Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

કોર્પોરેશનમાં ઓફલાઈન પ્‍લાન સ્‍વીકારાતા ધસારોઃ ચાર દિ'માં ૮૮ બિલ્‍ડીંગ પ્‍લાન રજૂ થયાઃ ૨૯ને મંજુરી

ઓનલાઈનની કડાકુડમાં પડવાના બદલે ઓફલાઈનમાં બિલ્‍ડરોની પ્રથમ પસંદગી

રાજકોટ, તા. ૧૭ :. રાજ્‍ય સરકારે બિલ્‍ડીંગ પ્‍લાન ઓનલાઈન ફરજીયાતપણે રજૂ કરવાનું અમલી બનાવ્‍યુ હતુ પરંતુ ઓનલાઈન પ્‍લાન મંજુરીમાં ભારે ગોટાળા અને અટપટ્ટી વહીવટી બાબતોને કારણે બિલ્‍ડરોએ પ્‍લાન મુકવાનું બંધ કરી દીધુ હતુ અને રાજ્‍ય સરકારમાં અવારનવાર ઓફલાઈન બિલ્‍ડીંગ પ્‍લાન સ્‍વીકારવાનું શરૂ કરવા રજુઆત કરી હતી જે અનુસંધાને સરકારે આ માટે મંજુરી આપી દેતા રાજકોટ મ્‍યુ. કોર્પોરેશનમાં હવે ઓફલાઈન બિલ્‍ડીંગ પ્‍લાન સ્‍વીકારવાનો પ્રારંભ થઈ ચૂકયો છે. જેના કારણે બિલ્‍ડીંગ પ્‍લાન રજુ કરવામાં બિલ્‍ડરો જબરો ધસારો કર્યો છે અને છેલ્લા ચાર દિવસમાં ૮૮ જેટલા પ્‍લાન રજૂ થઈ જતા તે પૈકી ૨૯ને ધડાધડા મંજુરી પણ આપી દેવાય છે. આમ દિવાળી બાદ નૂતન વર્ષમાં બાંધકામ ઉદ્યોગમાં તેજી આવવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

આ અંગે ટાઉન પ્‍લાનીંગ વિભાગે સત્તાવાર જાહેર કર્યા મુજબ છેલ્લા ચાર દિવસમાં એટલે કે ૧૨ થી ૧૬ નવેમ્‍બર સુધીમાં ટાઉન પ્‍લાનીંગ વિભાગમાં ૮૮ જેટલા બિલ્‍ડીંગ પ્‍લાન રજૂ થયા છે અને તે પૈકી ૨૯ પ્‍લાન મંજુર થઈ ચૂકયા છે, ૪ પ્‍લાન નામંજુર થયા છે અને ૫૬ હજુ પેન્‍ડીંગ છે. સેન્‍ટ્રલ ઝોનમાં ૩૫ પ્‍લાન રજૂ થયા છે એક મંજુર થયો છે અને ૩ નામંજુર થયા છે. જ્‍યારે સામા કાંઠે એટલે કે ઈસ્‍ટ ઝોનમાં ૧૮ રજુ થયા છે. ૧૩ મંજુર થઈ ગયા, ૫ પેન્‍ડીંગ છે. વેસ્‍ટ ઝોનમાં ૨૫ પ્‍લાન રજૂ થયા છે, ૧૫ મંજુર થઈ ગયા છે ૧ નામંજુર થયો છે.

 

(3:43 pm IST)