Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

કલેકટર કચેરીમાં રાજયના મોડલ જનસેવા કેન્દ્રનું લોકાર્પણ ૨૪થી શરૂ થશેઃ ૧૭ કાઉન્ટરઃ આધારકાર્ડ-ઝેરોક્ષની સુવિધા

૩૬ લાખના ખર્ચે કાર્યવાહીઃ કલેકટર-એડી.કલેકટર દ્વારા ખાસ ડાયરેકટ સુપરવિઝનઃ વન-ડે તથા નોન વન-ડે સર્વિસીઝઃ મામલતદાર કચેરી સુધી લોકોના ધક્કા બંધઃ ૧૦૯ પ્રકારની સૂવિધા આવરી લેવાઇ

રાજકોટ, તા.૧૮: રાજય સરકાર દ્વારા લોકોપયોગી કાર્યો સરળતાથી અને ઝડપથી થઇ શકે તે માટે લેવામાં આવી રહેલ ઉપાયાત્મક પગલા અંતર્ગત દરેક જિલ્લા કક્ષાએ આધુનિક જન સેવા કેન્દ્ર કાર્યરત કરવાના આયોજનના ભાગરૂપે રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે આધુનિક જનસેવા કેન્દ્ર તા.૨૪થી કાર્યરત થશે.

આજે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે તેનું લોકાપર્ણ થયું હતું. ૩૬ લાખના ખર્ચે બનેલા આ જનસેવા કેન્દ્રમાં ૧૭ કાઉન્ટર, બેબીકેર, આધારકાર્ડના બે કાઉન્ટર રખાયા છે.

રાજકોટ શહેરમાં આવેલ વિવિધ મામલતદાર કચેરીઓ તેમજ અન્ય કચેરીઓ હસ્તકની વન ડે સર્વિસીઝ એક જ જગ્યાએથી મળી રહે તે માટે આ જનસેવા કેન્દ્રમાં અરજીઓ સ્વીકારવામાં આવશે અને તેનો એક જ દિવસમાં નિકાલ કરી, અરજદારોને પ્રમાણપત્ર આપવામાં આવનાર છે.

સંપુર્ણ વાતાનુ કૂલિત આ જનસેવા કેન્દ્રમાં વન ડે તેમજ નોન વન ડે ગવર્નન્સ સર્વિસીઝ આપવામાં આવનાર છે. જેમાં અરજદારોને અરજી ફોર્મ ભરવાની સમજ અને મદદ માટે હેલ્પ ડેસ્કની વ્યવસ્થા પણ કરાયેલ છે. હેલ્પ ડેસ્ક સ્ટાફ અરજી ફોર્મ ભરવા માટે સંપુર્ણ રીતે સહાયભૂત થશે. આ જનસેવા કેન્દ્રમાં નિયત સેવા સંલગ્ન સોગંદનામા નોંધવાની સાથે રેશનકાર્ડ સંબંધી કામગીરી, ગામ નમુના નં.૭/૧૨, ૮-અ ના ઉતારા કાઢી આપવા, ડુપ્લીકેટ સ્માર્ટ ચૂંટણી કાર્ડ, ઇ-સ્ટેમ્પીંગ, નવા આધારકાર્ડ તથા આધારકાર્ડ અપડેશન કરાવવા સહિતની સેવાઓ પુરી પાડવામાં આવનાર છે.

જન સેવા કેન્દ્રમાં આવનાર અરજદાર પ્રથમ અરજી ફોર્મ મેળવી, અરજી ફોર્મ યોગ્ય રીતે ભરી, ટોકન મેળવશે અને પ્રતિક્ષા વિભાગમાં બેસશે. બાદ ઇલેકટ્રોનીક સીસ્ટમથી કાર્યરત ક્રમાનુસાર ટોકન નંબર પ્રમાણે એનાઉન્સ થનાર સંબંધિત કાઉન્ટર ઉપર અરજી ફોર્મ જમા કરાવશે અને ૨૪ કલાકમાં તેમનું પ્રમાણપત્ર રવાનગી કાઉન્ટર ઉપરથી મેળવી શકશે.

જનસેવા કેન્દ્રમાં અરજદારોને જરૂર મુજબ વ્યાજબી દરે ઝેરોક્ષની સેવા પણ મળી રહે તે માટે ઝેરોક્ષ સેન્ટર પણ ઉપલબ્ધ કરાવાયેલ છે તેમજ બેબી ચિલ્ડ્રન રૂમની સુવિધા પણ ઉપલબ્ધ કરાયેલ છે. જે સુવિધા કચેરીમાં કામકાજ માટે નાના બાળકો સાથે આવનાર મહિલાઓને ઘણી જ ઉપયોગી અને આવકાર્ય રહેશે. કલેકટર કચેરી, રાજકોટ ખાતે કાર્યરત થનાર આધુનિક જન સેવા કેન્દ્રનો લાભ લેવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

(11:28 am IST)