Gujarati News

Gujarati News

News of Monday, 17th December 2018

તમામ કોલેજના વિદ્યાર્થીઓને નશામુકત બનાવી કુશળતા ખીલવવા માટે પોલીસની 'હોપ' ઝુંબેશ

હેલ્થ ઓપ્ટીમિસ્ટીક પોઝિટીવ એન્ટરપ્રાઇઝિંગ ઝુંબેશ અંતર્ગત કોલેજીયનોને નશાથી દૂર લઇ જઇ કુશળ અને સ્વમાની બનાવવા, માનસિક તણાવ નાબુદ કરવા જુદા-જુદા જાગૃતિ કાર્યક્રમો, વિચાર મંથન અને વકતૃત્વ સ્પર્ધા યોજાશેઃ યુનિવર્સિટીના સહયોગથી પોલીસ કમિશ્નર અગ્રવાલ અને જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી દ્વારા પહેલ

રાજકોટ તા. ૧૭: કોલેજના છાત્રોને વ્યવસનમુકત બનાવી તેમનામાં કુશળતા ખીલવવા માટે સ્વસ્થ અને વ્યસન મુકત કોલેજ કેમ્પસ બનાવવા માટે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રીએ પહેલ કરી છે. તે અંતર્ગત 'હોપ' (હેલ્ધી ઓપ્ટિમાઇસ્ટીક પોઝિટીવ એન્ટરપ્રાઇઝીંગ) નામની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશની શરૂઆત સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રાંગણમાં કુલપતિ વિભાવરીબેન દવે, ડીન અને સેનેટ મેમ્બર મેહુલ રૂપાણીની હાજરીમાં થઇ છે. જેમાં ૭૦૦ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. પોલીસ કમિશ્નરશ્રી અગ્રવાલે 'હોપ' કાર્ય અંતર્ગત યુવાધનને ર્સ્વથ રહેવા અને નશામુકત રહેવા સુચન કરી અગત્યનું વકતત્વ આપ્યું હતું. તેમજ દરેક કોલેજમાં 'હોપ' કમિટીની રચના કરવા જણાવ્યું હતું. આ કમિટીમાં કોલેજના જ વિદ્યાર્થીઓ સાથે પદાધીકારીઓ પણ સામેલ હશે. હોપ કાર્યક્રમ યોજવા માટે જ્યારે પણ જે કોલેજને જરૂર હશે ત્યારે પોલીસ દ્વારા તેમને તમામ જરૂરી મદદ પુરી પાડવામાં આવશે.

'હોપ' ઝુંબેશ અંતર્ગત કોલેજીયનોને આરોગ્યની દ્રષ્ટીએ સ્વસ્થ, ચુસ્ત રહેવા અને ફિટનેસ મેનેજમેન્ટ પર ખાસ ધ્યાન આપવા જણાવાશે. નશાની કૂટેવથી દૂર રહેવા અને નશાથી શું નુકશાન થાય? પોતાનામાં રહેલી નાની-નાની કુશળતાનો શ્રેષ્ઠ ઉપયોગ કઇ રીતે કરી શકાય? સ્વમાન વધારવા, સ્ટ્રેસ નાબુદ કરવા અને સામાજીક જાગૃતિ સહિતના મુદ્દે ખાસ સમજ આપવામાં આવશે. આમ થવાથી છાત્રો પોતાના વિચારો, પોતાના અનુભવો તથા કાર્યક્ષમતા વધારી શકશે.

હોપની શરૂઆતમાં તા. ૧૨-૧ના રોજ તમામ કોલેજોમાં વકતૃત્વ સ્પર્ધા રાખાવામાં આવશે. વિજેતા છાત્રોને ઇનામ પણ અપાશે. દર મહિને ઓછામાં ઓછા એક વિષય પર અલગ-અલગ કાર્યક્રમ યોજવામાં આવશે. તેમ જોઇન્ટ પોલીસ કમિશ્નર શ્રી સિધ્ધાર્થ ખત્રીએ જણાવ્યું છે. (૧૪.૧૫)

(3:39 pm IST)