Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

બાબુભાઇ વૈદ્ય લાઇબ્રેરી ખાતે ત્રીજા થેલેસેમિયા પીડિત બાળકો માટે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

રાજકોટઃ મહાનગરપાલિકા બાબુભાઈ વૈદ્ય લાઈબ્રેરી ખાતે 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ-૨૦૨૧ની ઉજવણી અંતર્ગત આજે ત્રીજા દિવસે સ્વ. ઇન્દીરાબેન વસંતભાઈ જસાણી તથા શ્રીમદ રાજચંદ્ર સેવા ગ્રુપ તથા સિવિલ હોસ્પીટલના સંયુકત ઉપક્રમે થેલેસેમિયા પીડિત બાળકો માટે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં કેમ્પનું ઉદઘાટન દીપ પ્રાગટ્યથી ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહ, વોર્ડ નં – ૯નાં કોર્પોરેટર દક્ષાબેન વસાણી, વોર્ડનં -૧૦ના કોર્પોરેટર ચેતનભાઈ સુરેજા, ડેપ્યુટી કલેકટર ચરણસિંહ ગોહિલ, ડો. એન.ડી.શીલુ, ડો. વલ્લભભાઈ કથીરિયા, મીતલભાઈ ખેતાણી તેમજ સ્વ.ઈન્દુબેન વસંતભાઈ જસાણી પરિવારનાં વસંતભાઈ જસાણી, ડો. પાર્થ જસાણી, ડો. જયંત મહેતા તથા આ કેમ્પને સફળ બનાવનાર વિનયભાઈ જસાણીના હસ્તે કરવામાં આવેલ તથા કેમ્પમાં હાજર રહેલા સર્વેનું પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.  આ બ્લડ ડોનેશન કેમ્પ સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા થેલેસેમિયાના બાળકો માટે લોહીની જરૂરિયાત પૂર્ણ કરવા માટે યોજાયો હતો, જેમાં લાઈબ્રેરીનાં સભ્યો તથા શહેરનાં નાગરિકો દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવેલ. જેમાં કુલ ૮૧ બોટલ બ્લડ એકત્રિત થયેલ. આ પ્રસંગે બ્લડ ડોનેટ કરનાર નાગરિકોનું સરકારી હોસ્પિટલ દ્વારા પ્રમાણપત્ર આપી તથા એચ.ડી.એફ.સી. બેંક તરફથી મિલ્ટન કંપનીના લંચ બોક્ષ આપીને સર્વેનું સન્માન કરવામાં આવેલ સાથે સાથે લાઈબ્રેરી તરફથી આ કેમ્પમાં રકતદાન માટે આવેલ રકતદાતાઓને ચા-કોફી તથા બિસ્કીટનો નાસ્તો કરાવવામાં આવ્યો હતો. આ તકે રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો. પ્રદીપ ડવ, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ તથા મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા તરફથી રકતદાતાઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.  આ કાર્યક્રમ લાઈબ્રેરીમાં રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ ઉજવણી અંતર્ગત હોઈ આ કેમ્પને સફળ બનાવવા વિનયભાઈ જસાણી, લાઈબ્રેરીનાં લાઈબ્રેરીયન એન.એમ.આરદેશણા તથા જુનિયર સહાયક ગ્રંથપાલ સુનિલ દેત્રોજા, સિનિયર કલાર્ક માનવેન્દ્રસિંહ જાડેજા, આસિસ્ટન્ટ ગ્રંથપાલ તૃપ્તીબેન પટેલ તથા સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ. લાઈબ્રેરીનાં સભ્યો તથા શહેરના નાગરિકો તરફથી આ કેમ્પમાં બ્લડ ડોનેટ કરવા માટે ખૂબજ ઉત્સાહ જોવા મળેલ.

(3:23 pm IST)