Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

બહેનપણી સાથે અબોલા થતાં હેરાન કરવા કિરણ મોરીએ ખોટા નામથી ફેસબૂક એકાઉન્ટ બનાવ્યું

નયનાબેન સોલંકીનું નિકી પરમાર નામનું આઇડ છે, કિરણે નિકી સોલંકીના નામથી એકાઉન્ટ બનાવી ફોટો અપલોડ કર્યોઃ આઇડી સાયબર ક્રાઇમ હેઠળ ગુનો નોંધી યુવતિની ધરપકડ

રાજકોટ તા. ૧૭: શહેરના સાયબર ક્રાઇમ પોલીસ મથક અને પ્ર.નગર પોલીસની ટીમે એક કિસ્સામાં એક યુવતિને પોતાની બહેનપણી સાથે અબોલા થતાં તેણીને હેરાન કરવા માટે તેણીના નામે બોગસ ફેસબૂક એકાઉન્ટ બનાવી તેમાં ફોટો અપલોડ કરતાં આ મામલે ગુનો નોંધી આ યુવતિની ધરપકડ કરવામાં આવી છે.

આ બનાવ અંગે પ્ર.નગર પોલીસ મથકમાં આઇપીસી ૬૬ (સી) તથા ૪૧૯ મુજબ નયનાબેન સાગરભાઇ રામજીભાઇ સોલંકીની ફરિયાદ પરથી તેની જ એક સમયની બહેનપણી કિરણબેન જીવરાજભાઇ મોરી સામે ગુનો નોંધી તેણીની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા સાયબર ક્રાઇમના સુપરવિઝન અધિકારી એસીપી જે. એસ. ગેડમની રાહબરી તથાં સાયબર ક્રાઇમના પી.આઇ. એન. એન. ઝાલા, પ્ર.નગર પી.આઇ. બી. એમ. કાતરીયાની સુચના હેઠળ પીએઇઆઇ ગઢવી, પીએસઆઇ એમ. જે. રાઠોડ, હેડકોન્સ. અશોકભાઇ કલાલ, મોહસીન ખાન, મહિલા કોન્સ. ધારાબેન મેઘાણી, પુર્વિકાબેન ગોંડલીયા સહિતે ફરિયાદ પરથી તપાસ કરી કિરણબેન જીવરાજભાઇ મોરીની ધરપકડ કરી છે.

અગાઉ ફરિયાદી નયનાબેન અને કિરણબેન બંને બહેનપણી હતી. પણ બંને વચ્ચે કોઇ કારણોસર અણબનાવ થતાં અબોલા થઇ ગયા હતાં. દરમિયાન કિરણબેને  નયનાબેનને હેરાન કરવાના હેતુથી તેણીના નામનું ફસબૂક એકાઉન્ટ જે નિકી પરમારના નામથી છે તેને બદલે નિકી સોલંકીના નામનું બીજી એકાઉન્ટ બનાવી તેમાં ફોટો ફરિયાદી નયનાબેનનો મુકી દીધો હતો. જાણી જોઇને તેણીને નુકસાન પહોંચાડવાના ઇરાદે તેણીએ આ કૃત્ય કર્યુ હોઇ આ બાબતે ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે. કિરણબેન મોરીએ ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કર્યો છે અને હાલમાં નોકરી કરે છે.

(3:44 pm IST)