Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

મનપાની વહીવટ બાબતોની ગેરરીતિઓના ધડાકા કરવા કોંગ્રેસની તૈયારી

વિપક્ષી નેતાને મ્યુ.કમિશ્નરે માહિતી આપી દેતા ધરણા કેન્શલ : જન્મ મૃત્યુ નોંધ-ગોપાલ ડેરી-આવાસ યોજના -સ્માર્ટ સીટી યોજના અંગે માંગેલી માહિતી મળી ગઇ હવે પ્રજા સમક્ષ હકીકત જાહેર કરાશે : ભાનુબેન સોરાણી

રાજકોટ,તા.૧૭: મ.ન.પાનાં વિવિધ વિભાગોની કામગીરી અંગે વિપક્ષીનેતા ભાનુબેન સોરાણીએ મ્યુ.કમિશ્નર પાસે માહિતી માંગી હતી અને જો આજે સવાર સુધીમાં માહિતી ન અપાય તો ધરણા પર બેસવાની ચિમકી ઉચ્ચારી હતી.

 જે સંદર્ભે મ્યુ. કમિશ્નરશ્રીએ સવારે જ વિપક્ષીનેતાને તેઓએ માંગેલી માહિતીઓ આપી દેતા ધરણા કેન્સલ કર્યા હતા. અને હવે આ માહિતી ન આધારે વિપક્ષીનેતા મ.ન.પા.ની વહીવટી બાબતોની ગેરરીતિમાં ધડાકા કરનાર હોવાનું તેઓએ જણવેલ હતું.

 મહાનગરપાલિકાના વિપક્ષનેતા ભાનુબેન સોરાણી દ્વારા આજરોજ તા.૧૭/૧૧/૨૦૨૧ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનીસીપલ કમિશ્નરની ચેમ્બરમાં આવાસ યોજના, સ્માર્ટ સીટી, ગોપાલ ડેરી, જન્મમરણ વિભાગની માહિતી દિવસ સાતમાં ન મળતા ધરણા કરવા પહોંચ્યા હતા ત્યારે રજૂઆત પૂર્ણ થયે ખુદ મ્યુનીસીપલ કમિશ્નરશ્રી દ્વારા જન્મમરણ વિભાગની, ગોપાલ ડેરી, આવાસ યોજના વિભાગ, અને સ્માર્ટ સીટીની માહિતીની વિગતો આપતી માહિતીની વિગતો આપેલ હતી.

નોંધનીય છે કે રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતાને માહિતી કે વિગતો મેળવવા માટે છેલ્લા પાંચ માસથી અનેકવખત અવારનવાર રજુઆતો અને સ્મૃતિ પત્રો પાઠવ્યા બાદ પણ માહિતી આપવામાં ન આવતી હોય જે જાણી ખુદ કમિશ્નર આશ્યર્યચકિત થયા હતા તેમજ કોઈપણ પદાધિકારી અને કોર્પોરેટરને માહિતી આપવા માટે તેઓ એ સ્પષ્ટતા કરી હતી કે કોઈ પણ વિભાગની માહિતી અને રેકોર્ડ નો અભ્યાસ કોઈપણ સમયે કરી શકે છે તેમજ વિપુલ પ્રમાણમાં માહિતી મેળવવાની થતી હોય તો અમોને જાણ કરી મેળવી શકે છે ત્યારે વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીને માહિતીની વિગતો આપતા પત્ર પાઠવી કમિશ્નરશ્રી કાર્યદક્ષતા દાખવી અને આવીને આવી કામગીરી જો મહાનગરપાલિકાના તંત્રની તમામ શાખા દ્વારા કરવામાં આવે તો દ્યણી જ બાબતે વહીવટી સરળતા મેળવી શકાય.

અંતમાં શ્રીમતી ભાનુબેન સોરાણીએ જણાવ્યું છે કે આ તમામ માહિતીની વિગતો સત્વરે અને સંતોષકારક આપવામાં આવશે તેવી ખાતરી મ્યુનીસીપલ કમિશ્નરએ આપેલ છે ત્યારે હવે પછી આ માહિતીઓ બાબતે મ્યુનીસીપલ કમિશ્નરની સામે બેસવું ન પડે તેવી રાજકોટ મહાનગરપાલિકાના તંત્રએ નોંધ લેવી જોઈએ. અને ખોટી અને ગેરમાર્ગે દોરનારી માહિતી ન આપવી જોઈએ તેવું ભાનુબેન સોરાણીએ જણાવ્યું છે.

(3:55 pm IST)