Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

માણકાનો ઘા પાણકા જેવો...એક સમયના ખૂંખાર વિલન ફિરોઝ ઇરાની હવે નિર્દેશકઃ પુત્ર અક્ષત હીરો તરીકે લોન્ચ

ગુજરાતી ફિલ્મોમાં પરદા પર એન્ટ્રી પડતાં જ ચાહકો સીટીઓ વગાડતાં એવા કલાકાર બન્યા 'અકિલા'ના અતિથિઃ સાથે નિર્માતા ભરત સેવક અને હીરો અક્ષતની પણ ઉપસ્થિતિઃ અક્ષતની પહેલી ફિલ્મ 'મિ.કલાકાર' થઇ રિલીઝઃ હિન્દી કે ગુજરાતી ભાષામાં કદી બની નથી તેવી પિતા-પુત્રની કહાની છે આ અર્બન ગુજરાતી ફિલ્મમાં: સંપૂર્ણ પારિવારીક અને નાના-મોટા સોૈ સાથે બેસી નિહાળી શકે તેવી ફિલ્મ હોવાનો દાવોઃ મનોજ જોષી, પૂજા ઝવેરી, અદિ ઇરાની, મયુર ચોૈહાણ, મનાલી સેવક સહિતનો ખાસ રોલઃ ગુજરાતી દર્શકો ગુજરાતી ફિલ્મને પ્રોત્સાહન આપે તે ખુબ જરૂરીઃ ફિરોઝ ઇરાની અભિનયમાં આવ્યા પહેલા અક્ષતે બે હિન્દી ફિલ્મોમાં આસી. ડિરેકટર તરીકે કામ કર્યુ

દિકરા અક્ષતને હીરો તરીકે લોન્ચ કરતાં ફિરોઝ ઇરાનીઃ ગુજરાતી ફિલ્મોના ખુબ જાણીતા વિલન અને અનેક હિન્દી ફિલ્મોમાં પણ કામ કરી ચુકેલા ફિરોઝ ઇરાનીએ પુત્ર અક્ષત ઇરાનીને અભિનયની દુનિયામં લોન્ચ કર્યો છે. અક્ષતની હીરો તરીકે પહેલી ફિલ્મ 'મિ.કલાકાર' રિલીઝ થઇ ચુકી છે. આ અર્બન ગુજરાતી ફિલ્મમાં પિતા-પુત્રની કહાની સાથે રોમાન્સ અને કોમેડી પણ છે. સંપુર્ણ પારિવારીક અને ભરપુર મનોરંજક ફિલ્મ હોવાનો દાવો નિર્માતા ભરત સેવકે કર્યો છે. ફિરોઝ ઇરાની, તેમનો પુત્ર અક્ષત ઇરાની તથા નિર્માતા ભરત સેવક સહિતના 'અકિલા'ના અતિથી બન્યા હતાં અને ફિલ્મ વિશે વાતો કરી હતી. ફિરોઝ ઇરાનીએ તેમના વખતની ફિલ્મોથી માંડીને આજની ફિલ્મો વિશે રસપ્રદ વાતો કરી હતી. તેની લાક્ષણીક અદાઓ તસ્વીરમાં જોઇ શકાય છે. ઉપર વચ્ચે હીરો અક્ષત ઇરાની તથા બાજુમાં નિર્માતા ભરત સેવક અને નીચેની તસ્વીરમાં અન્ય મહેમાનો જોઇ શકાય છે.  (ફોટોઃ સંદિપ બગથરીયા, મુલાકાતઃ ભાવેશ કુકડીયા, તુષાર ભટ્ટ)

રાજકોટ તા. ૧૬: એક સમય હતો જ્યારે સોૈરાષ્ટ્રમાં અને રાજકોટમાં વધુ ને વધુ ગુજરાતી ફિલ્મો જોવાતી હતી. ગુજરાતી ફિલ્મોના અનેક અભિનેતાઓની એ વખતે નામના હતી. ઘણા હીરો એવા હતાં કે તેમના નામ પર ગુજરાતી ફિલ્મો ચાલી જતી હતી...એ વખતની ફિલ્મોની ખાસ વાત એ હતી કે હીરોના ચાહકો હોય એટલા વિલનના પણ હોય. ૮૦-૯૦ના દાયકાની ગુજરાતી ફિલ્મો પર નજર કરીએ તો એ ફિલ્મોના વિલન તરીકે ઉડીને આંખે વળગે તેવું કોઇ નામ હોય તો તે હતું ફિરોઝ ઇરાનીનું નામ...મેરૂ માલણ ફિલ્મના ડાયલોગ માણકાનો ઘા તો પાણકા જેવો, એક પડે તો પાણી પણ ન માંગે...સહિતના અનેક હિટ ડાયલોગ માટે જાણીતા અને પરદા પર ખૂંખાર વિલનની છાપ ઉભી કરનારા ફિરોઝ ઇરાની હવે નિર્દેશકના  રોલમાં આવ્યા છે. તેમના નિર્દેશનમાં બનેલી પહેલી ગુજરાતી ફિલ્મ 'મિ. કલાકાર' રિલીઝ થઇ ચુકી છે. આ ફિલ્મથી તેમના દિકરા અક્ષત ઇરાની હીરો તરીકે લોન્ચ થયા છે. ફિરોઝ ઇરાની પુત્ર તથા ફિલ્મના નિર્માતા સાથે આજે 'અકિલા'ના અતિથી બન્યા હતાં.

ફિરોઝ ઇરાનીને બે દિકરા છે. જેમાં એક વિદેશમાં રહે છે અને નાના દિકરા અક્ષતને પહેલેથી જ અભિનયની દૂનિયામાં આવવાની ઇચ્છા હોઇ તેને આ ફિલ્ડમાં તેઓ હીરો તરીકે લાવ્યા છે. અક્ષત ઇરાની 'મિ.કલાકાર' નામની ફિલ્મમાં હીરો છે. આ ફિલ્મનું નિર્દેશન ફિરોઝ ઇરાનીએ કર્યુ છે, નિર્દેશક તરીકે તેમની આ પ્રથમ ફિલ્મ છે. ફિલ્મના નિર્માતા ભરત સેવક છે. ફિરોઝભાઇ અને ભરતભાઇએ જણાવ્યું હતું કે પિતા-પુત્રની આજના યુગની કહાની પર આધારીત એવી સંપુર્ણ પારિવારીક અને મનોરંજનથી ભરપૂર અમારી ફિલ્મ છે. આવી કહાની અત્યાર સુધી એક પણ હિન્દી કે ગુજરાતી ફિલ્મમાં કદી આવી નથી. આ ફિલ્મ ગઇકાલથી જ ગુજરાતભરમાં રિલીઝ થઇ ચુકી છે.

ફિરોઝ ઇરાનીએ વાતચીત દરમિયાન જુના જમાનાના વિલનો અને આજની ફિલ્મોના વિલનો વચ્ચેનો રસપ્રદ તફાવત જણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે-અગાઉની હિન્દી કે ગુજરાતી ફિલ્મોમાં જે કલાકારો વિલનગીરી કરતાં હતાં તેને ખુબ મારામારી કરવી પડતી હતી, મોટા અવાજે બોલવું પડતું હતું. તે વખતે વિલનગીરી કરવા અલગ જ દેખાવ ઉભો કરવો પડતો હતો. જ્યારે આજે સમય બદલાયો છે અને ફિલ્મોના વિષયો તથા કહાનીઓ મુજબ જે વિલન હોય છે. આજે વિલનને તેના ચહેરાના હાવભાવ પરથી ઓળખવા પડે છે.

ફિરોઝ ઇરાનીએ અનેક હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યુ છે. જો કે તેનો પહેલો પ્રેમ ગુજરાતી ફિલ્મો પ્રત્યે જ અકબંધ હોવાનું કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે ગુજરાતી પ્રજાએ જ મને ભરપુર પ્રેમ આપીને ઓળખ આપી છે. ગુજરાતી ફિલ્મો બહુ ચાલતી કેમ નથી? તેવા સવાલના જવાબમાં ફિરોઝભાઇએ કહ્યું હતું કે પ્રેક્ષકોને શું જોઇએ છે એ નક્કી કરીને, વિચારીને પછી ફિલ્મ બનાવવામાં આવે તો એટલે કે યંગસ્ટર્સ કે સિનીયર એમ બધાને મનોરંજન મળી રહે તેવી ફિલ્મો બનાવીએ તો એ ખુબ ચાલે. બીજી એક વાત એ પણ મહત્વની છે કે ગુજરાતી ફિલ્મો પ્રત્યે હવે ગુજરાતી દર્શકોએ પણ ભરપુર પ્રેમ વરસાવવો પડશે. માતૃભાષાની ફિલ્મોને જો ગુજરાતી પ્રેક્ષકો જ પ્રોત્સાહન ન આપે તો ગમે તેવી સારી ફિલ્મો પણ લાંબો સમય ટકી શકે નહિ. મિ.કલાકાર અમે તમામ રીતે એવી ફિલ્મ બનાવી છે જે ટેકનીકલી અને બીજી અનેક રીતે બોલીવૂડ-હોલીવૂડ સમકક્ષ ગણી શકાય.

અભિનયની દુનિયામાં આવવા ઇચ્છુકો જોગ ફિરોઝ ઇરાનીએ મેસેજ આપ્યો હતો કે અહિ આવતાં પહેલા પુરતી તૈયારી કરવી જરૂરી છે. તાલિમ લઇને અહિ આવો, અહિ ખુબ મહેનતની પણ જરૂર છે. કેમેરો કોઇની શરમ રાખતો નથી. અહિ બીજી તક મળવી પણ મુશ્કેલ હોય છે.

ફિરોઝ ઇરાનીના પુત્ર અક્ષતે હવે અભિનયના ફિલ્ડમાં મિ. કલાકાર ફિલ્મથી એન્ટ્રી કરી લીધી છે. એ પહેલા તેણે ખુબ તૈયારી કરી હતી. તેણે અભિનયની તાલિમ અરૂણા ઇરાની સહિતની પાસે લીધી છે. એ પહેલા આસીસ્ટન્ટ ડિરેકટર તરીકે બે બોલીવૂડની ફિલ્મો નિખીલ અડવાણીની પટીયાલા હાઉસ તથા ઇન્દ્ર કુમારની ડબલ ધમાલમાં કામ કર્યુ હતું. અક્ષતે એન્જિનીયરીંગ કરેલું છે. આ ઉપરાંત બે વર્ષ સુધી નાટકોમાં પણ કામ કર્યુ છે. એક હિન્દી ફિલ્મ સન્ડે નાઇટમાં પણ અભિનય કર્યો છે. આ ફિલ્મ ફેસ્ટિવલ માટેની જ છે.  આગામી સમયમાં અક્ષય હિન્દી ફિલ્મો પણ કરી રહ્યો છે.

મિ.કલાકાર ફિલ્મની નિર્માણ ટીમમાં ભરત સેવક સાથે જીજ્ઞા સેવક, મનાલી, હેમ પણ સંકળાયેલા છે. મનોજ આહિર પ્રોડકશન દ્વારા બનેલી આ ફિલ્મમાં ફિરોઝ ઇરાનીએ નિર્દેશન કરવા ઉપરાંત અભિનય પણ કર્યો છે. અન્ય કલાકારોમાં મનોજ જોષી, અદિ ઇરાની, મયુર ચોૈહાણ, રાગી જાની, જીજ્ઞેશ મોદી, જય ભટ્ટ, ભાવીની જાની, મનાલી સેવક, ચેતન છાયા, નિર્મિત છાયા, પ્રિતિ મહેતા, રાધા રાજીવ મહેતા,  અતુબેન ત્રિવેદી, મનિષ વસાવડા, કપિલ ધોળકીયા, કશ્યપ વછરાજાની, જય વિઠ્ઠલાણીએ પણ અભિનય આપ્યો છે. ફિલ્મમાં હિરોઇન તરીકે પૂજા ઝવેરીએ જમાવટ કરી છે.

ફિલ્મમાં સંગીત સંજીવ-દર્શન અને ઓસમાણ મીરે તથા બેકગ્રાઉન્ડમાં અનામિક ચોૈહાણે કામ કર્યુ છે. એડિટર સંજય સંકલા છે. પીઆર અને માર્કેટીંગનું કામ ચેતન ચોૈહાણે કર્યુ છે. ફિલ્મ મિ.કલાકાર રિલીઝ થઇ ચુકી છે. ભરપુર મનોરંજન સાથે રોમાન્ટીક અને કોમેડી પણ છે. દરેક ગુજરાતીએ અચુક ફિલ્મ નિહાળવા જેવી હોવાનું ફિરોઝ ઇરાની અને ભરત સેવકે કહ્યું હતું.

એ વખતે ફિરોઝ ઇરાનીની વિલનગીરી નિહાળી તેના સસરા ચોંકી ગયા'તા

. અભિનેતા ફિરોઝ ઇરાનીએ ગુજરાતી ફિલ્મો વિશે અનેક વાતો કરી હતી. તેમણે કહ્યું હતું કે મારા લગ્ન થયા ત્યારે મારા સસરા મારી એક ફિલ્મ જોવા ગયા હતાં. જમાઇનો ફિલ્મમાં કેવો રોલ છે તે નિહાળવા તેઓ થિએટરમાં પહોંચ્યા હતાં. પરંતુ તેમાં મારી ગજબનાક વિલનગીરી જોઇ તેઓ ચોંકી ગયા હતાં. આ વાત યાદ કરીને ફિરોઝભાઇ ખડખડાટ હસી પડ્યા હતાં.

ગુજરાતી ફિલ્મની કારકિર્દીમાં પોતાને ફિલ્મ નસિબદારનો ડાકૂનો જે રોલ હતો તે ખુબ પ્રિય હોવાનું પોતાના માટે યાદગાર હોવાનું પણ તેણે જણાવ્યું હતું. આ ફિલ્મમાં મોટા ગજાના કલાકાર અરવિંદ રાઠોડના પિતાનો રોલ તેમણે યુવાન વયે નિભાવ્યો હતો.

(4:01 pm IST)