Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

નાફેડના એમ.ડી.ને તેડાવતી ગુજરાત સરકાર, યાર્ડોમાં પડેલી મગફળી ગોડાઉનમાં ખસેડવા સૂચના

નાફેડે ખરીદીની પ્રક્રિયામાં રસ જ ન લેતા સરકાર દ્વિધામાં : સોમવારથી દરરોજ ૧૦૦-૧૦૦ ખેડૂતોને બોલાવાશેઃ કલેકટરોને સતા

રાજકોટ, તા., ૧૭: રાજય સરકારે ૧પ નવેમ્‍બરથી ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયા શરૂ કરે છે. જેમાં કેન્‍દ્ર સરકારની એજન્‍સી તરીકે નાફેડના પ્રતિનિધિઓ ગેરહાજર રહેતા અને નાફેડે કામગીરીથી અળગા રહેવાનો મિજાજ દર્શાવતા રાજય સરકારની મુશ્‍કેલી વધી છે. છેલ્લા ૩ દિવસથી ખેડુતો પાસેથી ખરીદાયેલી મગફળી જે તે માર્કેટ યાર્ડમાં જ પડી છે. હવે વધુ ખરીદી માટે જગ્‍યાનો પ્રશ્ન હોવાથી રાજય સરકારે યાર્ડોમાં પડેલી મગફળી નિયત ગોડાઉનમાં પહોંચાડી દેવા કલેકટરોને સુચના આપી છે. નાફેડના પ્રતિનિધી આવે તે વખતે ગોડાઉનમાં જ તેની ચકાસણી કરી લેવામાં આવશે. કૃષિ વિભાગે નાફેડના એમડીને સોમવારે દિલ્‍હીથી ગાંધીનગર બોલાવ્‍યા છે. જેમાં નાફેડનું વલણ જાણવામાં આવશે. જો નાફેડ કામગીરી સંભાળવા તૈયાર ન હોય તો અન્‍ય એજન્‍સીને કામગીરી સોંપવાની શકયતા તપાસાશે.

પ્રથમ દિવસ થોડા-થોડા ખેડુતોને બોલાવાતા હતા. હવે સોમવારથી સરેરાશ ૧૦૦-૧૦૦ ખેડુતોને એસએમએસથી બોલાવવા માટે કલેકટરોને સરકારે જણાવ્‍યું છે. કયાંય જગ્‍યાની મુશ્‍કેલી અથવા અન્‍ય કોઇ કારણ હોય તો આ સંખ્‍યામાં ફેરફાર કરી શકાશે. જે ખેડુતોએ ઓનલાઇન નોંધણી કરાવી છે તે તમામ ખેડુતોને નોંધાયેલા ક્રમ મુજબ મગફળી વેચવાની તક મળશે. અનિવાર્ય કારણસર એક વખત હાજર રહી ન શકેલ ખેડુતને બીજી વખત મગફળી વેચવાની તક મળશે. જરૂરી બારદાન ઉપલબ્‍ધ કરવા સરકાર દ્વારા નવા-જુના બારદાન ખરીદવામાં આવી રહયા છે. ખેડુતો મગફળી બારદાનમાં લાવે અને તે બારદાન જે તે કેન્‍દ્ર પરના જવાબદાર અધિકારીને યોગ્‍ય લાગે તો ખેડુત પાસેથી પણ બારદાન ખરીદી શકાશે. મગફળીની ખરીદીની પ્રક્રિયાને સોમવારથી વેગ મળશે. ખરીદી પ્રક્રિયા પધ્‍ધતીસર અને વૈજ્ઞાનીક ઢબે આગળ ચાલી રહયાનું સરકારી સુત્રોનું કહેવું છે.

(3:54 pm IST)