Gujarati News

Gujarati News

News of Monday, 17th December 2018

ટાટની પરીક્ષામાં સફળતા મેળવતા યુનિવર્સિટીના છાત્રો

 રાજકોટ : શિક્ષણ વિદ્યાશાખા અને કેરીયર કાઉન્સેલીંગ ડેવલોપમેન્ટ સેન્ટર (સીસીડીસી)ના સંયુકત બેનર હેઠળ છેલ્લા ૩ વર્ષથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે બી. એડ્.ના તાલીમાર્થીઓને શિક્ષક બનવા આવશ્યક શિક્ષક અભિરૂચી કસોટી (ટાટ)ની ૧૦૦ કલાકની તાલીમનું આયોજન ટોકન રજિસ્ટ્રેશન દરે રેગ્યુલર કરવામાં આવી રહ્યું છે. જેના ભાગ રૂપે છેલ્લા ત્રણ વર્ષમાં ર૦૦ થી વધુ છાત્રોએ શિક્ષણની સરકારી નોકરી મેળવી છે. આ વર્ષે પણ શિક્ષણ વિદ્યાશાખા અને સીસીડીસીનાં સંયુકત ઉપક્રમે ટાટ માટે તાલીમવર્ગનું આયોજન કરાયેલ હતું. જેમાં ચાઇલ્ડ સાયકોલોજી, અંગ્રેજી ગ્રામર, ગુજરાતી વ્યાકરણ, એજ્યુકેશન ફિલોગ્રાફી, ગણિત, રીઝનીંગ વગેરે વિષયો ઉપર નિષ્ણાંત તજજ્ઞો મારફત દરરોજ ચાર કલાકની તાલીમ એક મહિના સુધી આપવામાં આવેલ હતી. જેના ભાગરૂપે તાજેતરમાં રાજય સરકારએ જાહેર કરેલ પરિણામમાં સીસીડીસીનાં ૬૭ છાત્રોએ ઝળહતી સફળતા મેળવી તાલીમ શાળાની કામગીરીને બિરદાવી છે. જેમાં એકાઉન્ટમાં ૧૧, કોમર્સમાં ૧, ભાષામાં ર૭ ગણિત/ વિજ્ઞાનમાં ૮, સામાજિક વિજ્ઞાનમાં ૧૮ અને ફિઝીકલ એજ્યુકેશનમાં ર છાત્રોએ સફળતા મેળવી કુલ પ૦ ટકા રેકોર્ડબ્રેક પરિણામ પ્રાપ્ત કરેલ છે. ભારત દેશની ૫૮૫ વિશ્વ વિદ્યાલયોમાં માત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સીસીડીસી મારફત સૌરાષ્ટ્ર વિસ્તારના છાત્રોને પરિણામલક્ષી રેગ્યુલર તાલીમોના આયોજન સમયાંતરે યોજવામાં આવે છે અને તે કાર્યની રાજ્ય સરકારશ્રીએ નોંધ લઇ વિદ્યાર્થીલક્ષી કાર્યને સક્ષમ અને સાધન સંપન્ન બનાવવા સ્પર્ધાત્મક પરીક્ષાના અલાયદી વાંચનાલય માટે ૭.૫ કરોડની ગ્રાંટ ફાળવવામાં આવેલ છે. ટાટ પરીક્ષામાં સફળતા મેળવનાર સર્વ છાત્રોને યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નિલામ્બરીબેન દવે અને કુલસચિવ આર.જી.પરમાર સિન્ડીકેટ સદસ્ય મેહુલભાઇ રૂપાણી, ડો.ધીરેનભાઇ પંડ્યા, શિક્ષણ વિદ્યાશાળાનાં ડો.નિદત્તભાઇ બારોટ,ડો. જનકભાઇ મકવાણા, ડો.ધરમભાઇ કાંબલીયા, ડો.નિકેશભાઇ શાહ વગેરેએ અભિનંદન પાઠવેલ છે. તાલીમશાળાને સફળ બનાવવા સીસીડીસીના સુમિતભાઇ મહેતા, ચિરાગભાઇ તલાટીયા, હેતલબેન ગોસ્વામી, દિપ્તીબેન ભલાણી, આશિષભાઇ કીડીયા, સોનલબેન નિમ્બાર્ક, હીરાબેન કીડીયા અને કાંતિભાઇ જાડેજાએ જહેમત ઉઠાવેલ હતી.

(4:04 pm IST)