Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

રાષ્ટ્રપતિની દરિયાદિલી અને સરળતાના અભૂતપૂર્વ દર્શન સ્વ.મનસુખભાઇ બારાઇ પરિવારને થયા

ભરતભાઇ બારાઇ અને આલાપને આશ્વાસન આપવા સાથે ભારે વ્યસત્તા છતાં પોતાના બે દસકા જુના નિસ્વાર્થ અને સંબંધોના શહેનશાહ સાથેની યાદો વાગોળી

રાજકોટ તા.૧૮, આંબના ઝાડની ડાળીઓ જેમ જેમ મોટી થતી જાય છે તેમ વધુને વધુ ઝૂકે છે.જોકે સામાન્ય રીતે માનવીની બાબતમાં આવું ભાગ્યે જ જોવા મળે અને તેમાંય દેશના સહુથી ટોચના સ્થાને બેસેલી વ્યકિત હોય ત્યારે સામાન્ય રીતે તેના પગ ધરતીથી બે વેંત અધ્ધર હોય તેવી વણલખી બાબત છે.પરંતુ આવી બધી પ્રચલિત માન્યતાથી તદન વિપરીત દ્રષ્ટાંત દેશની સર્વોચ્ચ સ્થાને બિરાજતા મહા માહિમ એવા રાષ્ટ્રપતિ દ્વારા પુરું પાડ્વામાં આવ્યું છે.           

હાલના રાષ્ટ્રપતિ રામનાથ કોવીદ એ સમયે જામનગરના પ્રભારી તરીકેની જવાબદારી સંભાળતા હોવાથી દ્વારકા ઓખા પંથકના રાજકીય અને સામાજિક તથા જ્ઞાતિ આગેવાન સ્વ.મનસુખભાઇ બારાઇ સાથે આજથી બે દશકા પહેલા તેઓ મનસુખભાઇ બારાઈના પરિચયમાં આવેલ. ચુંબકીય વ્યકિતત્વ ધરવતા મનસુખભાઇ જેવા નિઃસ્વાર્થ વ્યકિતના પરિચયમાં એક વખત જે કોઇ વ્યકિત આવે તે કાયમ માટે તેમને અત્મિય બની જાય રાષ્ટ્રપતિ પણ તેમના નિઃસ્વાર્થ સેવા કાર્યો અને કાઠિયાવાડી પરંપરાને જીવંત રાખનાર મનસુખભાઇના મિત્ર જેવા બન્યા. રામનાથ કોવિદજી પણ દિવસે ને દિવસે પ્રગતિ કરતા ગયા પણ તેવો મનસુખભાઇ ને ભૂલ્યા નહિ અવારનવાર બને ફોન પર વાત કરે.  સમય જતાં રામનાથ કોવીદજી બિહારના ગવર્નર બન્યા.ધર્મપરાયણ એવા આ નેક ઇનસાને ગવર્નર દરજ્જે દ્વારકાધીશના દર્શને આવવાનું થતાં તેવો એ તુરત પોતાના સચિવને જાણ કરી અને મનસુખભાઇ પોતે મનસુખભાઇ બારાઇના મહેમાન બનશે તેમ જણાવ્યું. હવે પ્રોટોકોલ મુજબ તેવો સ્ટેટ ગેસ્ટ હોય તેમની સુવિધા માટે આખું તંત્ર ખડેપગે હોય તે સ્વાભાવીક છે. મનસુખભાઇને ત્યાં મહેમાન બનવાના સુચનથી સ્ટાફ દ્વારા પ્રોટોકોલનો પ્રશ્ન આગળ ધરતા તેવો આ બાબતે કોઇ માર્ગ પોતે કાઢશે તેમ સ્ટાફને જણાવી દીધેલ. જો કે તેઓએ આ બાબતે  તેઓએ મનસુખભાઇને પોતે તેમના મહેમાન બનશે તેઓ ટેલીફોનીક સંદેશ પણ અપાવી દીધેલ.                 

હવે આ બાજુ મનસુખભાઈ દ્વારા પણ તમામ તૈયારીઓ સાથે પ્રોટોકોલ ભંગ ન થાય તે માટે કલેકટર અને એસપી વિગેરેને પોતાના તરફથી જાણ કરી એટલે ખાનગી ભોજન કાર્યક્રમ સરકારી પ્રોગ્રામ જેવો બન્યો.  કલેકટર અને એસપી સહિતના તમામ અફસરો અને તેમના સ્ટાફ માટે ભોજન સુવિધા ગોઠવી. આમ રામનાથ કોવીદજી અને મનસુખભાઇ વચ્ચે આવી આત્મીયતા હતી. રાષ્ટ્રપતિ બન્યા બાદ પણ એક બે વખત વાત થયેલ. દ્વારકા આવશે તો જરૂર મળશે તેવું વચન પણ આપેલ.                     

 દરમ્યાન તાજેતરમાં મનસુખભાઇ બારાઇનુ કોરોના સામે ખૂબ લડત આપવા છતાં અંતે જીવન સામે મૃત્યુ વધુ બળવાન પુરવાર થતા તેમનું નિધન થયું. રાષ્ટ્રપતિ ને જાણ થતાં તેવો દ્વારા પોતાના મિત્રને શ્રદ્ઘા સુમન પાઠવેલ. યોગનું યોગ તેવો ને સૌરાષ્ટ્ર અને રાજકોટ આવવાનું થયું. રાજકોટમાં ફકત દસ મિનિટનું રોકાણ હોવાથી અને રાષ્ટ્રપતિના પ્રોટોકોલ મુજબ તેવો કોઇના ઘેર ન જય શકે તે સમજી શકાય તેવી વાત છે .                   

 રાષ્ટ્રપતિ પણ મનસુખભાઇ પરિવારને મળી આશ્વાસન આપવા ઈચ્છતા હોવાથી મનસુખભાઇના પુત્ર ભરતભાઈ બારાઈ તથા મનસુખભાઇ નકશા કદમ પર ડગ માંડતાં તેમના પૌત્ર આલાપ રાષ્ટ્રપતિની ઇચ્છા મુજબ દીવ જઇને રાષ્ટ્રપતિને મળ્યા ત્યારે વ્યસ્ત સમય વચ્ચે. તેવો ને આશ્વાશન આપવા સાથે મનસુખભાઇ સાથે વિતાવેલી મધુર યાદો તાજી કરી. તેવો એ વિદાય સમયે રાજકોટ અને દ્વારકા આવવાનું થશે ત્યારે ભરતભાઈ અને આલાપ સહિતના પરીવારને જરૂર મળશે તેવું વચન પણ આપ્યું. રાષ્ટ્રપતિની આવી દરિયાદિલી સાથે તેમના નિરાભિમાની પણાનો વિશેષ અનુભવ પણ ભરતભાઈ અને આલપને થયો. તેવો સરળતાથી મળી શકે તેવી વ્યવસ્થા તેઓએ  પોતાના સ્ટાફ દ્વારા કરાવી. સ્ટાફ દ્વારા તેઓને એવી વિનંતી પણ કરવામાં આવી કે મહેરબાની કરીને તમે મહા માહિમ જેવું સંબોધન કરશો નહિ. તેવો ને આ પ્રકારના સંબોધનને બદલે સરળ સંબોધન પસંદ છે.છે ને એક મહાનુભાવના જીવનનું ઉત્કૃષ્ઠ અનુકરણીય ઉદારહણ.

(12:01 pm IST)