Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

'' સાહિત્ય સેતુ'' દ્વારા સોમવારે ગ્રંથ યાત્રા

ગ્રંથાલય સપ્તાહ અંતર્ગત નવતર આયોજન : સોરોજીની નાયડુ ગર્લ્સ હાઇસ્કુલથી પ્રારંભ : પુસ્તકો-પોસ્ટરો સાથે મુખ્ય માર્ગો પર ફરશે

રાજકોટ તા ૧૬  : સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી રૂક્ષ્મણીબેન દીપચંદ ગારડી વૃધ્ધાશ્રમ-દીકરાનું ઘર ઢોલરા પ્રેરિત સાહિત્યીક પ્રવૃતિઓ કરતી સંસ્થા સાહિત્ય સેતુ દ્વારા પ્રવર્તમાન કોમ્પ્યુટર, ફેસબુક, વોટસએપ, યુ ટયુબ, ટી.વી. ઇ-મેઇલ જમાનામાં પુસ્તકાલયોમાં પુસ્તકો ધુળ ખાય છે, ત્યારે વાંચનનું મહત્વ વધે, લોકો પુસ્તકોની ઉપયોગીતા સમજતા થાય, પુસ્તકાલયો ધમધમતા થાય તેવા શુભ આશયથી ગ્રંથયાત્રાનું નવતર આયોજન કરવામાં આવેલ છે.

સાહિત્ય સેતુના સંયોજક મુકેશભાઇ દોશી, અનુપમ દોશી, ડો. સોનલબેન ફળદુ, જણાવે છે કે સોમવારે સવારે ૯.૪૫ વાગ્યે શહેરના અંબાજી કડવા પ્લોટ વિસ્તારમાં આવેલ શ્રીમતી સરોજીની નાયડુ ગર્લ્સ હાઇસ્કુલતી ગ્રંથ યાત્રાનો પ્રારંભ થશે.

યાત્રાના પ્રારંભે કાર્યક્રમના અતિથીઓ દ્વારા ગ્રંથ પુજન કરવામાં આવશે. ગ્રંથ પુજન બાદ યાત્રાને મહેમાનો વિદાય આપશે અને ગ્રંથયાત્રા સ્વામીનારાયણ ચોક, ગુરૂપ્રસાદ ચોક, દોશી હોસ્પિટલ રોડ, ગુંણાતીતનગર, ટપુભવાન પ્લોટ, શિવનગર, રામનગર, જયંત કે.જી. મેઇન રોડ, આનંદ બંગલા ચોક વગેરે વિસ્તારોમાંથી પસાર થશે.

ગ્રંથયાત્રાની આગળ કેશીયો પાર્ટી હશે, ૨૧ દીકરીઓ ચણીયાચોળી પહેરી ગ્રંથને પોતાના માથાપર રાખી આગળ ચાલશે. યાત્રામાં જોડાયેલા વિદ્યાર્થીભાઇઓ-બહેનોના હાથમાં પુસ્તકોનું મહત્વ દર્શાવતા સુત્રો લખેલા પોસ્ટરો હશે. શણગારેલા વાહનમાં ધાર્મિક, સામાજીક, જીવન ઘડતરને લગતા , પ્રવિણ સાગર, સત્યના પ્રયોગો, સોૈરાષ્ટ્રની રસધાર, પાટણની પ્રભુતા, ચંદ્રલેન, ભાગવદગીતા, ગાંધીગંગા, ભવની ભવાઇ સહિતના પુસ્તકો હશે.

ગ્રંથયાત્રામાં સમાજના શ્રેષ્ઠીઓ, અગ્રણીઓ, કાર્યકારી મેયર અશ્વીનભાઇ મોલીયા, સર્વોદય સ્કુલના સંચાલક ભરતભાઇ ગાજીપરા, પુરૂષાર્થ યુવક મંડળના પ્રમુખ કિશોરભાઇ રાઠોડ, કવિ દિલીપ જોષી, નટવર આહસપરા, જાણીતા ઉદ્યોગપતિ પ્રતાપભાઇ પટેલ, મોઢવણિક સમાજના અગ્રણી અશ્વીનભાઇ સી પટેલ, ગીરીરાજ હોસ્પીટલના ચેરમેન રમેશભાઇ ઠક્કર, પંચશીલ સ્કુલના સંચાલક ડી.કે વડોદરીયા વગેરે ઉપસ્થિત રહીને પોતાનો પુસ્તક પ્રેમ વ્યકત કરશે.

સંસ્થા દ્વારા ગ્રંથયાત્રાના યોજાયેલ નવતર કાર્યક્રમમાં સહભાગી બનવા શહેરના કવિઓ, લેખકો, સાહિત્ય પ્રેમીઓ, વાંચન પ્રેમીઓને જાહેર નિમંત્રણ પાઠવાયું છે.

સમગ્ર આયોજનની સફળતા માટે સાહિત્ય સેતુના મુકેશભાઇ દોશીના માર્ગદર્શન હેઠળ અનુપમ દોશી, ડો. સોનલબેન ફળદુ, સુનિલ વોરા, દિનેશભાઇ ગોવાણી, નવિન તન્ના, હસુભાઇ શાહ, જનાર્દન આચાર્ય, પરિમલભાઇ જોષી, રમેશ શીશાંગીયા, પ્રકાશ હાથી, મહેશ જીવરાજાની, તેમજ શાખા પરિવાર કાર્યરત છે.

(4:02 pm IST)