Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

રૈયા ગામ પાસે નવા બનતા બિલ્ડીંગના છઠ્ઠા માળેથી પટકાતા હેમીબેન પરમારનું મોત

રૈયાના વણકર મહિલા મજૂરી કામે આવ્યા'તાઃ હાથ-પગ ધોવા જતી વખતે લિફટના ગાળામાં લપસી પડતાં બનાવઃ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યોઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૬: રૈયા ગામથી રૈયા સર્કલ વચ્ચે આલાપગ્રીન સીટી નજીક નવા બની રહેલા બાર માળના બિલ્ડીંગમાં છઠ્ઠા માળે મજૂરી કામ કરી રહેલા રૈયાના વણકર મહિલા હાથ-પગ ધોતી વખતે પગ લપસી જતાં લિફટના ગાળામાંથી નીચે પટકાતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું.

 

જાણવા મળ્યા મુજબ રૈયા ગામમાં ખોડિયાર મંદિર પાછળ રહેતાં હેમીબેન જીવણભાઇ પરમાર (ઉ.૫૫) નામના વણકર મહિલા શંભુ ડેવલોપર્સની બાર માળની સાઇટ પર કડીયા કામની મજૂરી કરવા ગયા હોઇ ત્યાં કામ પુરૂ થયા બાદ છઠ્ઠા માળે પાણીનો વાલ્વ લિફટના ગાળા પાસે હોઇ ત્યાં હાથ-પગ ધોવા માટે જતાં પગ લપસી જતાં નીચે પટકાતાં બંને પગ ભાંગી ગયા હતાં અને બેભાન થઇ ગયા હતાં.

દેકારો મચી જતાં બધા ભેગા થઇ ગયા હતાં. નજીકમાં જ રહેતાં તેમના ભત્રીજા મુકેશભાઇ સહિતના દોડી આવ્યા હતાં અને હેમીબેનને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને રાજભાઇએ જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ મથકના હેડકોન્સ. બોઘાભાઇ ભરવાડ અને લક્ષમણભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર હેમીબેનને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. પતિ પણ મજૂરી કામ કરે છે.

(3:56 pm IST)