Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરીમાં આજથી ત્રણદિ' 'પીપલ્સ આર્ટ એકઝીબીશન- ૨૦૧૯'

ટોક શો, લાઈવ પોટ્રોઈટ, ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધાના પણ આયોજનો

રાજકોટ,તા.૧૮: વિવિધ લલિતકલાઓનાં ઉત્થાનનાં મુખ્ય ઉદ્દેશ સાથે ડીસેમ્બર- ૨૦૧૮માં સ્થપાયેલી સંસ્થા આર્ટિસ્ટ્રી કલબ- રાજકોટ દ્વારા તા.૧૮ થી ૨૦ દરમિયાન એક સુંદર આર્ટ એકઝીબીશન- કમ- સેલનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં રાજકોટ ઉપરાંત ગુજરાતના અન્ય શહેરોનાં ૩૦ જેટલા કલાકારો પોતાની કૃતિઓનું પ્રદર્શન તથા વેચાણ કરશે.

 ડો.શ્યામાપ્રાસદ મુખર્જી આર્ટ ગેલેરી, રેસકોર્ષ ખાતે યોજાયેલ આ ત્રિ- દિવસીય આર્ટ એકઝીબીશન કાર્યક્રમમાં પ્રદર્શન ઉપરાંત ચિત્રકલાના વિવિધ વિષયો પર ટોક- શો, લાઈવ પોર્ટ્રેઈટ કાર્યક્રમ, ચિત્ર સ્પર્ધા તથા રંગોળી સ્પર્ધા વગેરેનું આયોજન પણ કરવામાં આવેલ છે. આ ત્રિ- દિવસીય પ્રદર્શીનીનું વરિષ્ઠ ચિત્રકાર સુરેશ રાવલનાં હસ્તે કરવામાં આવ્યુ હતું. આજે  પ્રથમ દિવસે સાંજે ૪ વાગ્યે ધોરણ ૮ થી ૧૨નાં વિદ્યાર્થીઓ માટે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ભાગ લેવા માટે મો.૯૭૨૪૫ ૨૦૩૪૬ ઉપર સંપર્ક કરી વહેલા તે પહેલાનાં ધોરણે રજીસ્ટ્રેશન કરવા કાર્યક્રમનાં સંચાલક રિદ્ધિ ઘઘડાએ અપીલ કરી છે.કાલે તા.૧૯ના સાંજે ૪:૩૦ કલાક રાજકોટના જાણીતા ચિત્રકાર અને કાર્ટૂનિસ્ટ સંજય કોરિયા સાથે કાર્ટૂનિંગ વિષય પર એક સુંદર ટોક- શોનું આયોજન કરવામાં આવેલ છે. જે પછી તરત સાંજે ૬ કલાકે લાઈવ પોર્ટ્રેઈટ કાર્યક્રમ આયોજિત થયેલ છે જેમાં દર શનિવારે આયોજિત થતા લાઈવ પોર્ટ્રેઈટ કલબનાં સભ્યો દ્વારા લાઈવ પોર્ટ્રેઈટ બનાવવામાં આવશે. સાથે રાજકોટ અને અન્ય શહેરોના વિવિધ ચિત્રકારોનું એક અવૈધિક સંમેલન પણ આયોજિત થયેલ છે.

કાર્યક્રમનાં ત્રીજા દિવસે, તા.૨૦ના રવિવારના ખાસ ફન- સ્ટ્રીટની મુલાકાતે આવતા યુવામિત્રોને ધ્યાનમાં રાખી પ્રદર્શની સવારે ૭ વાગ્યે જ શરૂ કરી દેવામાં આવશે. જેમાં સવારે ૭ વાગ્યાથી ધો.૧ થી ૧૨નાં વિદ્યાર્થીઓ માટે ચિત્ર- સ્પર્ધાનું આયોજન થયેલ છે. જેમાં ભાગ લેવા માટે ઓન- ધી- સ્પોટ રજીસ્ટ્રેશનની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ જ દિવસે બપોરે ૧ થી ૩ સન્માન સમારોહ તેમજ કલોઝિંગ- સેરેમની ગોઠવવામાં આવેલ હોવાનું કાર્યક્રમનાં યુવા આયોજક સભ્ય કિશન ઘઘડા હર્ષ ઠાકર, જયદીપ પરમાર અને રીધ્ધી ઘઘડાની યાદીમાં જણાવાયું છે.

(2:54 pm IST)