Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

રૈયાધારના સ્વાતીબેન ઉર્ફે દક્ષાબેન લોહીયાને અમદાવાદમાં સાસરીયાનો ત્રાસ

પતિ જીતેન્દ્ર, સાસુ સોમીબેન, સસરા મોતીભાઇ, જેઠ મુકેશ, વિજય, દિનેશ અને નણંદ શારદા સામે ગુનો

રાજકોટ, તા. ૧૬ : શહેરના રૈયાધાર સ્લમ કવાર્ટરમાં માવતર ધરાવતી મહિલાને અમદાવાદમાં પતિ, સાસુ, સસરા, ત્રણ જેઠ અને નણંદ ઘરકામ બાબતે મારકૂટ કરી ત્રાસ આપતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રૈયાધાર સ્લમ કવાર્ટર પ્લોટ નં. ૧૯પમાં માવતર સાથે રહેતા સ્વાતીબેન ઉર્ફે દક્ષાબેન જીતેન્દ્રભાઇ લોહીયા (ઉ.વ.૩૦) એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં અમદાવાદ મણીનગરમાં ઉત્તમનગરમાં બાપા પટેલની ચાલીમાં રહેતો પતિ જીતેન્દ્ર મોતીભાઇ લોહીયા સાસુ સોમીબેન લોહીયા, સસરા મોતીભાઇ દામજીભાઇ લોહીયા જેઠ મુકેશ લોહીયા, વિજય લોહીયા, દિનેશ લોહીયા તથા નણંદ શારદા હસમુખભાઇ ચાવડાના નામ આપ્યા છે. સ્વાતીબેન ઉર્ફે દક્ષાબેને ફરીયાદમાં જણાવ્યું છે કે મોતાના સાત વર્ષ પહેલા જ્ઞાતિના રીતરિવાજ મુજબ અમદાવાદના જીતેન્દ્ર સાથે લગ્ન થયા હતા. લગ્નજીવન દરમ્યાન સંતાનમાં એક પુત્રીની પ્રાપ્તી થઇ હતી જે હાલમાં પ વર્ષની છે. થોડા સમય બાદ સાસુ ઘરકામ બાબતે અવાર નવાર ઝઘડો કરતા હતાં અને નણંદના બે દિકરા અમારા ઘરે જ રહેતા હોઇ તેથી તે ઘરે અવાર નવાર મળવા આવતી અને પતિને 'તારી વહુ તો દીકરીને જ જન્મ આપે છે તું તારી વહુને કાઢી મૂક તેમ મેણાટોણા મારતા પતિ ઝઘડો કરી મારકૂટ કરતો હતો તથા મકાન લેવા બાબતે માવતરેથી પૈસા લઇ આવવાનું કહેતા પોતે ના પાડતા પતિએ ગાળો આપી માર માર્યો હતો, જેના કારણે પોતે બેથી ત્રણ વાર માવતરે રીસામણે આવેલ બાદ સાસરીયાઓ સમાધાન કરી તેડી જતા હતાં પોતે ગર્ભવતી કહતાં તો સાસુ, સસરા અને નણંદ પતિને કહેતા કે  તારે ઘરે તો પાછી દીકરીનો જ જન્મ થશે' તેમ ચઢામણી કરતા પતિએ પોતાની સાથે ઝઘડો કર્યો હતો. આ ત્રાસથી કંટાળી પોતે રાજકોટ માવતરના ઘરે આવ્યા બાદ મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા એએસઆઇ મધુબેન પરમારે તપાસ હાથ ધરી છે.

(3:53 pm IST)