Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

NOC આપવાના રૂ. ૩ લાખના ઉઘરાણા કરતી ઇન્દુભાઇ પારેખ આર્કિટેકચર કોલેજની મનમાની

ફી પરત કરવાના FRCના આદેશનો ઉલાળ્યો કરી વાલીઓને તતડાવ્યાઃ ભારે રોષ આંદોલનની ચીમકી

રાજકોટ તા.૧૭: કાલાવડ રોડ ઉપર આવેલ ઇન્દુભાઇ પારેખ આર્કિટેકચર કોલેજના સંચાલકોની જોહુકમી સામે આવી છે. એનઓસી આપવાના રૂ. ૩ લાખના ઉઘરાણા બાદ એફઆરસીના આદેશ બાદ પરત ન કરતા વાલીમાં ભારે રોષ ફેલાયો છે. અન્યાયનો ભોગ બનેલ છાત્રના વાલી શ્રી સુનિલભાઇ રાઠોડે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

રાજકોટના સુનિલ રાઠોડ નામના વાલીનાં સુપુત્ર વૈભવ રાઠોડ આર્કિટેકચર કોલેજમાં અભ્યાસ કરતો હતો તેને ત્રીજા સેમેસ્ટરથી કોલેજ ટ્રાન્સફર કરવાની હતી. આ માટે કોલેજ પાસેથી એન.ઓ.સી.ની માંગણી કરતા સંચાલકોએ તેને કહયું કે બાકીના આઠ સેમેસ્ટરની ફી ભરી દો પછી એન.ઓ.સી. આપીએ. વાલી ઘણા કરગર્યા પણ સંચાલકો માન્યા નહિ એટલે સંતાનનું વર્ષ ન બગડે તે માટે આઠ સેમેસ્ટરની ફી રૂ. ૩.૨૦ લાખ ભરીને એન.ઓ.સી. લીધું હતું. બાદમાં ફી પરત લેવા માટે વડાપ્રધાનના પોર્ટલ ઉપર ફરિયાદ કરી હતી. જેના અનુસંધાને તેમને ફી નિયમન કમિટી સમક્ષ જવા જણાવાયું હતું.

ગત તા. ૨૮-૮-૧૮ના રોજ સુનિલભાઇ રાઠોડ ફી નિયમન કમિટી પાસે ગયા ત્યારે જ કમિટીએ કોલેજને ફી પરત કરવા આદેશ કર્યો હતો જે લઇ કોલેજને આપતા કોલેજે કહી દીધું હતું કે, તમારે જયાં જવું હોય ત્યાં જાવ ફી પરત નહિ મળે. વાલીએ ફરી ફરિયાદો કરતા એડમિશન કમિટિ અને ફી નિયમન કમિટિએ કોલેજના પ્રિન્સીપાલને બોલાવ્યા હતા.

પ્રિન્સીપાલ અને વાલીને સાથે રાખી સુનાવણી કરી ફરી આદેશ કર્યો હતો કે, આ વાલીને તેમની સાત સેમેસ્ટરની ફી રૂ. ૨.૭૩ લાખ પરત આપી દો. આ ઓર્ડર ગત તા. ૧૮-૧૨ના રોજ કરવામાં આવ્યો હતો. આમ છતાં આ જ દિવસ સુધી નાણા પરત  આપવામાં આવ્યા નથી. વાલી દરરોજ વડાપ્રધાન ગ્રીવેન્સીસ સેલ, ફી કમિટિ, રાજ્ય સરકારના વિભાગોને ફરિયાદ કરતા રહે છે પણ કોલેજ સંચાલકો સામે કોઇ કાર્યવાહી થતી નથી.

 

(3:48 pm IST)