Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

કેકેવી ચોકમાં બ્રિજ નીચે વર્ટીકલ પ્લાન્ટસનો પ્રોજેકટ પડતો મુકાયો

જાહેરાતના પાટીયા લગાવવા મહાપાલિકાએ પિલરના બ્યુટીફિકેશનનો ભોગ લીધો : રાજકોટ બન્યું જાહેરાતના પાટીયાનું જંગલ : હવામાં લટકતા પ્લાન્ટસ અચાનક કાઢી નાંખ્યા : કાલાવડ રોડના ડિવાઇડર બાદ હવે બ્રિજના પિલરમાં પણ ખડકી નાંખ્યા જાહેરાતના માચડાં

રાજકોટ તા.૧૮ : કાલાવડ રોડ પર કેકેવી ચોકમાં અંડરબ્રિજનો પ્રોજેકટ લાંબા સમયથી લટકેલો છે. આ ચોકમાં ઓવર બ્રિજના પિલર નીચે બંન્ને બાજુ વર્ટીકલ પ્લાન્ટસ લગાવવાનો બ્યુટીફિકેશનનો પ્રોજેકટ મહાપાલિકાએ હાથ ધરી અચાનક પડતો મૂકી દીધો છે. કોઈ પણ જાતની પ્રસિઘ્ધી કર્યા વિના થોડો સમય સુધી બ્રિજના પિલરમાં ફ્રેમ લગાવી હવામાં લટકતાં પ્લાન્સ લગાવવામાં આવ્યા હતા જેના સ્થાને હવે જાહેરાતના પાટીયા આવી ગયા છે.

વડોદરા, સુરત, ઈન્દોર જેવા શહેરોમાં બ્યુટીફિકેશન માટે વર્ટીકલ પ્લાન્ટસ લગાવવામાં આવે છે તેનાથી શહેરની શોભામાં વધારો થાય છે. પરંતુ રાજકોટમાં મહાપાલિકાના અધિકારીઓને કેવી કુ બુઘ્ધી સુઝી કે આ પ્લાન્ટસ થોડો સમય રાખ્યા બાદ કાઢી નાંખ્યા અને હવે તેના સ્થાને જાહેરાતના મોટા મોટા પાટીયા લગાવી દેવામાં આવ્યા છે. મહાપાલિકાના વર્તુળો જણાવે છે કે રાજકોટમાં વર્ટીકલ પ્લાન્ટસનો આ પ્રથમ પ્રોજેકટ હતો જેનું બાળમરણ થયું છે. બ્રિજના પિલરમાં પ્લાન્ટસ લગાવ્યા અને કાઢી નાંખ્યા. આવું શા માટે કર્યુ તે વિશે કોઈ કંઈ બોલતું નથી. પિલરમાં ખિલ્લા ખોડી એક ફ્રેમ લગાવવામાં આવી હતી જેમાં હવામાં ઝૂલતા પ્લાન્સ આકર્ષક લાગતાં હતા. પરંતુ હવે પિલર તરફ જનર કરશો તો જાહેરાતના મોટા મોટા મોટા પાટીયા આવી ગયા છે. બ્રિજની ઉપર પાટીયા છે અને હવે નીચે પણ આવી ગયા છે. આખું શહેર જાહેરાતના પાટીયાઓની ઉભરાઈ ગયું છે. રાજકોટને ગ્રીન સિટી તો ન બનાવ્યું જાહેરાતના પાટીયાનું જંગલ જરૂર બનાવી નાંખ્યુ છે.

સ્વચ્છતા સર્વેક્ષણ માટે ૧પ૦ ફુટ રીંગ રોડ પરના ઓવર બ્રિજનું રંગરોગાન કરવામાં આવ્યું છે. બ્રિજને સુંદર દેખાડવા તેના પિલરમાં થોડો સમય વર્ટીકલ પ્લાન્ટસ લગાવવામાં આવ્યા હતા જે હવે જોવા મળતાં નથી. સ્વચ્છતા સર્વેક્ષણ માટે દિલ્હીથી નિરીક્ષકો આવ્યા ત્યારે આ પ્લાન્ટસ લાગેલા હતા તેમ આંતરિક વર્તુળો જણાવે છે. કાલાવડ રોડ પર જયાં નજર નાંખો ત્યાં જાહેરાતના પાટીયા જોવા મળે છે. રોડ ડિવાઈડર તો જાણે તેના માટે જ બનાવવામાં આવ્યા છે. જે જગ્યા હવે ઓછી પડતાં ઓવરબ્રિજના પિલરોમાં ખિલ્લા ખોડી જાહેરાતના પાટીયાના વિશાળ માચળા ઉભા કરી દેવાયા છે.

સ્વચ્છતા સર્વક્ષણને કારણે તાબડતોબ શહેરમાં બ્યુટીફિકેશન કરાવનાર મહાપાલિકાએ કેકેવી ચોકમાં ઓવરબ્રિજના બંન્ને પિલરમાં લગાવેલા હેંગિંગ પ્લાન્ટસ લગાવ્યા અને બાદમાં કાઢી નાંખ્યા વિશે કોઈ સ્પષ્ટતા કરી નથી. પહેલીવાર શહેરમાં લગાવવામાં આવેલા આ પ્લાન્ટ વિશે શહેરીજનોને માહિતગાર પણ કરવામાં ન આવ્યા. પસાર થતાં લોકોમાં કોઈનું ઘ્યાન પડયું એટલે આ બબાત સામે આવી છે. વર્ટીકલ પ્લાન્ટસ લગાવ્યા અને પછી કાઢી નાંખ્યા. આ બધુ ફટાફટ કરી નાંખવામાં આવ્યું પરંતુ તેના ઘસરકા રહી ગયા છે.

ગત ચોમાસામાં મહાપાલિકાએ ભલે પુરતું વૃક્ષારોપણ કર્યુ ન હોય પરંતુ તૈયાર પ્લાન્ટ લગાવ્યા હતા તે પણ કાઢી નાંખ્યા છે. લોકોને ગ્રીનરીને બદલે હવે પિલરમાં જાહેરાતના પાટીયા બતાવવામાં આવી રહયા છે.

(3:51 pm IST)