Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

માર્કેટયાર્ડના સુકાનીઓની ચૂંટણી નવેમ્બર અંતમાં

ચૂંટાયેલા સભ્યોના નામ ગેઝેટમાં પ્રસિદ્ધઃ ચૂંટણી અધિકારી તરીકે જામનગરના રજીસ્ટ્રાર તિરથાણી : ચેરમેન પદ માટે સાવલિયા, સખિયા, બોઘરા, કોરાટ, નંદાણીયાના નામ ચર્ચામાં: ભાજપમાં ખેંચતાણ શરૂ

રાજકોટ તા.૧૭ :. બેડી માર્કેટયાર્ડની દિવાળી પહેલા યોજાયેલ ચૂંટણીમાં વિજેતા બનેલા ૧૬ સભ્યોના નામ ગેઝેટમાં પ્રસિધ્ધ થઇ ગયા છે. રાજયના ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્રના નિયામક શ્રી યુ.એમ. વાસણવાળાએ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી કરાવવા ચૂંટણી અધિકારી તરીકે જામનગર જિલ્લા સહકારી રજીસ્ટ્રાર શ્રી તિરથાણીની નિમણુંક કરી છે. તેઓ આ અગાઉ રાજકોટ જિલ્લા રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા હતા. ટુંક સમયમાં ૭દિવસનો સમયગાળો રાખી સુકાનીઓની ચૂંટણીનો એજન્ડા પ્રસિધ્ધ થશે. હાલના સંજોગો જોતા સુકાનીઓની ચૂંટણી નવેમ્બરના છેલ્લા અઠવાડીયામાં થાય તેવુ દેખાય છે. મોડામાં મોડી ડીસેમ્બરના પહેલા અઠવાડીયામાં સુકાનીઓની ચૂંટણી થઈ જશે. ઉંચી આંગળી કરીને મતદાન કરવાની પ્રથા હોવાથી ચૂંટણી બીનહરીફ જ થાય તેવા સ્પષ્ટ સંજોગો છે.

બોર્ડ ઓફ ડીરેકટર્સની ૧૬ પૈકી ૧૪ બેઠકો પર ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો છે. વેપારી વિભાગની ૪ પૈકી ર બેઠકો ભાજપ સમર્પિત પેનલને મળી છે નવા સુકાનીઓ ખેતી અથવા સંઘ વિભાગમાંથી ચૂંટવાના રહેશે.

નવા ચેરમેન તરીકે પરસોતમ સાવલિયા, વિજય કોરાટ, જયેશ બોઘરા, જીતુ ડી.સખિયા વગેરેના નામ ચર્ચામાં છે. આંતરિક ખેચતાણ શરૂ થઇ ગઇ છે. ઉમેદવાર પસંદગીમાં ભાજપનું વર્ચસ્વ રહ્યુ હતુ. હવે ચેરમેન-વાઈસ ચેરમેનની ચૂંટણીમાં કોનુ-કેટલુ ઉપજે છે ? તે તો સમય જ બતાવશે. આખરી નિર્ણય પ્રદેશ ભાજપ પર છોડવામાં આવશે.

(3:11 pm IST)