે પ્રજાએ તેમને જાકારો આપતા નાની-મોટી ચૂંટણીઓમાં તેમની ભૂંડી હાર થઈ છે એ જગજાહેર છે. હવે જયારે તેઓ આમ આદમી પાર્ટીમાં છે ત્યારે પણ તેઓ નાગરિકોને ગેરમાર્ગે દોરવાના રસ્તે છે અને તેમના આ કૃત્યનું પણ પરિણામ ટૂંક સમયમાં આપણા સૌ સમક્ષ હશે.

અંતમાં ઉકત કોર્પોરેટરોએ જણાવેલ કે, સમજવા જેવી અને સરળ વાત છે કે, રાજભા ઝાલાને લોકો ખરા સમયે રણ મેદાન થી ભાગેડું તરીકે ઓળખે છે. તેઓ કોઈ પક્ષને સમર્પિત થઈ રહી શકયા નથી તો પ્રજાને સમર્પિત કેમ રહી શકે? આમ આદમી પાર્ટી કે તેમના પ્રમુખનું જ કોઈ સ્ટેન્ડ નથી ત્યારે તેઓ પ્રજાનું સ્ટેન્ડ શું લઈ શકવાના? જયારે કોરોનાકાળમાં ખરા અર્થમાં પ્રજાનાં સેવકોની જરૂર હતી ત્યારે આ આમ આદમી નાઙ્ગ રાજભા ઝાલા અને તેમના પક્ષનાં લોકો કયાં હતા? ભાજપ સરકારે માત્રને માત્ર પ્રજાહિતને ધ્યાનમાં રાખ્યું છે ત્યારે કોંગ્રેસ અને આપ વોટબેંકને ધ્યાનમાં રાખી ગંદુ રાજકરણ રમી રહ્યાં છે. પરંતુ અશાંત ધારો વોર્ડ નં.૨નો સર્વાંગી વિકાસ કરશે, લોકોની માલ-મિલ્કતને સુરક્ષિત બનાવશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી એટલું નિશ્ચિત છે.

(3:36 pm IST)