Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

૪૪ લાખના હેરોઇનના જથ્થા સાથે રાજકોટના બે પકડાયા

ગોંડલના સડક પીપળીયા ગામ પાસે મહેશ કોળી અને ઇમ્તીયાઝ દોઢીયા હેરોઇન વેચવા આવ્યા'ને રેન્જ ડીઆઇજી સંદીપસિંઘ તથા એસપી બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઇ એમ.એન.રાણા તથા વાય.બી.રાણાની ટીમ ત્રાટકી : શહેર અને જીલ્લામાં નશીલા પદાર્થોનો ધમધમતો કારોબારઃ રાજકોટ સીટીમાં છેલ્લા બે માસમાં અલગ-અલગ ૯ કેસમાં લાખોનો નશીલા પદાર્થનો જથ્થો પકડાયો છે : પકડાયેલ મહેશ અને ઇમ્તીયાઝ હેરોઇનનો જથ્થો રાજકોટના વિપુલ પાસેથી લાવી વેચતા'તાઃ જેતપુર બાદ ગોંડલ પંથકમાંથી પણ નશીલા પદાર્થનો જથ્થો એસઓજીના પીઆઇ એમ. એન.રાણાની ટીમે ઝડપી લીધો

તસ્વીરમાં હેરોઇનનો જંગી જથ્થો ઝડપી લેનાર રૂરલ એસઓજીના પીઆઇ એમ.એન.રાણા, પીએસઆઇ વાય.બી.રાણા તથા સ્ટાફ નજરે પડે છે. ઇન્સેટ તસ્વીરમાં ડાબી બાજુ પકડાયેલ બંન્ને આરોપીઓ અને જમણી બાજુ હેરોઇનનો જથ્થો દ્રશ્યમાન થાય છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા., ૧૭: ગોંડલના સડક પીપળીયા ગામની સીમમાં રૂરલ એસઓજીની ટીમે ૪૪ લાખના હેરોઇનના જથ્થા સાથે રાજકોટના બે શખ્સોને ઝડપી લેતા ખળભળાટ મચી ગયો છે. આ સાથે રાજકોટ શહેર તથા જીલ્લામાં નશીલા પદાર્થના વેચાણનો કારોબાર મોટાપાયે ધમધમતો હોવાનું વધુ એક વખત પ્રતિપાદીત થયું છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ જીલ્લામાં નશીલા માદક પદાર્થનું વેચાણ કરતા ઇસમોને શોધી કાઢવાની રેન્જ ડીઆઇજી સંદીપસિંઘ તથા જીલ્લા પોલીસ વડા બલરામ મીણાએ આપેલ સુચના અન્વયે રૂરલ એસઓજીના પીઆઇ એમ.એન.રાણા તથા પીએસઆઇ વાય.બી.રાણાની ટુકડી ગોંડલ પંથકમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે પીઆઇ એમ.એન.રાણાને બાતમી મળેલ કે ગોંડલના સડક પીપળીયા ગામની સીમમાં આવેલ હઝરત ગેબનશા બાવાના દરગાહની બાજુમાં અમુક ઇસમો માદક પદાર્થ હેરોઇનનું વેચાણ કરવા આવે છે. આ બાતમીના આધારે પીઆઇ એમ.એન.રાણા તથા વાય.બી.રાણાની ટીમ વોચમાં ગોઠવાઇ ગઇ હતી.

દરમિયાન ઉકત સ્થળે મહેશ કરશનભાઇ ઉર્ફે ઉકાભાઇ ભોજવીયા (કોળી) (ઉ.વ.રપ) તથા ઇમ્તીયાઝ અબ્દુલભાઇ ડોડીયા (રહે. બંન્ને જંગલેશ્વર, શેરી નં. ર૭) હેરોઇનના જથ્થાના વેચાણ માટે આવતા વોચમાં રહેલ એસઓજીની ટીમે બંન્ને શખ્સોને ઝડપી લઇ તલાશી લેતા બંન્નેના કબ્જામાંથી હેરોઇન ૪૩૯.૮૭૦ ગ્રામ જેની આંતરરાષ્ટ્રીય બજારકિંમત ૪૩,૯૮,૭૦૦ રૂ. મળી આવતા બંન્નેની ધરપકડ કરાઇ હતી.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પકડાયેલ મહેશ કોળી તથા ઇમ્તીયાઝ દોઢીયા સડક પીપળીયા ગામે અવાર નવાર નશીલા પદાર્થ હેરોઇનનું વેચાણ કરવા આવતા હતા. આ બંન્ને શખ્સોએ આ હેરોઇનનો જથ્થો રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રહેતા વિપુલ નામના શખ્સ પાસેથી લીધાની કબુલાત આપી છે.

આ કાર્યવાહીમાં એસઓજીના પીઆઇ એમ.એન.રાણા તથા પીએસઆઇ વાય.બી.રાણા સાથે હેડ કોન્સ્ટેબલ વિજયભાઇ ચાવડા, ઉપેન્દ્રસિંહ જાડેજા, જયવીરસિંહ રાણા, અતુલભાઇ ડાભી, સંજયભાઇ નિરંજની, દિનેશભાઇ ગોંડલીયા, ધર્મેન્દ્રભાઇ ચાવડા, રણજીતભાઇ ધાંધલ, મયુરભાઇ વીરડા તથા ડ્રાઇવર સાહીલભાઇ ખોખર રોકાયા હતા.

રાજકોટ શહેર અને જીલ્લામાં નશીલા પદાર્થનો કારોબાર ધમધમી રહયો છે. અગાઉ રૂરલ એસઓજીમાં હાજર થતાની સાથે જ પીઆઇ એમ.એન.રાણાની ટીમે જેતપુરમાંથી નશીલા પદાર્થનો જથ્થો ઝડપી લીધો હતો અને ગઇકાલે રાત્રે ગોંડલમાંથી જંગી જથ્થામાં હેરોઇનનો જથ્થો ઝડપી લીધો હતો. પીઆઇ એમ.એન.રાણા તથા ટીમની ઉપલેટાના બોંબ વિસ્ફોટનો ભેદ ઉકેલવામાં પણ મહત્વની ભુમીકા ભજવી હતી. રાજકોટ શહેરમાં  પણ છેલ્લા બે માસમાં અલગ-અલગ ૯ કેસમાં લાખો રૂપીયાના નશીલા પદાર્થો પકડાયા છે.

દરમિયાન રાજકોટ જીલ્લાના ગોંડલ પાસેથી જંગી જથ્થામાં હેરોઇનનો જથ્થો ઝડપાતા આ અંગેની માહીતી આપવા આજે બપોરે રૂરલ એસપી કચેરી ખાતે એસપી બલરામ મીણાએ પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે જેમાં વધુ વિગતો જાહેર કરાશે.

મુખ્ય સુત્રધાર મહેશ કોળીએ દેણુ વધી જતા નશીલા પદાર્થ વેચવાનું શરૂ કર્યુ

રાજકોટ શહેર બાદ જીલ્લામાં પણ નશાનો કારોબાર વિસ્તર્યો : ૧પ૦ રૂ.માં એક ગ્રામની

પડીકી વેચતો'તોઃ સાગ્રીત ઇમ્તીયાઝને એક ખેપે પ૦૦૦ રૂ. આપતો'તો

રાજકોટ, તા., ૧૭ ગોંડલના સડક પીપળીયા ગામેથી રૂરલ એસઓજીએ હેરોઇનના જંગી જથ્થા સાથે રાજકોટના બે શખ્સોને ઝડપી લીધા બાદ તેની પુછતાછમાં ચોંકાવનારી વિગતો ખુલી રહી છે.  પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ હેરોઇનના જથ્થા સાથે પકડાયેલ બે શખ્સોમાં રાજકોટના જંગલેશ્વર શેરી નં. ર૭માં રહેતો મહેશ કોળી મુખ્ય સુત્રધાર છે અને તેણે દેણું વધી જતા નશાનો કારોબાર શરૂ કર્યો હતો. મૂળ ચોટીલાના ભાડુકા ગામનો વતની અને છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટમાં રહી  મહેશ મજુરી કામ કરતો હતો અને દેણુ વધી જતા આ દેણુ ઉતારવા જંગલેશ્વરમાં નશીલા પદાર્થ વેચતા એક શખ્સના સંપર્કમાં આવ્યો હતો અને તેની પાસેથી નશીલા પદાર્થ લઇ વેચવાનું શરૂ કર્યુ હતું. પકડાયેલ મહેશ કોળી ૧પ૦ રૂ.માં એક ગ્રામની પડીકી વેચતો હતો. તે રાજકોટ શહેર ઉપરાંત જીલ્લામાં પણ આવી પડીકીઓ વેચતો હોવાનું બહાર આવ્યું છે. જયારે તેની સાથે પકડાયેલ ઇમ્તીયાઝ દોઢીયા પણ મજુરી કામ કરે છે. ઇમ્તીયાઝ દોઢીયાને મહેશ કોળી એક ખેપે પ૦૦૦ રૂ. આપતો હતો અને બંન્ને શખ્સો બાઇક પર જઇને જ જે તે સ્થળે  નશીલા પદાર્થનું વેચાણ કરતા હતા.

(3:46 pm IST)