Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

ટાગોર માર્ગની ફિલ્મ પ્રોડકશનની ઓફિસમાંથી ગોવાના ગઠીયાએ ચેક ચોરી ૧૦.૭૫ લાખ ટ્રાન્સફર કરી લીધા!

વેરોનિકા પ્રોડકશન લિ. કંપનીના ડિરેકટર રાજેશભાઇ રૂપારેલીયા જુનાગઢ ગયા હોઇ તેની ગેરહાજરીમાં તેના ભાઇનો મિત્ર મુળ રાજકોટનો હાલ ગોવા રહેતો આશિષ પટેલ ઓફિસના કર્મચારીને છેતરી ચેક બઠ્ઠાવી ગયોઃ એ-ડિવીઝન પોલીસે તપાસ આદરી

રાજકોટ તા. ૧૮: ભકિતનગર સર્કલ પાસે શ્યામવાડી વાળી શેરીમાં ઓમ એપાર્ટમેન્ટમાં રહેતાં અને ફિલ્મ પ્રોડકશનનું કામ કરતાં રાજેશભાઇ હરિલાલ રૂપારેલીયા (પટેલ) (ઉ.૪૫) સાથે તેના ભાઇના મિત્ર  મુળ રાજકોટના હાલ ગોવા રહેતાં આશિષ રાજેશભાઇ પટેલે રૂ. ૧૦,૭૫,૦૦૦ની ઠગાઇ કરતાં મામલો પોલીસમાં પહોંચ્યો છે. રાજેશભાઇએ ટાગોર રોડ પર સિલ્વર ચેમ્બરના પહેલા માળે આવેલી પોતાની વેરોનીકા પ્રોડકશન લિ. નામની ઓફિસ નં. ૧૩૦માં આશિષ પટેલ પરના વિશ્વાસે રેઢી મુકી હતી. તેનો લાભ ઉઠાવી આશિષે સહી કરેલા ચેકો ચોરી લઇ એકસીસ બેંકમાં પોતાના પિતા તથા મિત્રના ખાતામાં રકમો ટ્રાન્સફર કરાવી લીધી હતી!

બનાવ અંગે એ-ડિવીઝન પોલીસે રાજેશભાઇ રૂપારેલીયાની ફરિયાદ પરથી આશિષ પટેલ સામે આઇપીસી ૪૦૬, ૪૨૦ મુજબ ગુનો નોંધ્યો છે. રાજેશભાઇએ એફઆઇઆરમાં જણાવ્યું છે કે હું વેરોનીકા પ્રોડકશન લિ.નો ડિરેકટર છું. આ કંપનીમાં  રોજબરોજની કામગીરી માટે મારી નિમણુંક થઇ છે. ઓફિસ સવારે સાડા નવથી રાત્રીના આઠ સુધી ખુલ્લી હોય છે. અહિ બીજા કર્મચારી નિર્ભયભાઇ દવે પણ છે. અમારી કંપનીનો સંપુર્ણ વહીવટ મારી રાહબરીમાં થાય છે અને તમામ વહિવટ ચેકથી કરવાનો હોય છે. અમારી કંપનીનું બેંક એકાઉન્ટ એકસીસ બેંકમાં છે. તેની ઓરિજીનલ ચેક બૂક સહી કરેલી ઓફિસમાં રાખી હતી.

તા. ૧/૧/૧૯ના સવારે સાડા અગિયારેક વાગ્યે હું ઓફિસે ગયો હતો અને ત્યાંથી મારે જુનાગઢ કામ સબબ જવું હોઇ ત્યાં જવા નીકળેલ અને ઓફિસનું ભાડુ તથા માણસોના પગારનું કામ હું નિર્ભય દવેનો સોંપતો ગયો હતો. બીજા દિવસે તા. ૨ના નિર્ભય દવેનો મને ફોન આવ્યો હતો કે ઓફિસમાંથી ચેકબૂક ગૂમ છે. તેણે એવી વાત પણ કરી હતી કે ઓફિસમાં ગોવાવાળો રાજેશ પટેલ તા.૧ના રોજ આવ્યો હતો. એ સિવાય કોઇ આવ્યું નથી. આથી હું સીધી જુનાગઢથી રાજકોટ આવ્યો હતો અને ખાતુ કલોઝ કરાવવા ભકિતનગર સર્કલ પાસેગોંડલ રોડ પર એકસીસ બેંક ખાતે ગયો હતો. નિર્ભય દવે પણ બેંક ખાતે આવેલ. ત્યાં જઇ તપાસ કરતાં ખબર પડી હતી કે ચેક નં. ૧૨૦૬૩ તથા ૧૨૦૬૪ વટાવી લેવાયા હતાં. જેમાં ૧૨૦૬૩ નંબરના ચેકમાંથી રૂ. ૮ લાખ રાજેશભાઇ ત્રિકમભાઇ પટેલના ખાતામાં ટ્રાન્સફર થઇ ગયાની અને ૧૨૦૬૪ નંબરના ચેક દ્વારા રૂ. ૨,૭૫,૦૦૦ પણ ઉઘડી ગયાની ખબર પડી હતી.

નિર્ભય દવેએ વાત કરી હતી કે તા.૧ના બપોરે હું ઓફિસે હતો ત્યારે ગોવાવાળો આશિષ રાજેશ પટેલ આવ્યો હતો ત્યારે મારે જમવાનું બાકી હોઇ હું આશિષને ઓફિસે બેસાડી થેપલા-ભાજી લેવા ગયો હતો. હું પાછો આવ્યો ત્યારે આશીષ ઓફિસમાં નહોતો. જેથી તે ચેક બૂક લઇ ગયાની પુરી શકયતા છે. તપાસ કરતાં બે ચેકનું કલીયરન્સ ગોવા મડગાંવની એકસીસ બેંક બ્રાંચમાં કલીયરન્સ થયાની ખબર પડી હતી. એ પછી ચેબૂક સ્ટોપ કરાવી હતી. પ્રથમ અરજી આપી ત્યારે પોલીસે તપાસ કરતાં સાધુ વાસવાણી રોડ પર એકસીસ બેંકમાં તપાસ કરતાં બે વ્યકિત ચેક નાંખવા આવતી સીસીટીવી ફૂટેજમાં દેખાઇ હતી. જેમાં એક આશિષ પટેલ હતો. બહારના ભાગે ગોવા પાસીંગની ગાડી પણ જોવા મળી હતી.

રાજેશભાઇએ વધુમાં જણાવ્યું છે કે મારા કાકાના દિકરા હિતેષનો આ આશિષ પટેલ મિત્ર હોઇ તે અવાર-નવાર અમારી ઓફિસે આવ-જા કરતો હતો. તા. ૧ના રોજ તકનો લાભ લઇ તે ચેક બૂક ચોરી ગયો હતો અને બે ચેક વટાવી લઇ રૂ. ૧૦,૭૫,૦૦૦ ટ્રાન્સફર કરાવી લીધા હતાં.  પી.આઇ. એન. કે. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ એ. જી. અંબાસણા અને વિજયભાઇ બાલસે તપાસ શરૂ કરી છે.

(2:51 pm IST)