Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

હજારો ગરીબ પરિવારોની રોજીંદી બચતના ૧૧ કરોડ ઓળવી જવા અંગે મહિલા સંચાલકની જામીન અરજી રદ

વિવિધ રાજયોના થાપણદારોની રકમ પરત મળે તેવા કોઇ સંજોગો જણાતા નથીઃ કોર્ટ

રાજકોટ, તા., ૧૮: રાજકોટના પ્રિન્સીપાલ સેસન્સ જજ ગીતા ગોપી મેડમે  ભારતના વિવિધ રાજયોના હજારો ગરીબ લોકોએ રોજીદી બચતમાં મુકેલ અગીયાર કરોડ રૂપીયાની થાપણો ઓળવી ભાગી જનાર સમૃધ્ધ જીવન ફુડ ઇન્ડીયા લી.ના સંચાલક સુનિતા કિરણ થોરાટ, રહે. પુનાની પોલીસ તપાસ પુર્ણ થયા બાદ ચાર્જશીટ બાદની રેગ્યુલર જામીન અરજી રદ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે સમૃધ્ધ જીવન ફુડ ઇન્ડીયા લી. નામથી સુનિતા કિરણ થોરાટ, મહેન્દ્ર વસંત ગાડે (બંને રહે પુના) વર્ષ ર૦૦૦ થી પોતાની ઓફીસ ચાલુ કરી સમગ્ર ભારતના સેંકડો ગરીબ રોજગારીવાળા લોકોને સારૂ વ્યાજ અપાવવાની લાલચે બાંધી મુદતી થાપણોમેળવી હતી તેમજ અમુક અતિ ગરીબ લોકો પાસેથી રોજીંદી થાપણ તરીકે નાણા જમા લઇ થોડા વર્ષો સુધી આ પેઢીના બંને સંચાલકોએ થાપણદારોને નિયમીત વ્યાજ ચુકવેલ હતું અને તે રીતે કુલ ર૦૦ થાપણદારો પાસેથી રૂ. ૧૧ કરોડની રકમ થાપણ તરીકે મેળવેલ હતા. ત્યાર બાદ વર્ષ ર૦૧૮માં આ બંન્ને રાતોરાત ઓફીસ બંધ કરી ભાગી ગયેલ હતા. આ બંન્ને આરોપીઓ પોલીસના હાથ લાગી જતા તેઓ વિરૂધ્ધ ફરીયાદ નોંધી તેમની ધરપકડ કરેલ હતી. ગુજરાત સરકારે આવા નાના થાપણદારો પાસેથી મોટી રકમો થાપણ તરીકે મેળવી તથા જાત જાતની સ્કીમો બનાવી લોકો સાથે છેતરપીંડી કરતા ઇસમો વિરૂધ્ધ અસરકારક કાર્યવાહી કરવા માટે ખાસ રીતે જીપીઆઇડી એકટ ઘડેલ હતો. જેની જોગવાઇ મુજબ આવા આરોપીઓ વિરૂધ્ધ સમગ્ર સૌરાષ્ટ્ર ઝોનના ગુનાઓના કેસો રાજકોટના સેસન્સ જજ સમક્ષ ચાલવા પાત્ર છે. જેમાં આરોપીની મિલ્કતો જપ્ત કરી થાપણદારોને આ મિલ્કતના વેચાણથી ઉપજેલ રકમ વહેચી આપવાની જોગવાઇ કરવામાં આવી છે. આ રીતે જોગવાઇ હેઠળ બંન્ને આરોપીની ધરપકડ કરકરવામાં આવેલ અને સમય મર્યાદામાં પોલીસે તપાસ પુર્ણ કરી આરોપીઓ વિરૂધ્ધ જી.પી.આઇ.ડી. એકટમની કલમો હેઠળ ચાર્જશીટ રજુ કરેલ હતું.

આરોપીએ તપાસ પુર્ણ થયા બાદરજુ કરેલ જામીન અરજીની સુનાવણી વખતે સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે હાજર રહેલ જિલ્લા સરકારી વકીલશ્રી એસ.કે. વોરાએ રજુઆત કરતા જણાવેલ હતું કે આ આરોપીએ પોલીસ રીમાન્ડ દરમ્યાન તેમની માલીકીની સમગ્ર મિલ્કતો યોગ્ય રીતે જાહેર કરેલ નથી. આ રીતે આ આરોપી પોતાની મિલ્કતો સેસન્સ કોર્ટ જપ્ત કરી વેચાણ ન કરી શકે તેવા ઉદેશથી હકીકતો છુપાવતા હોય ત્યારે ગરીબ થાપણદારોની થાપણની રકમ તેઓને પરત મળે તેવા કોઇ સંજોગો જણાઇ આવતા ન હોય ત્યારે આવા આરોપીને જામીન આપવાથી તેઓએ છુપાવી રાખેલ મિલ્કતો કોર્ટની જાણ બહાર વેચી નાખે તેવી પુરેપુરી શકયતા છે તેથી આવા આરોપીને જામીન આપવાથી તેઓએ છુપાવી રાખેલ મિલ્કતો કોર્ટની જાણ બહાર વેચી નાખેે તેવી પુરેપુરી શકયતા છે તેથી આવા આરોપીને જામીન આપવા જોઇએ નહી.

આ ઉપરાંત શ્રી સરકાર તરફે રજુઆત કરવામાં આવેલ કે હાલના આરોપીએ ગરીબ થાપણદારો પાસેથી નાની-નાની રકમોની થાપણો લીધેલ હોવાનું ઇન્કાર કરતા નથી તેમજ આ થાપણો નિશ્ચિત વ્યાજ સાથે પરત ચુકવેલ નહી હોવાનું પણ ઇન્કાર કરતા નથી ત્યારે જીપીઆઇડી અકેટ હેઠળનો ગુન્હો આ તબક્કે  જ સાબીત થતો હોવાનું જણાઇ છે. આ ઉપરાંત હાલના આરોપી સુનીતા થોરાટએ તેમની પાસેની થાપણની રકમો કોર્ટમાં જમા કરાવવાની કોઇ જ તૈયારી દાખવેલ નથી તેથી આવી માનસીકતાવાળા વ્યકિતઓને જામીન આપવા ન્યાયોચીત જણાતું નથી. શ્રી સરકાર તરફેની આ રજુઆતોને ધ્યાનમાં લઇ પ્રિન્સીપાલ સેસન્સ જજ ગીતા ગોપી મેડમએ આરોપી સુનિતા કિરણ થોરાટની જામીન અરજી રદ કરેલ છે.

આ કેસમાં સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે શ્રી સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ શ્રી સંજયભાઇ કે.વોરા  રોકાયેલા હતા.

(3:28 pm IST)