Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

ગુજરાતમાં એક પણ કુટુંબ સરનામા વગરનું નહિ રહેઃ વિજયભાઇ

રોટલા-ઓટલાની ચિંતા સરકાર કરી રહી છેઃ સુચિત સોસાયટીના રહીશોની માલીકીપણાની હકકની ચિંતા દૂર થઇ છે... : રાજકોટ જીલ્લામાં વિચરતી જાતીના ૧૬પ પરિવારોને પ્લોટની સનદ તો સૂચિત સોસાયટીના ૧૯૪૩ અરજદારોને હકદાવા-સનદ અર્પણ કરતા મુખ્યમંત્રી

સુચિત સોસાયટી અને વિચરતી જાતિના કુલ ર૧૦૦ પરીવારોને સનદ આપતા કાર્યક્રમમાં ઉદબોધન કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, બીજી તસ્વીરમાં કાર્યક્રમનું ઉદઘાટન અને નીચેની તસ્વીરમાં પરીવારોને હાથોહાથ સનદ અપાઇ તે જણાય છે.

રાજકોટ, તા., ૧૮: મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએે રાજકોટના પ્રમુખ ઓડીટોરીયમ ખાતે રાજકોટ શહેરના સુચીત સોસાયટીના ૧૯૪૩ લાભાર્થીઓને હક્ક ચોકસીદાવા મંજુરી પ્રમાણપત્ર અને બેડી રામપરા સહીતના ગામોમાં વિચરતી જાતીના ૧૬પ પરીવારોને વિનામુલ્યે પ્લોટ ફાળવણી માટે સનદ વિતરણ કરતા કહયું કે મારી સરકારે લોકો માટે ઓટલા અને રોટલાની ચિંતા કરી છે. મુખ્યમંત્રી શ્રીએ કહયું કે ગુજરાતમાં વિચરતી વિમુકત જાતીનું એક પણ કુટુંબ ઘર સરનામા વગરનું નહી રહે. આ માટે જિલ્લા કલેકટરોને મફત પ્લોટ અને સુવિધા આપવાની સુચના આપી દેવામાં આવી છે.

બંધારણમાં લોકો જ સર્વોપરી છે. લોકોને તેના હક્કનું મળે ગરીબો પણ વિકાસના ભાગીદાર બને તેવી નેમ વ્યકત કરતા મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ કહયું કે જ્ઞાતિ, ભાષા, પ્રાંત, જાતીથી પર રહીને આપણે સૌ ભારતીય અને બંધુત્વ ભાવનાથી એકમેક થઇને રહીએ તે પણ પ્રજાસતાક લોકશાહી રાષ્ટ્રનો મંત્ર છે.

મુખ્યમંત્રીશ્રીએ રાજકોટમાં પ્રજાસતાક પર્વની રાજયકક્ષાની ઉજવણીને વિકાસના પર્વ સાથે જોડીને સૌનો સાથ સૌનો વિકાસના મુળમાં સૌનું ભલુ થાય કલ્યાણ થાય તેવી ભાવના છે. લોકાભિમુખ અભિગમ છે તેમ પણ કહયું હતું.

રાજકોટમાં અત્યાર સુધીમાં ૪૫૦૦ થી વધુ લોકોને સૂચિત સોસાયટીના હકક દાવા મંજૂરી આપવાની કામગીરી થઇ છે. મુખ્યમંત્રીશ્રી એ કહ્યું કે, અગાઉ સૂચિત સોસાયટીના લોકોનો પ્રશ્ન કોઇ હાથમાં લેતું ન હતું. અમે મહેસૂલી કાયદામાં સુધારા કર્યા છે અને આ પ્રશ્નનું કાયમી નિરાકરણ કર્યુ છે.

રાજકોટ જિલ્લા કલેકટર વહીવટી તંત્ર આયોજતિ આ કાર્યક્રમમાં વિચરતી જાતિના ૧૬૫ પરિવારોને ૫૦ વારના વિના મૂલ્યે પ્લોટની સનદ તેમજ રાજકોટની ૧૫૭ સૂચિત સોસાયટીની હકક દાવા મંજૂરી સ્કીમ હેઠળ સૂચિત વિસ્તારોના ૯૭૬ અને અન્ય વિસ્તારોના ૯૬૭ અરજદારોને પ્રાપર્ટી કાર્ડ મળી કુલ ૧૯૪૩ દાવા મંજુરી સહિત ૨૧૦૮ પરિવારોને પ્લોટ સનદ દાવા મંજૂરી પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં પાણી પૂરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાએ સરકારશ્રીના સંવેદનશીલ અભિગમ અંતર્ગત વિચરતી જાતિના પરિવારોને ઘરનું ઘર મળે તે માટે તેમજ સૂચિત વિસ્તારોમાં ટાઇટલ મળે તે માટે મુખ્યમંત્રીશ્રીએ ખેવના દાખવી છે. તે અંગે આનંદની લાગણી વ્યકત કરી હતી.

કાર્યક્રમના આરંભે કલેકટર સુશ્રી રેમ્યા મોહને જિલ્લા વહીવટી મહેસૂલી તંત્ર દ્વારા મિલકત ધારકોને દાવા મંજૂરી અને વિચરતી-વિમુકત જાતિના લાભાર્થીઓને આપવામાં આવેલા લાભો અંગેની રૂપરેખા આપી સૌનું સ્વાગત કર્યુ હતું.

આ પ્રસંગે મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી ધારાસભ્ય, ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, કમલેશભાઇ મીરાણી, રાજુભાઇ ધ્રુવ, અશ્વીનભાઇ મોલીયા, દલસુખભાઇ,  શ્રીમતી અંજલીબહેન રૂપાણી, વિચરતી જાતિ બોર્ડ મેમ્બર શ્રી મિતલબેન પટેલ, પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, મ્યુ કમિશનર શ્રી ઉદીત અગ્રવાલ એડી.કલેકટરશ્રી પરિમલ પંડ્યા તથા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(3:52 pm IST)