Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

રાજકોટનું વિકાસ એન્જીન પુરપાટ દોડશે

વૈશ્વિક સ્તરે આર્થિક વિકાસમાં અગ્રહરોળના પ્રથમ ૧૦ શહેરોમાં રાજકોટનો ૭મો ક્રમ : ૨૦૧૯થી ૨૦૩૫ સુધી રાજકોટનો વિકાસ દર વર્ષે ૮.૩૩ ટકા રહેવાની શકયતા : ઓકસફોર્ડ ઇકોનોમીકસનો સર્વે

રાજકોટ તા. ૧૮ : વૈશ્વિક આર્થિક વિકાસની વાત કરવામાં આવે ત્યારે સને : ૨૦૧૯ થી ૨૦૩૫ના સમયગાળા દરમ્યાન સમગ્ર દુનિયામાં ભારતના ૧૦ શહેરોનો જબ્બર દબદબો રહેશે, અને તેમાં ગુજરાતમાંથી સુરત અને રાજકોટનો સમાવેશ થાય છે. ઓકસફર્ડ ઇકોનોમિકસના અહેવાલ અનુસાર આગામી દોઢ – બે દાયકા દરમ્યાન રાજકોટ શહેરનો વાર્ષિક સરેરાશ જી.ડી.પી. વિકાસ દર ૮.૩૩ ટકાનો રહેવાની ધારણા વ્યકત કરવામાં આવી છે જે ખરેખર ઉત્સાહવર્ધક છે. રાજકોટના આર્થિક વિકાસના પાયામાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં થતા પાયાના માળખાકીય વિકાસ કાર્યો અને વર્તમાન મોડર્ન સમયને અનુરૂપ અન્ય આધુનિક વિકાસલક્ષી પ્રોજેકટનું મહત્વ ખુબ જ રહે છે, તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ આ વિશે વધુ વાત કરતા એમ પણ કહ્યું હતું કે, ઓકસફર્ડના ગ્લોબલ સિટીઝ રીસર્ચના હેડ રીચાર્ડ હોલ્ટના એક અભ્યાસ અહેવાલના તારણો અનુસાર વિશ્વમાં સૌથી ઝડપી આર્થિક વિકાસ પામી રહેલા શહેરોમાં આગામી બે દાયકા ભારતના શહેરોના નામે હશે. આ તારણ એવો દિશાનિર્દેશ આપે છે કે, સરકારશ્રી અને વહીવટી તંત્ર પૂરપાટ વેગે વિકાસ પ્રક્રિયા આગળ ધપાવી રહયા છે. તેઓની પાયાની નીતિ વિકાસ પર કેન્દ્રિત થયેલી છે. અહી એ ખાસ નોંધવું રહયું કે, શહેરોમાં માત્ર રસ્તા, પાણી, લાઈટ, ભૂગર્ભ ગટર, સહિતની માત્ર પાયાની માળખાકીય સુવિધાઓ જ નહી પરંતુ વિવિધરીતે બદલાઈ રહેલા વર્તમાન સમયને અનુરૂપ દુનિયાની લેટેસ્ટ ટેકનોલોજી સાથે તાલ મિલાવી શહેરમાં અત્યાધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ બનાવવામાં આવે તે દિશામાં સરકારશ્રી અને સ્થાનિક વહીવટી તંત્ર ગંભીરતાપૂર્વક ભાર મુકી રહયા છે. રાજકોટની વાત કરીએ તો મહાનગરપાલિકાએ પાયાની મૂળભૂત સુવિધાઓના માળખાને ખુબ જ મજબુતી બક્ષી છે. તો વળી, પર્યાવરણ ક્ષેત્રે મહાનગરપાલિકાએ વાતાવરણમાં ભળી રહેલા કાર્બનના ઉત્સર્જનમાં ક્રમશૅં ઘટાડો થાય એ માટે શ્રેણીબધ્ધ પગલાંઓ લીધા છે. શહેરને સેઈફ એન્ડ સિકયોર બનાવવા માટે આશરે ૯૫૦થી વધુ સીસીટીવી સર્વેન્સ નેટવર્ક (રાજકોટ આઈ-વે પ્રોજેકટ) કાર્યરત્ત કરી દેશ વિદેશમાં રાજકોટનું નામ રોશન કર્યું છે. વિશ્વ બેન્કે પણ રાજકોટ આઈ-વે પ્રોજેકટની નોંધ લીધી છે.

તાજેતરમાં ક અન્ય એક આંતરરાષ્ટ્રીય અભ્યાસ અહેવાલમાં રાજકોટ શહેર માટે એવી ધારણા વ્યકત કરવામાં આવી હતી કે, વૈશ્વિક જળ વાયુ પરિવર્તન (ગ્લોબલ વોર્મિંગ)ના પડકારો રાજકોટ શહેર માટે એક શાનદાર અવસર બની શકે તેમ છે. સૌરાષ્ટ્રનાં આર્થિક હબ રાજકોટમાં કલાઈમેટ ચેન્જ ક્ષેત્રમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલમાં અને ભવિષ્યમાં ક્રમશઃ હાથ ધરવામાં આવનારા વિવિધ પ્રોજેકટ્સમાં મૂડી રોકાણની ઉમદા તકો ઉભી થઇ રહી છે. 'વર્લ્ડ બેંક'ના મેમ્બર સંગઠન 'ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન' (આઈ.એફ.સી.)નાં ગત તા.૩૦મી નવેમ્બર,૨૦૧૮નાં એક રીપોર્ટમાં એમ જણાવાયું છે કે, આગામી વર્ષ – ૨૦૩૦ સુધીમાં રાજકોટ શહેર કલાઈમેટ ક્ષેત્રમાં કુલ આશરે ૪ અબજ ડોલર જેટલું જંગી મૂડી રોકાણ આકર્ષિત કરી શકે એમ છે.

આ રીપોર્ટ વિશે વધુ વાત કરતા મ્યુનિ. કમિશનરશ્રીએ એમ કહ્યું હતું કે, 'ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન' દ્વારા આ રીપોર્ટ તૈયાર કરવા માટે વિશ્વભરમાંથી ખાસ પસંદ કરાયેલા છ શહેરોમાં રાજકોટનો પણ સમાવેશ કર્યો હતો.

સાઉથ એશિયા રીજીયનમાં આગામી વર્ષ-૨૦૩૦ સુધીમાં કુલ આશરે ૨.૫ ટ્રિલિયન જેટલું કુલ મૂડી રોકાણ થવાની ધારણા 'ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન' સેવે છે કે પૈકી રાજકોટ ૪ અબજ ડોલર જેવું રોકાણ મેળવી શકે તેવી ક્ષમતા ધરાવતું હોવાનું આ રીપોર્ટમાં દર્શાવાયું છે. આ રીપોર્ટમાં વધુમાં એમ પણ દર્શાવાયું છે કે, રાજકોટમાં જે ૪ અબજ ડોલરનાં મૂડી રોકાણની ધારણા સેવવામાં આવી રહી છે તે પૈકી અડધોઅડધ રકમ એટલે કે ૨ અબજ ડોલરનું રોકાણ ગ્રીન બિલ્ડીંગ ક્ષેત્રે, ૧.૨ અબજ ડોલર પબ્લિક ટ્રાન્સપોર્ટ અને ઇલેકિટ્રક વાહનોમાં, ૨૨૦ મિલિયન ડોલર અર્બન વોટર સેકટર, ૧૩૦ મિલિયન દોલત રિન્યુએબલ એનર્જી અને ૫૦ મિલિયન ડોલર જેવું મૂડી રોકાણ વેસ્ટ મેનેજમેન્ટ સેકટરમાં આકર્ષિત થઇ શકે છે તેમ મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ ઉમેર્યું હતું.

આ અહેવાલો રાજકોટ શહેરની ખુબ જ ઝડપથી બદલાતી જતી શિકલ અને તાસીરની ઝલક પ્રસ્તુત કરે છે. રાજકોટના ભૌતિક અને આર્થિક વિકાસના માળખામાં અત્યંત મહત્વપૂર્ણ યોગદાન આપી રહેલ રાજકોટ મહાનગરપાલિકા આ સિલસિલો આગળ ધપાવવા દ્રઢ નિશ્ચય ધરાવે છે તેમ જણાવી મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ કહ્યું કે, રાજકોટના સર્વાંગી વિકાસ કોઈ એક સંસ્થા કે તંત્ર જ નહી પરંતુ સૌ નાગરિકોના સહિયારા પ્રયાસોને આભારી છે.

(3:36 pm IST)
  • વિસ્મય શાહના રેગ્યુલર જામીન અરજી મામલે હવે ૨૩મીએ સુનાવણીઃ વચગાળાના જામીન ચાલુ રહેશે access_time 6:00 pm IST

  • 'મણિકર્ણિકા' ફિલ્મ રિલીઝમાં અડચણ નાખશો તો બરબાદ કરી નાખીશ : અભિનેત્રી કંગના રાનૌતે : કરણી સેનાને ફેંકયો પડકાર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પર આધારીત ફિલ્મ મણીકર્ણિકાનો કરણી સેનાએ વિરોધનો જવાબ દેતી હિન્દી ફિલ્મ અભિનેત્રી access_time 5:58 pm IST

  • ઉપલેટામાં લલીતભાઈ વસોયા વિરૂદ્ધ પોસ્ટરો : પાણીદાર નેતા પાણી પ્રશ્ને દેખાવ કરીશ...હું કદાવર નેતા વગેરે લખાણવાળા પોસ્ટરોઃ ભાદર બચાવો સાર્થક કરતા પહેલા ખનીજ ચોરી અટકાવવા લોકોમાં ચર્ચા access_time 4:07 pm IST