Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

મ્યુ. કોર્પોરેશન ભૂગર્ભ ગટરનું પાણી શુધ્ધ કરી અને વેંચશે : ટ્રીટેડ વોટરના વપરાશ અંગે સોમવારે બેઠક

શહેર તથા આસપાસના ઔદ્યોગિક એકમો - શૈક્ષણિક સંકુલો - ખેડૂત મંડળીઓને આ ટ્રીટેડ વોટર વેચવામાં આવશે : ટ્રીટેડ વોટરનો ઉપયોગ કરવા ઇચ્છુકો બેઠકમાં હાજરી આપે : કમિશ્નર બંછાનિધીની અપીલ

રાજકોટ તા. ૧૭ : ગુજરાત સરકારશ્રી દ્વારા ટ્રીટેડ વેસ્ટ વોટરને (૧) થર્મલ પાવર પ્લાન્ટ (૨) ઔદ્યોગિક એકમો (૩) બાંધકામ (૪) વાણિજય સંકુલો અને સંસ્થાઓ (૫) મ્યુનિસિપલ બાગ-બગીચા અને (૬) કૃષિ-સિંચાઇ વિગેરે ક્ષેત્રોમાં રી-યુઝ કરવા અંગે તા.૨૮/૦૫/૨૦૧૮ના રોજ 'પોલીસી ફોર રી-યુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર' જાહેર કરવામાં આવેલ છે. ટ્રીટેડ વેસ્ટ વોટરના રી-યુઝ અંગે મહાનગરપાલિકા દ્વારા પણ જનરલ બોર્ડ ઠરાવ નં.૧૧ તા.૧૫/૦૬/૨૦૧૮થી નીતિ નક્કી કરાયેલ છે.

મહાનગરપાલિકા દ્વારા શહેરમાં એકત્ર કરાતા ડોમેસ્ટીક સુએજને જુદા જુદા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ટ્રીટ કરવામાં આવે છે. આવા ટ્રીટેડ વેસ્ટ વોટરનો ઉપયોગ ઇન્ડસ્ટ્રીયલ યુઝ, ગાર્ડનીંગ, નર્સરી, કન્સ્ટ્રકશન વર્ક, ટોઇલેટ ફલશીંગ, વેહિકલ વોશીંગ વિગેરે હેતુ માટે કરી શકાય છે. સૌરાષ્ટ્ર વિસ્તાર એ વોટર સ્કેર રીજીયન હોવાથી આવા હેતુ માટે  ટ્રીટેડ વેસ્ટ વોટરનો ઉપયોગ કરવામાં આવે તો પીવાલાયક શુદ્ઘ અને કિમતી પાણીની બચત થઇ શકે. ગુજરાત સરકારશ્રી દ્વારા પણ ટ્રીટેડ વેસ્ટ વોટરના રી-યુઝ અંગે નીતિ નક્કી કરવામાં આવેલ છે.  પીવાલાયક શુદ્ઘ અને કિમતી પાણીની બચત થઇ શકે તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકા વ્યાજબી દરે ટ્રીટેડ વેસ્ટ વોટર આપવા ઈચ્છુક છે. તથા આ માટે જુદા જુદા એકમો પાસેથી ટ્રીટેડ વેસ્ટ વોટરના ઉપયોગની શકયતા તથા જરૂરી જથ્થા અંગેની વિગતો મેળવવા માંગે છે. ટ્રીટેડ વેસ્ટ વોટરના ઉપયોગ બાબતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નીચેની વિગતે એક મીટીંગનું આયોજન કરાવવામાં આવેલ છે.

મીટીંગ તા. ૧૯ને સોમવારે બપોરના ૧૨-૩૦ કલાકે રાજકોટ મહાનગરપાલિકા કચેરી,સેન્ટ્રલ ઝોન ઓફીસ, મીટીંગ રૂમ,ડો. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ ખાતે યોજાશે.શહેર તથા તેની આજુબાજુમાં આવેલ જે ઔદ્યોગિક એકમો, વાણિજય સંકુલો, યુનિવર્સીટીઝ કેમ્પસ, સિંચાઈ સહકારી મંડળીઓ તથા અન્ય સંસ્થાઓ ટ્રીટેડ વેસ્ટ વોટરના ઉપયોગ કરવા ઈચ્છુક હોય, તેઓને  ઉપરોકત મીટીંગમાં ટ્રીટેડ વેસ્ટ વોટરના રી-યુઝના જરૂરી જથ્થા અંગેની વિગતો સાથે હાજરી આપવા નિમંત્રણ  છે.

(3:52 pm IST)