Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

પુસ્તક અવલોકનઃ ધન્વી માહીં

લોકજીવનમાંથી વિસરાતા જતા પ્રતિકો, પ્રસંગો, પ્રથાઓને શબ્દદેહ આપતુ પુસ્તક 'વિરાસતનો વૈભવ'

શીર્ષક : વિરાસતનો વૈભવ

લેખક : ડો. રમણિકલાલ જેઠાલાલ યાદવ

પ્રકાશક : સાયુજય પ્રકાશન, એ-૨૨૮, સૌરભ પાર્ક, સુભાનપુરા, વડોદરા મો.૯૯૯૮૦ ૦૩૧૨૮

પૃષ્ઠ : ૪૫૬, મુલ્ય : રૂ. ૫૦૦

વિરાસત તરીકે લુપ્ત થઇ રહેલ પ્રથા પરંપરાઓમાં મીઠડાં કે દુઃખણાં લેવાની રીત, નવા વર્ષે ઘરમાંથી કકડાટ કાઢવાની રીત, ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળતી કેડી, નવરાત્રીમાં છોકરાઓ દ્વારા ગવાતો ઘોઘો,  પાણીના પરબ, ટોડલા, ગોખલા, અભેરાઇ, ઇંઢોણી, પાઘડી, ફટાણાના ગીતો, તુંબડુ, વિંઝણો, વેહ કાઢવો જેવા શબ્દોથી આજની પેઢીને પરિચિત કરવા આ પુસ્તકમાં સરાહનીય પ્રયાસ કરાયો છે.

મુળ ધ્રાંગધ્રાના વતની અને રાજકોટને કર્મભુમિ બનાવી વાણિજય અધ્યાપક તરીકે કારકીર્દી જમવાનાર સંશોધક અને મુકત  પત્રકાર એવા ડો. રમણિક જ. યાદવ સંવેદનશીલ વ્યકિતત્વ છતા રમૂજવૃત્તિના બેતાજ બાદશાહ ગણાય છે. તેમણે આ પુસ્તકમાં સ્થાન આપેલ લેખો કયાંય પ્રકાશિત કરવાના હેતુથી લખાયા નથી. માત્ર મનના ખુણે સંગ્રહાયેલી વાતોને ફેસબુક જેવા સોશ્યલ મીડીયાના માધ્યમથી વહેતી કરી અને મળેલા સારા પ્રતિસાદથી પ્રેરાઇને આ વિસરાતી વાતો, કહેવતો, ગીતો, વસ્તુઓ વિષે જે કંઇ લખ્યુ તેને પુસ્તકરૂપે પ્રકાશિત કરેલ છે. ૪૫૬ પાનાના આ દળદાર પુસ્તકમાં ૯૦ પ્રકરણો સચિત્ર આલેખી ખુબ સરસ રીતે માહીતી આપવાનો પ્રયાસ કર્યો છે. પરોણો એટલે શું ? તેવું આજની પેઢીના લોકોને કદાચ ખબર ન હોય પરંતુ આ દેશી શબ્દને વિસ્તારથી સમજાવવા પ્રયાસ કરાયો છે. આવા તો કઇ કેટલાય શબ્દોનું ઉંડાણથી જ્ઞાન આપવા આ પુસ્તકમાં પ્રયાસ થયો છે. વિસરાતા શબ્દોને ફરી ઉજાગર કરાયા છે.

(11:55 am IST)