Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

આને કહેવાય 'કીડીને કોશનો ડામ'

પાન કાર્ડ કૌભાંડ ? સામાન્ય નોકરીયાતને IT તરફથી રૂ. ૩.૨૩ કરોડનો ટેક્ષ ભરવા નોટીસ

કદી ન કર્યા હોય તેવા વ્યવહારો માટે નોટીસ મળતા નોકરીયાત પોલીસના દ્વારેઃ પાન કાર્ડનો દુરૂપયોગ : ભેજાબાજે કર્યું કારસ્તાન

રાજકોટ તા. ૧૮ : રાજકોટના જિગ્નેશ નરોલાના પગ નીચેથી ત્યારે જમીન ખસી ગઈ જયારે ઈન્કમ ટેકસ તરફથી તેને ૩.૨૩ કરોડ રૂપિયાની નોટિસ મળી. રસપ્રદ વાત એ છે કે, આ નોટિસ તેને એ ટ્રાન્ઝેકશન માટે મોકલવામાં આવી છે જે તેણે કયારેય કર્યા જ નથી. જિગ્નેશ એક સામાન્ય નોકરી કરે છે. આ કેસ તેના પાન કાર્ડના દુરુપયોગનો છે.

નોટિસ મળ્યા બાદ જિગ્નેશ નરોલાએ ઈન્કમ ટેકસના અધિકારીઓને સમજવ્યા કે, આ ટ્રાન્ઝેકશન તેણે નથી કર્યા. આ કામ તેના PAN કાર્ડનો ઉપયોગ કરી એક CA, એકાઉન્ટન્ટ અને કલાર્ક દ્વારા કરવામાં આવ્યું છે. નરોલાએ જામનગરથી રાજકોટ શિફટ થતી વખતે પોતાનું પાન કાર્ડ વિમ ભટ્ટ નામના તેમના મિત્રનો સોપ્યું હતું, જે એકાઉન્ટન્ટ છે. નરોલાએ વિમલને કહ્યું હતું કે, તેને હવે આ પાન કાર્ડની જરૂર નથી અને તે આને ઈન્કમ ટેકસ વિભાગને સરેન્ડર કરવા માગે છે.

વિમલે આ પાન કાર્ડ લઈને જામનગરમાં CA શશાંક દોષીને આપી દીધું. દોષીએ જામનગરમાં જિગ્નેશના નામથી બે એકાઉન્ટ ખોલાવ્યા. આ પ્રકરણમાં ત્રીજો આરોપી વિજય ગેલૈયા છે, જેણે એકાઉન્ટ વિટનેસમાં હસ્તાક્ષર કર્યા હતા.

જાન્યુઆરી ૨૦૧૧થી નવેમ્બર ૨૦૧૪ દરમિયાન આરોપીઓએ આ ખાતાઓમાંથી ૬.૩૪ કરોડ રૂપિયાના કાળા નાણાંનું ટ્રાન્ઝેકશન કર્યું. આના સંદર્ભે નરોલાને ઈન્કમ ટેકસ વિભાગ તરફથી નોટિસ ફટકારવામાં આવી અને જયારે નરોલાએ ઈન્કમ ટેકસ વિભાગના અધિકારીઓ સાથે મળી આ અંગે તપાસ કરી અને બાદમાં પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી.(૨૧.૯)

(10:11 am IST)