Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

નશાના કારોબારનું કનેકશન વાયા રાજકોટ થઇ રાજસ્થાન સુધી નીકળશે

શહેર અને જીલ્લામાં પ્રથમ વખત જ જંગી જથ્થામાં હેરોઇનનો જથ્થો પકડાયો : મુખ્ય આરોપી મહેશે દોઢ માસથી ધંધો શરૂ કર્યો'તોઃ રાજકોટ શહેરની સાથે જીલ્લામાં પણ કારોબાર શરૂ કર્યોને પોલીસની ઝપટે ચડી ગયો : અગાઉ રાજકોટ શહેરમાં પકડાયેલ નશીલા પદાર્થોનું કનેકશન પણ રાજસ્થાન નિકળ્યું'તું

રાજકોટ, તા., ૧૭ :   ગોંડલના સડક પીપળીયા ગામેથી રૂરલ એસઓજીએ હેરોઇનનો જથ્થો ઝડપી લીધા બાદ રાજકોટ જીલ્લા અને શહેરમાં પ્રથમ વખત જ જંગી જથ્થામાં હેરોઇનનો જથ્થો પકડાયો હોવાનું પોલીસે જાહેર કર્યુ છે અને આ હેરોઇન સપ્લાયનું કનેકશન વાયા રાજકોટ થઇ રાજસ્થાન સુધી નિકળે તેવી શકયતા છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ રાજકોટ શહેર તથા જીલ્લામાં અગાઉ ચરસ, અફીણ તથા ગાંજાનો જંગી જથ્થો  ઝડપાયો છે. પરંતુ હેરોઇનનો જંગી જથ્થો પ્રથમ વખત જ પકડાયો છે. પકડાયેલ મુખ્ય આરોપી મહેશ કોળી જંગલેશ્વરના એક શખ્સ સાથે સંપર્કમાં આવ્યા બાદ છેલ્લા દોઢ માસથી નશાનો કારોબાર શરૂ કર્યો હતો અને ૧પ દિ' પુર્વે જ આ હેરોઇનનો જથ્થો મંગાવ્યો હતો. મહેશે રાજકોટ શહેરમાં હેરોઇનની પડીકી વેચ્યા બાદ તેનો કારોબાર જીલ્લામાં શરૂ કર્યો હતો અને ગોંડલના સડક પીપળીયા પાસે બંધાણીઓને સપ્લાય કરવા જાય તે પહેલા જ રૂરલ એસઓજીએ તેને ઝડપી લીધો હતો.

પકડાયેલ મહેશ કોળી આ હેરોઇનનો જથ્થો રાજકોટના વિપુલ પાસેથી લીધાની કબુલાત આપી છે અને વિપુલે આ જથ્થો રાજસ્થાનથી મંગાવ્યો હોવાનું પોલીસની પ્રાથમીક તપાસમાં ખુલ્યું છે. હેરોઇન પ્રકારનું કનેકશન રાજસ્થાન સુધી નિકળે તેવી શકયતા છે અને હજુ વધુ આરોપીઓના નામો ખુલે તેવી શકયતા છે.

અત્રે એ નોંધનીય છે કે, રાજકોટ શહેર પોલીસે છેલ્લા ર માસમાં પકડેલ અફીણ, ગાંજા અને ચરસનું પગેરૂ રાજસ્થાન સુધી ખુલ્યું હતું.

(3:46 pm IST)