Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

મોબાઇલ ફોનમાં માસ્ટર આઇડી દ્વારા રોકડા સ્વીકારી ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા બે પકડાયા

ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ યોગેશ ઉર્ફે યોગી અને મુકેશ આગરીયાની ધરપકડ

રાજકોટ તા. ૧૮: સરધાર નજીક હલેન્ડા ગામમાં ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે દરોડો પાડી મોબાઇલ ફોનમાં માસ્ટર આઇ.ડી.માંથી અલગ-અલગ ગ્રાહકોને આઇ.ડી. તથા બેલેન્સ નાખી તે બેલેન્સના રોકડા લઇ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા બે શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશનર શ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, મનોહરસિંહ જાડેજા, એસીપી ડી. વી. બસીયાની સૂચનાથી ક્રાઇમ બ્રાંચના પી.આઇ. વી. કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી. જે. જાડેજા, એ.એસ.આઇ. જયેશભાઇ નીમાવત, ચેતનસિંહ, હિતેન્દ્રસિંહ, મહેન્દ્રસિંહ, ભરતસિંહ, સ્નેહભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે એએસઆઇ જયેશભાઇ અને ભરતસિંહને મળેલી બાતમીના આધારે સરધારના હલેન્ડા ગામમાં રામભાઇ જળુની દુકાન પાસે ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા ઉમરાળીના યોગેશ ઉર્ફે યોગી અશોકભાઇ જળુ (ઉ.વ. રપ) અને મુકેશ જેસીંગભાઇ આગરીયા (ઉ.વ. ર૭) ને પકડી લીધા હતા. આ બંને શખ્સો પોતાના મોબાઇલ ફોનમાં માસ્ટર આઇ.ડી.માંથી અલગ-અલગ ગ્રાહકોને આઇ.ડી. તેમજ બેલેન્સ નાખી અને નાખેલ બેલેન્સના રોકડા રૂપિયા સ્વીકારી ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા હતા.

(3:31 pm IST)