Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

હોસ્પિટલ ચોકમાં વધુ એક વખત પાણીની લાઇનમાં ભંગાણ : યુધ્ધના ધોરણે રિપેરીંગ કરાઇ

રીપેરીંગ કામગીરી તાત્કાલીક પૂર્ણ કરવા અને વિસ્તારમાં પાણી વિતરણની વ્યવસ્થા રાબેતા મુજબ જળવાય રહે તેવી સુચના આપતા અમીત અરોરા

રાજકોટ : શહેરના સિવિલ હોસ્પિટલ ચોકમાં વારંવાર પાણીની લાઇન તુટવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ગઇ કાલ રાત્રે ફરી બ્રિજની કામગીરી દરમ્યાન પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા મ.ન.પા. તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી હતી. દરમ્યાન આજે આ રીપેરીંગ કામગીરીનું નિરીક્ષણ મ્યુ. કમિશ્નર અમિત અરોરાએ રૂબરૂ સ્થળ મુલાકાત કરી તાત્કાલીક કામગીરી પૂર્ણ કરવા સુચના આપી છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ સિવિલ હોસ્પિટલ ચોકમાં ગતરાત્રે બ્રિજની કામગીરી દરમ્યાન ૫૦૦ MMની તૂટેલી પાણીની પાઈપલાઈનનું રાતોરાત રીપેરીંગ કામ ચાલુ કરાવી પાણી વિતરણની કામગીરીમાં ખાસ કોઇ વિક્ષેપ ન પડે તેની કાળજી લેવામાં આવી હતી. ૯૦% વિસ્તારોમાં પાણી વિતરણ નોર્મલ રીતે ચાલુ રહ્યું હતું. આ પાઈપલાઈનની રીપેરીંગ હાલ કામગીરી ચાલુ છે જે સાંજે કે રાતે પૂર્ણ થાય બાદ બાકી રહેલા જંકશન પ્લોટ અને જયુબેલી ચોક, મોસ્લી લાઈન, લોહાણાપરા તથા બેડીનાકા વિસ્તારોમાં રાત્રે પાણી વિતરણ કરવામાં આવે તેવા પ્રયાસો ચાલુ છે. આજે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ સિવિલ હોસ્પિટલ ચોક ખાતે રૂબરૂ મુલાકાત લઇ રીપેરીંગની બાકી રહેલી કામગીરી તાત્કાલિક અને પાણી વિતરણ નોર્મલ કરવા સુચના આપી હતી.

(3:53 pm IST)