Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

૨૬મીએ માલધારી દિનઃ શહેરમાં ચંદ્રગુપ્તમૌર્ય અને ગાય-વાછરડાની પ્રતિમાં મુકવા માંગ

રૈયા ચોકડી, રામાપીર ચોકડી અને માધાપર ચોકડી પૈકી કોઈ એક ચોકને ગોપાલક ચોક નામ આપી પ્રતિમાઓ મુકોઃ રાજુ જુંજા . રણજીત મુંધવા સહિતના માલધારી-આગેવાનોની મ્યુ. કમિશ્નરને રજૂઆત

શહેરમાં ચંદ્રગુપ્તમૌર્ય અને ગાય-વાછરડાની પ્રતિમા મુકવા રાજુ જુંજા તથા રણજીત મુંધવા સહિતના માલધારી આગેવાનોએ મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીને રજૂઆત કરી તે વખતની તસ્વીર

રાજકોટ, તા. ૧૭ :. આગામી તા. ૨૬ નવેમ્બરે માલધારી દિન છે ત્યારે આ પ્રસંગે ચંદ્રગુપ્તમૌર્ય તથા ગાય-વાછરડાની પ્રતિમાઓ શહેરના કોઈ એક ચોકમાં મુકવા તથા ગોપાલક ચોક નામકરણ કરવા અંગે શ્રી ગોપાલક સેવા અને સંગઠન વિકાસ સમિતિ દ્વારા મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી.

આ અંગે આવેદનપત્રમાં જણાવાયુ છે કે, રાજકોટમાં દરેક સમાજની પ્રતિકૃતિ રૂપે શહેરના અલગ અલગ ચોકમાં પ્રતિમાઓ મુકવામાં આવી છે. માલધારી સમાજની વસ્તી રાજકોટ શહેરમાં નોંધપાત્ર છે, ત્યારે કોઈ એક ચોકનું નામ ગોપાલક ચોક નામકરણ કરી ચંદ્રગુપ્તમૌર્ય અને ગાય-વાછરડાની પ્રતિમા મુકવામાં આવે તે જરૂરી છે. આગામી તા. ૨૬ નવેમ્બર માલધારી દિન તરીકે ઉજવાય છે. તે દિવસે જ ભરવાડ સમાજની પ્રતિકૃતિરૂપે ગાય-વાછરડાની એક પ્રતિકૃતિ કોઈ એક ચોકમાં મુકવા સમગ્ર માલધારી સમાજની માંગણી છે. ગાય એ સમગ્ર હિન્દુ સમાજ માટે પૂજનીય છે અને સમગ્ર સમાજની લાગણી ગાય સાથે જોડાયેલી છે ત્યારે ગાય-વાછરડાની પ્રતિકૃતિ કોઈ એક ચોકમાં મુકી તે ચોકનું 'ગોપાલક ચોક' નામકરણ કરવાની માંગણી છે.

માલધારી આગેવાનોએ રૈયા ચોકડી, રામાપીર ચોકડી અથવા માધાપર ચોકડી પૈકી કોઈપણ એક ચોકમાં નામકરણ તથા પ્રતિમા મુકવા માંગ ઉઠાવી છે.

આ રજૂઆતમાં ભીખાભાઈ પડસારીયા, રાજુભાઈ જુંજા, રણજીતભાઈ મુંધવા, કરણભાઈ ગમારા વગેરે જોડાયા હતા.

(3:22 pm IST)