Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

કોંગ્રેસીઓનાં જ કામો થતા નથી પછી ભાજપમાં જ જાયને ? પ્રવિણ રાઠોડનું તડ ને ફડ

મહાપાલિકાનાં કોંગી કાર્યાલયમાં પૂર્વ વિપક્ષી નેતાની બઘડાટી :છેલ્લા ૧ મહિનાથી જાહેર શૌચાલય પ્રશ્ને રજુઆતો કરીને થાકેલાં નેતાએ ઠાલવ્યો ઉકળાટ

રાજકોટ તા.૧૮: શહેર કોંગ્રેસનાં પેટાચૂંટણીનાં સત્તાવાર ઉમેદવાર ભાજપમાં ભળી ગયાનાં સમાચારો હજુ તાજા છે ત્યાં કોંગ્રેસનાં વધુ એક અગ્રણીએ પક્ષની નીતિ-રીતિ સામે અસંતોષ વ્યકત કરી અને આજે સવારે મ્યુ.કોર્પોરેશનનાં કોંગ્રેસ કાર્યાલયમાં બઘડાટી બોલાવતાં કોર્પોરેશનની લોબીમાં આ મુદ્દે ગરમા-ગરમ ચર્ચા જાગી છે.

આ અંગે કોંગ્રેસ કાર્યાલયનાં વર્તુળો માંથી પ્રાપ્ત માહિતી મુજબ આજે કોંગ્રેસનાં મ્યુ.કોર્પોરેશનનાં પૂર્વ વિપક્ષી નેતાં પ્રવિણભાઇ રાઠોડે કોંગ્રેસ કાર્યાલયમાં જઇ અને રામનાથપરા તથા ગોંડલ રોડ બ્રીજ પાસેનાં જાહેર શૌચાલયમાં ગંદકી અને સુવિધાનો અભાવ હોવા બાબતે મ્યુ.કમિશનરને અવાર-નવાર રજુઆતો કરવા છતાં આ પ્રશ્ન નહીં ઉકેલાતાં લોકોનાં પ્રશ્નોને કોંગ્રેસ પક્ષનાં માધ્યમથી ઉકેલવા માટે વર્તમાન વિપક્ષી નેતાને વિસ્તૃત રજુઆત માટે સુચન કર્યું હતું. પરંતુ જાહેર આરોગ્યને નુકસાન કર્તા એવા આ ગંભીર પ્રશ્ન અંગે પૂર્વ વિપક્ષી નેતાં પ્રવિણભાઇ રાઠોડની આ રજુઆતને ખૂદ તેનાંજ પક્ષનાં હોદ્દેદારોએ ધ્યાન ઉપર નહીં લેતાં નારાજ થયેલાં પ્રવિણભાઇ કોંગ્રેસ કાર્યાલયમાં જ ઉગ્ર બની ગયા હતા. અને કાર્યાલય મંત્રી સહિતનાં ઉપસ્થિત હોદ્દેદારોને રોકડું પરખાવી દીધું હતું કે લોકોએ સબળ વિરોધ પક્ષ તરીકેની ફરજ કોંગ્રેસને સોંપી છે. છતાં કોંગ્રેસ કાર્યાલયમાં લોક -પ્રશ્નોની રજુઆત માટે આવેલા ખૂદ કોંગ્રેસીઓનાંજ કામો થતાં નથી પછી કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરો ભા.જ.પ. તરફ જ દોટ મુકે અને ભાજપમાંજ ભળી જાયને?

આટલું બોલી તે પૂર્વ વિપક્ષી નેતાએ એમ પણ સંભળાવી દીધું હતું કે હવે લોકોનાં આ પ્રશ્નને તેઓ ભાજપ મારફત ઉકેલાવશે.

આમ શહેર કોંગ્રેસને હચમચાવતી વધુ એક ઘટનાં આજે મ્યુ.કોર્પોરેશનનાં કોંગી કાર્યાલયમાં બની હોવાની ગરમા-ગરમ ચર્ચા કોંગી વર્તુળોમાં જાગી છે.

(3:50 pm IST)