Gujarati News

Gujarati News

News of Monday, 17th December 2018

બાળકોને ગીતાજી- રામાયણનું અધ્યયન કરાવવું જરૂરી

મનહરલાલજી મહારાજ સ્થાપીત સંસ્થા ગીતા વિદ્યાલયનો બુધવારે ૫૪માં પ્રવેશઃ મેડીકલ સાધન સહાય સહિત ઢગલાબંધ સેવાકીય પ્રવૃતિ કરે છે

રાજકોટ,તા.૧૭: જંકશન પ્લોટ ખાતે શ્રીમનહરલાલજી મહારાજ સ્થાપિત સેવાસંસ્થા ગીતા વિદ્યાલય ટ્રસ્ટ તા.૧૯ને બુધવારે ગીતા જયંતિના રોજ ભગવદ્દગીતાનો ગુંજારવ અને માનવસેવાના ૫૩ વર્ષોની સેવાયાત્રા પૂર્ણ કરીને ૫૪મા વર્ષમાં પ્રવેશ કરે છે.

આજનો બાળકએ આવતીકાલનો નાગરિક છે તે ધ્યાનમાં રાખીને જો બાળકોને બાળપણથી જ ગીતાજી- રામાયણનું અધ્યયન કરાવવામાં આવે તો સદાચાર, સદ્દગુણ, સહિષ્ણુતાથી પરિપૂર્ણ આદર્શ નાગરિકોનું ઘડતર થાય અને એક આદર્શ ભારત રાષ્ટ્રનું નિર્માણ થાય. આ ભવ્ય હેતુને નજર સમક્ષ રાખીને ભાગવતાચાર્ય શ્રીમનહરલાલજી મહારાજે સૌરાષ્ટ્રમાં જામનગર, રાજકોટ, ગોંડલ, ખાંડાધાર, કોસંબા, ધારી, ધ્રોલ સહીત અનેક સ્થળોએ ગીતા વિદ્યાલયની સ્થાપના કરી, જેમાં રાજકોટમાં આજથી ૫૩ વર્ષો પૂર્વે ગીતા જયંતીના રોજ ગીતા વિદ્યાલયની સ્થાપના કરી.

રાજકોટમાં જંકશન પ્લોટ ખાતે છેલ્લા ૫૩ વર્ષોથી ગીતા વિદ્યાલય ટ્રસ્ટ દ્વારા બાળ સંસ્કાર કેન્દ્ર, ગીતા પ્રચાર, સંસ્કૃત પ્રચાર, નિઃશુલ્ક ઉનાળુ છાશ કેન્દ્ર, નિઃશુલ્ક નિદાન સારવાર કેમ્પ, રાહત દરે નોટબુક વિતરણ, કારકિર્દી માર્ગદર્શન, સાર્વજનિક વાચનાલય, પુસ્તકમેળો, મેડીકલ સાધનસહાય, જ્ઞાનયજ્ઞ, બાળમજૂરીનાબુદી અભિયાન, વ્યસનમુકિત વગેરે સેવાપ્રવૃતિઓનું નિયમિતપણે સંચાલન થાય છે. સંસ્થાની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓને કારણે રાજકોટ મહાનગરપાલિકાએ જંકશન પ્લોટ મેઈન રોડને ગીતા વિદ્યાલય રોડ નામ આપેલ છે. નાત- જાત કે ધર્મના ભેદભાવ વિના બિનરાજકીય, બિન વિવાદાસ્પદ ધોરણે છેલ્લા ૫૩ વર્ષોથી ગીતા પ્રચારનુ પાયાનું કાર્ય કરી રહેલ રજિસ્ટર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ હોવાનું સંચાલક ડો.કૃષ્ણકુમાર મહેતા(મો.૯૮૯૮૩ ૧૮૨૮૬) ની યાદીમાં  જણાવ્યું છે.

(4:04 pm IST)