Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

કનુએ સાહિલને પકડી રાખી કહ્યું-કુલદીપ પ્લાન મુજબ પૂરો કરી નાખ અને કુલદીપે છરીના બે ઘા ઝીંકી રહેંસી નાખ્યો

RTOમાં આ રીતે થઇ હતી હત્યાઃ રેડિયમ લગાડ્યા વગર ટ્રકનું પાસિંગ કરી આપવાનું કહી બપોરે બારેક વાગ્યે કનુ આહિર સહિતે ઝઘડો કર્યો...પછી સમાધાનના ચા-પાણી પીધા અને છુટા પડ્યા...પછી સાડા ત્રણે પાછા આવી તૂટી પડ્યાઃ મોટા ભાઇ એઝાઝ ઉર્ફ એઝુ પાયકની નજર સામે જ નાના ભાઇની હત્યાઃ તેની સાથે કામ કરતાં જાબીર, યુનુસ અને ફારૂકને પણ ધોકા ફટકારાયા

રેડિયમ પટ્ટી બની હત્યાનું કારણઃ આરટીઓમાં હત્યાનો ભોગ બનેલા સાહિલ હનીફભાઇ પાયકનો નિપ્રાણ દેહ, તેનો ફાઇલ ફોટો તથા હોસ્પિટલ ખાતે સાહિલના સ્વજનો, મિત્રો પાસેથી માહિતી મેળવી રહેલા એસીપી જે. એચ. સરવૈયા, પી.આઇ. એચ. એમ.ગઢવી ઉપરની તસ્વીરોમાં તથા નીચેની તસ્વીરમાં ઘટના સ્થળેથી મળેલા સીસીટીવી ફૂટેજમાં કાર તથા બૂલેટ પર બેઠેલો એક આરોપી (છેલ્લે) તથા વચ્ચેની તસ્વીરમાં આરટીઓ કચેરી ખાતે પી.આઇ. વી. જે. ફર્નાન્ડીઝ, હેડકોન્સ. વિરમભાઇ ધગલ સહિતની ટીમ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૬: શહેરની આરટીઓ કચેરીના પટાંગણમાં ગઇકાલે સાડા ત્રણેક વાગ્યે દૂધની ડેરી પાસે લાખાજીરાજ શ્રમજીવી સોસાયટીના સાહિલ હનીફભાઇ પાયક (ઉ.૨૫) નામના ઘાંચી યુવાનની તેના મોટા ભાઇ એઝાઝ ઉર્ફ એઝુની નજર સામે જ હત્યા થઇ જતાં અને તેની સાથે આરટીઓમાં વાહનોમાં રેડિયમ લગાડવાનું કામ કરતાં ત્રણ કર્મચારીઓ પર હુમલો થતાં નાસભાગ મચી ગઇ હતી. સમગ્ર ઘટનાની વિગતો એઝાઝે વર્ણવતા કહ્યું હતું કે-ગઇકાલે બપોરે બારેક વાગ્યે કનુ આહિર તેના ટ્રકમાં  રેડિયમ લગાડ્યા વગર પાસીંગ કરાવવા આવ્યો હોઇ મેં તથા મારા ભાઇ સાહિલે રેડિયમ વગર પાસીંગ નહિ થાય તેમ કહેતાં અને આરટીઓ ઇન્સ્પેકટરે પણ આ વાત કરતાં ઝઘડો થયો હતો. એ પછી સમાધાન થઇ ગયુ હતું અને ચા-પાણી પી બધા છુટા પડ્યા હતાં. ત્યારબાદ સાડા ત્રણેક વાગ્યે કનુ સહિતના કાર-બૂલેટ પર આવ્યા હતાં અને હુમલો કરી દીધો હતો. મારા માણસોને માર માર્યો હતો. એ પછી કનુએ મારા ભાઇ સાહિને પકડી રાખ્યો હતો અને તેની સાથેના શખ્સને કહ્યું હતું કે-કુલદિપ આપણા પ્લાન મુજબ આને પુરો કરી નાંખો છે...તેમ બોલતાં કુલદીપે મારા ભાઇને છાતી અને કપાળે બે ઘા ઝીંકી દીધા હતાં ને મારા ભાઇનું મોત થયું હતું.

હુમલામાં ગંભીર રીતે ઘાયલ સાહિલને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ તેણે દમ તોડી દેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. સાહિલની હત્યા થયાની વાત વાયુવેગે ફેલાઇ જતાં તેના સગા સંબંધીઓ અને મિત્રો મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલે દોડી આવ્યા હતાં. આ કારણે તંગદિલી સર્જાતા પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો. એસીપી જે. એચ. સરવૈયા, પી.આઇ. બી.એમ. કાતરીયા, પી.આઇ. વી. જે. ફર્નાન્ડીઝ, પી.આઇ. એચ.એમ. ગઢવી તથા બી-ડિવીઝન ડી. સ્ટાફની ટીમો અને ક્રાઇમ બ્રાંચની ટીમોએ ઘટના સ્થળે અને હોસ્પિટલે પહોંચી વિગતો મેળવી હતી.

હત્યાનો ભોગ બનનાર સાહિલની સાથે કામ કરતાં તેના કર્મચારીઓ જાબીર નુરમહમદ મોરવાડીયા (ઉ.૨૧-રહે. શ્રીરામ સોસાયટી), યુનુસ બાબુભાઇ ઠેબા (ઉ.૨૭-રહે. લાખાજીરાજ શ્રમજીવી સોસાયટી) તથા ફારૂક ઉર્ફ કૂકો ગફારભાઇ બેલીમ (ઉ.૨૫-રહે. એચ. જે. સ્ટીલ સામે ગુ.હા. બોર્ડ)ને પણ લાકડી-ધોકાના ઘામાં ઇજા થતાં આ ત્રણેયને પણ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં.

હત્યાની ઘટનામાં બી-ડિવીઝન પોલીસે મૃતકના મોટા ભાઇ એઝાઝ ઉર્ફ એઝુ હનીફભાઇ પાયક (ઉ.૨૬)ની ફરિયાદ પરથી કોઠારીયા રોડ ગોકુલનગર-૧માં રહેતાં ટ્રક ચાલક કનુ એન. આહિર, તેની સાથેના કુલદીપ અને ચાર અજાણ્યા શખ્સો સામે આઇપીસી ૩૦૨, ૩૨૩, ૫૦૪, ૧૨૦ (બી), ૧૩૫ (૧) મુજબ કાવત્રુ રચી હત્યા નિપજાવવાનો ગુનો નોંધ્યો હતો.

એઝાઝે સમગ્ર ઘટનાની વિગતો જણાવતા કહ્યું હતું કે અમે કુટુંબમાં બે ભાઇ અને એક બહેન છીએ. સાહિલ મારાથી નાનો હતો. તે પરિણીત છે અને તેને એક દિકરી છે. મારી બહેન લમાબેન આબિદભાઇ પરમાર જંગલેશ્વરમાં રહે છે.મારા પિતા હનીફભાઇ રિક્ષા હંકારે છે. માતાનું નામ ખેરૂનબેન છે. હું તથા મારો ભાઇ સાહિલ એકાદ વર્ષથી રાજકોટ આરટીઓમાં વાહનોમાં રેડિયમ લગાડવાનું કામ કરીએ છીએ. ગુરૂવારે (૧૫મીએ) બપોરે બારેક વાગ્યે હું, સાહિલ તથા અમારી સાથે કામ કરતાં માણસો યુનુસ, જાબીર અને ફારૂક તથા હાર્દિકગીરી દિનેશગીરી એમ બધા આરટીઓએ અમારા કામના સ્થળે હતાં.

આ વખતે જીજે૦૩એટી-૩૯૮૬ નંબરની ટ્રક અમારી પાસે ઉભી રહી હતી અને તેમાંથી ત્રણ શખ્સો ઉતરીને આવ્યા હતાં અને કહ્યું હતું કે અમારી ટ્રકમાં રેડિયમ લગાડ્યા વગર પાસિંગ કરી આપો.  આથી અમે કહ્યું હતું કે ટ્રકમાં રેડિયમ લગાવો પછી જ પાસીંગ થશે. આવું કહેતાં એ લોકોએ ઝઘડો કરી બોલાચાલી કરી હતી. તે વખતે આરટીઓ ઇન્સ્પેકટર શ્રી સુનિલ ગામીત પણ હાજર હતાં. તેમણે પણ ટ્રકમાં રેડિયમ લગાડવી ફરજીયાત છે તેવું આ લોકોને સમજાવ્યું હતું.

એ પછી આ ત્રણેયએ તેના ટ્રકમાં રેડિયમ લગાડવાનું કામ અમારી પાસે કરાવડાવ્યું હતું અને તેના પૈસા પણ આપી દીધા હતાં. ઝઘડાનું સમાધાન થઇ જતાં બધાએ સાથે ચા-પાણી પીધા હતાં અને છુટા પડીગયા હતાં. સમાધાન વખતે ખબર પડી હતી કે એક શખ્સનું નામ કનુ આહિર છે અને ગોકુલનગરમાં રહે છે. બાદમાં એ લોકો ટ્રક લઇ નીકળી ગયા હતાં.

ત્યારબાદ આશરે સાડા ત્રણેક વાગ્યે હું, મારો ભાઇ સાહિલ અને માણસો જ્યાં વાહનોના પાસિંગ થાય છે ત્યાં હાજર હતાં ત્યારે બ્રૈજા કાર અને બૂલેટ પર છ જણા આવ્યા હતાં. જેમાં હું કનુને જોતાં જ ઓળખી ગયો હતો. આ છ પૈકીના ચારના હાથમાં લાકડી-ધોકા હતાં. આ બધાએ અમને ગાળો ભાંડવાનું શરૂ કર્યુ હતું. ગાળો  બોલવાની ના પાડતાં ચાર અજાણ્યાએ અમારા માણસો જાબીર, યુનુસ, ફારૂકને માર મારવાનું શરૂ કર્યુ હતું. કનુએ તથા બીજા એક શખ્સે મારા ભાઇ સાહિલને પકડી લીધો હતો. કનુએ તેને પકડી રાખી સાથેના શખ્સને-'કુલદિપ આજે આપણા પ્લાન મુજબ આ સાહિલને પુરો કરી નાંખવો છે' તેમ બોલી ઉશ્કેરણી કરતાં અજાણ્યા શખ્સ કે જેને કનુ કુલદિપ કહીને બોલાવતો હતો તેણે મારા ભાઇને છાતીમાં છરીનો એક ઘા ભોંકી દીધો હતો. બીજો ઘા તેના કપાળ પર માર્યો હતો.

આ હુમલામાં મારો ભાઇ સાહિલ ત્યાં જ બેભાન થઇ પડી ગયો હતો. ખુબ લોહી નીકળતાં હોઇ મારા મિત્ર નદીમની ક્રેટા કારમાં હું, યુનુસ, જાબીર અને ફારૂક સાહિલને સિવિલ હોસ્પિટલે લાવ્યા હતાં. પણ અહિ ડોકટરે સાહિલનું મૃત્યુ થઇ ગયાનું કહ્યું હતું. રેડિયમ લગાડવા માટે થયેલી બોલાચાલી બાદ સમાધાન કર્યા પછી કનુ સહિતાએ કાવત્રુ રચી મારા ભાઇને મારી નાંખી અને અમારા માણસોને માર માર્યો હતો.

પી.આઇ. વી. જે. ફર્નાન્ડીઝ, ચંદ્રસિંહ, વિજયગીરી સહિતે ગુનો નોંધ્યો હતો. ડી. સ્ટાફના પીએસઆઇ એમ. એમ. ઝાલા, વિરમભાઇ ધગલ, મોહસીન ખાન, કિરણ પરમાર, મહેશ ચાવડા, હરપાલસિંહ સહિતેની ટીમે આરોપીઓને શોધવા દોડધામ આદરી હતી.  આ ઉપરાંત ક્રાઇમ બ્રાંચની ટીમોએ પણ ઠેકઠેકાણે દરોડા પાડ્યા હતાં અને પગેરૂ દબાવ્યું હતું. જો કે આરોપી હાથમાં આવ્યા નથી.

હત્યાની આ ઘટનાથી પાયક (ઘાંચી) પરિવારમાં માતમ છવાઇ ગયો છે.

કોઠારીયા રોડ ગોકુલનગરના ટ્રકચાલક કનુ એન. આહિર, તેની સાથેના કુલદીપ અને ૪ અજાણ્યા સામે ગુનો નોંધાયો

હત્યારાઓને શોધવા ક્રાઇમ બ્રાંચ અને બી-ડિવીઝનની ટીમોની રાજકોટ, કોટડાસાંગાણી, જેતપુર, કુંકાવાવ, બગસરા સુધી રાતભર દોડધામ

. બી-ડિવીઝન પોલીસે આ બનાવમાં ટ્રક ચાલક કનુ આહિર, કુલદીપ તથા ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે. કનુ મુળ બગસરા તરફનો વતની હોઇ અને તેના મોબાઇલના લોકેશન કોટડાસાંગાણી, જેતપુર, કુંકાવાવ સુધી મળ્યા હોઇ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એચ. એમ. ગઢવી, પીએસઆઇ અતુલ સોનારાની ટૂકડીઓએ રાતભર એ તરફ દોડધામ કરી હતી. બગસરા સુધી ટૂકડીઓ પહોંચી ગઇ હતી. બીજી તરફ બી-ડિવીઝન પોલીસે કોઠારીયા રોડ પર ગોકુલનગરમાં તેના ઘરે તથા એ વિસ્તારની તેની બેઠકો હતી ત્યાં તપાસ કરી હતી. તેમજ જીલ્લાભરમાં નાકાબંધી કરાવી હતી. જોકે આજે વહેલી સવાર સુધી આરોપીઓ હાથમાં આવ્યા નહોતાં. આમ છતાં પોલીસે ભીંસ વધારી હોઇ આરોપીઓ ઝડપથી સકંજામાં આવી જવાની શકયતા છે.

 લાડકવાયી દિકરીને સાહિલે બાઇકમાં બેસાડી છેલ્લી ચકકર મરાવીઃ

જીગરજાન મિત્ર યુનુસના ખોળામાં જ સાહિલે દમ તોડ્યો

. હત્યાનો ભોગ બનનાર સાહિલ બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો. તેને સંતાનમાં માસુમ દિકરી છે. દરરોજ સાહિલ આરટીઓએ કામે જાય એ પહેલા તે દિકરીને બાઇકમાં ચક્કર મરાવતો હતો. ગઇકાલે પણ તેણે આમ કર્યુ હતું. પણ કોઇને કયાં ખબર હતી કે તે હવે લાડકીને છેલ્લીવાર ચક્કર મરાવી રહ્યો છે?!...બીજી તરફ સાહિલની સાથે જ કામ કરતો યુનુસ તેનો જીગરજાન મિત્ર છે. સાહિલને લોહીલુહાણ હાલતમાં કારમાં નાંખી ભાઇ, મિત્રો હોસ્પિટલે પહોંચ્યા હતાં. યુનુસના ખોળામાં જ સાહિલે દમ તોડી દેતાં તેના કલ્પાંતથી ગમગીની છવાઇ ગઇ હતી.

(3:52 pm IST)
  • ઉત્તર કોરિયાએ 2017માં કરેલ અણુબૉમ્બનો ટેસ્ટ હિરોશિમા કરતા 17 ગણો પાવરફુલ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે access_time 10:42 pm IST

  • ઝારખંડ વિધાનસભા ચૂંટણી : સીએમ રઘુબીરદાસ સામે કોંગ્રેસે તેજતર્રાર પ્રવક્તા ગૌરવ વલ્લભને મેદાનમાં ઉતાર્યા : ટીવી ડીબેટમાં છવાયેલ અને અર્થશાસ્ત્રના પ્રોફેસર ગૌરવ વલ્લભ એક ખાનગી ચેનલમાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સબિત પાત્રા જયારે 10 ટ્રિલિયન 10 ટ્રિલિયન કહેતા હતા ત્યારે ગૌરવ વલ્લભે એક ટ્રિલિયનમાં કેટલા ઝીરો આવે છે તેવો બેધડક સવાલ કરતા સબિત પાત્રા જવાબ નહોતા આપી શક્યા અને હાંસીપાત્ર બન્યા હતા જેનો વિડિઓ ખુબ વાયરલ થયો હતો access_time 10:55 am IST

  • લડાકુ ડ્રોન અને જાસૂસી એરક્રાફ્ટ માટે ભારત અમેરિકા સાથે સાત અબજ ડોલરના સંરક્ષણ કરાર કરશે access_time 10:44 pm IST