Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

જુનાગઢના પ્રૌઢ અને વૃધ્ધાના રાજકોટમાં સ્વાઇન ફલૂથી મોતઃ કુલ મૃત્યુઆંક ૮

બંનેએ ખાનગી હોસ્પિટલમાં દમ તોડ્યોઃ સિવિલમાં આજે ૧૧ દર્દી, બે રિપોર્ટ બાકી

રાજકોટ તા. ૧૮: સ્વાઇન ફલૂએ વધુ બે વ્યકિતનો ભોગ લીધો છે. જુનાગઢના પ્રૌઢ અને એક વૃધ્ધાનું રાજકોટની જુદી-જુદી ખાનગી હોસ્પિટલમાં મોત નિપજતાં કુલ મૃત્યુઆંક ૮ થયો છે.

જાણવા મળ્યા મુજબ જુનાગઢ જોષીપુરા વિસ્તારના ૫૧ વર્ષના પ્રૌઢને સ્વાઇન ફલૂની શંકાએ રાજકોટની ક્રાઇસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તેમનો રિપોર્ટ પોઝિટીવ જાહેર થતાં સઘન સારવાર થઇ રહી હતી. દરમિયાન આજે સવારે૧૦ વાગ્યે તેમણે દમ તોડી દીધો છે. આ પ્રૌઢને પ્રથમ જુનાગઢની ત્રિમુર્તિ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. ત્યાંથી તા. ૧૦ના રોજ રાજકોટ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતાં. બીજી તરફ જુનાગઢ ઝાંઝરડા રોડના ૬૪ વર્ષના વૃધ્ધાને પણ સ્વાઇન ફલૂ પોઝિટીવ હોઇ વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તેમનું સવારે ૧૧:૩૬ કલાકે મૃત્યુ થયાનું આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવ્યું હતું. આમ આ વર્ષમાં કુલ મૃત્યુઆંક ૮ થયો છે. બીજી તરફ શહેરની સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફલૂ વોર્ડમાં દર્દીઓની સંખ્યા વધી ગઇ છે. આજે ૧૧ દર્દી સારવાર હેઠળ છે. જેમાં બે દર્દીના રિપોર્ટ આવવાના બાકી છે.  ખાનગી હોસ્પિટલમાં પણ ભાવનગર, પોરબંદર, કચ્છ, અમરેલી, મોરબીના દર્દીઓ સારવાર હેઠળ છે. ગયા વર્ષે તા. ૧-૯-૧૮ થી ૩૧-૧૨-૧૮ સુધીમાં કુલ ૪૫ દર્દીના મૃત્યુ થયા હતાં.

(3:51 pm IST)