Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

રૂડાનગર-૨માં મંજુલાબેન દવેના મકાનમાં ૬ લાખની ચોરી

તસ્કરો પરિવારજનોને ઉંધતા રાખી ડેલી ટપી સાડા નવ તોલાના દાગીના અને રોકડ ઉસેડી ગયા

રાજકોટ તા.૧૬: યુનિવર્સિટી રોડ પર આવેલા રૂડાનગર-૨માં રહેતા વિપ્ર વૃધ્ધાના મકાનને નિશાન બનાવી  તસ્કરો રોકડ તથા દાગીના મળી રૂ.૬,૨૫,૦૦૦ની મતા ચોરી જતા ફરિયાદ થઇ છે.

 

મળતી વિગત મુજબ યુનિવર્સિટી રોડ પર રૂડાનગર-૨ પ્લોટ નં.૧૧માં રહેતા મંજુલાબેન કિશોરચંદ્રભાઇ દવે (ઉ.વ.૬૬)એ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ છે કે, ગત તા.૧૨ના રાત્રે પરિવારના સભ્યો સુઇ ગયા અને પોતે પોતાના રૂમમાં ધ્યાનમાં બેઠા હતા. બાદ મોડી રાત્રે પોતે રૂમ સુઇ ગયા હતા.

બાદ વહેલી સવારે પોતે ઉઠીને રૂમની બહાર નિકળતા રસોડાનો દરવાજો સામાન્ય હાલતમાં ખુલ્લો હતો. બાદ પોતે રોજીંદા કાર્યમાં લાગી ગયા હતા. થોડીવાર બાદ પુત્રી હીનાબેનએ બોલાવીને જણાવેલ કે, રૂમ નં.બી/૨માં લોખંડનો કબાટ સામાન્ય ખુલ્લો છે. તમે ખોલ્યો હતો. આમ વાત કરતા પોતે ના પાડી હતી. જોથી બંને તપાસ કરતા કબાટની અંદર તીજોરીમાં તપાસ કરતા.

સોનાનો ચેઇન, એક વીંટી, સોનાનો ડિસ્કોચેઇન, સોનાની લકકી, સોનાની વીંટી નંગ-૫, પાંચ ચંદ્રમોતી, બે ગુરૂ નંગ, કડીટાઇપ વીટી, સોનાની બેબુટ્ટી, હીરાવાળી બુટ્ટી, ૧૨ નાકના દાણા, બુધ્ધ હીરા નંગ વાળી ૮ વીટી, કાનમા પહેરવા માટેના જુમ્મુર, લટકણીયા તથા ડોકીયુ,કોમ્પેકટ કંપનીનું લેપટોપ તથા પાંચ પેનડ્રાઇવ, કાર્ડ રીડર, ૩ મેમરીકાર્ડ, વિદેશના બેસીમકાર્ડ, બે કેમેરા, ચાંદીનુ લોકેટ, ચાંદીનો રૂદ્રાક્ષ ચેઇન, અલડા-અલગ ગ્રહના નંગ, જીણી બુટ્ટી, તથા રૂ.૧૭૦૦૦ રોકડા તથા પર્સમાંથી રૂ.૨૫૦૦ રોકડા જોવામા ન આવતા ચોરી થઇ હોવાની ખબર પડી હતી અને તપાસ કરતા કોઇ અજાણ્યા શખ્સો દરવાજા પાસે ડેલીટપીને મકાનની અંદર પ્રવેશ કરી તીજોરીવાળા રૂમમાં પ્રવેશ કરી સાડા નવ તોલાના દાગીના  અને રોકડ મળી રૂ.૬,૨૫,૨૦૦ની માલમતા ચોરી ગયા હતા. આ  બનાવ અંગે મંજુલાબેન દવેએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પી.આઇ. આર.એસ.ઠાકર, પીએસઆઇ એમ.વી.રબારી તથા એએસઆઇ ડી.વી.બાલાસરા તથા ગીરીરાજસિંહએ તપાસ હાથ ધરી છે.

(3:54 pm IST)