Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

લોહાણા મહાજનની સંપન્ન થયેલ ચૂંટણી સમાજ માટે સોનાનો સૂરજ લાવીઃ રમેશ ધામેચા

ત્યાગની ભાવના સાથે જ્ઞાતિ માટે કંઇક કરી છૂટવાની તમન્ના જીંદગી જીવવાની શ્રેષ્ઠ જડીબુટ્ટી છેઃ પ્રમુખપદ માટે સક્ષમ હોવા છતાં ચૂંટણીમાં સ્વેચ્છાએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચીને મોટા મનના માનવીનો મોભો મેળવતા રમેશ ધામેચા

રાજકોટ તા.૧૭: આશરે પોણા ત્રણ લાખ જેટલા રઘુવંશીઓની વસ્તી ધરાવતા રાજકોટના લોહાણા મહાજન સમિતિની ચૂંટણી નિષ્પક્ષ સર્વાનુમતે તથા સફળતાપુર્વક સંપન્ન થઇ તે બાબત ખરા અર્થમાં સમગ્ર સમાજ માટે સોનાનો સૂરજ લાવી હોવાનું રાજકોટ લોહાણા મહાજનના પૂર્વ ઉપપ્રમુખ તથા ધૂરંધર રઘુવંશી અગ્રણી શ્રી રમેશભાઇ ધામેચાએ આજરોજ જણાવ્યું હતું. તેઓના મતે ત્યાગની ભાવના સાથે જ્ઞાતિ માટે કંઇક કરી છૂટવાની તમન્ના જીંદગી જીવવાની શ્રેષ્ઠ જડીબુટ્ટી છે.

લોહાણા મહાજનના પ્રમુખપદ માટે પોતે સક્ષમ હોવા છતાં પણ 'હું નહીં પણ તમે'ની લાગણી દર્શાવી ચૂંટણીમાં સ્વેચ્છાએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચીને મોટા મનના માનવી સાબિત થનાર રમેશભાઇ ધામેચાએ વધુમાં જણાવ્યું હતું કે જ્ઞાતિ કે સમાજને જયારે પણ જરૂર હશે ત્યારે પોતે ફરજનિષ્ઠ સૈનિક તરીકે સેવા કરવા સદાય તત્પર રહેશે. કોઇપણ જ્ઞાતિજન પોતાના કામ માટે સરળતાથી મળી શકે તે માટે રમેશભાઇ ધામેચાએ પોતાના મોબાઇલ નંબર૯૪૨૯૫ ૬૨૪૦૦ પણ જાહેર કર્યા છે.

રાજકોટ લોહાણા મહાજન સમિતિની ચૂંટણીના અંતે ખરા અર્થમાં મહાજનમાં છાજે તેવા લોકોની પસંદગી થતાં જ્ઞાતિહિત, જ્ઞાતિ ઉત્કર્ષ, યુવાધનની કારકિર્દી, શિક્ષણ, તબીબી ક્ષેત્ર વિગેરે સંદર્ભે પણ અસામાન્ય કામગીરી થવાનો દ્રઢ વિશ્વાસ તેઓએ દર્શાવ્યો હતો.

જ્ઞાતિ અગ્રણીઓ તથા જ્ઞાતિ શ્રેષ્ઠીઓની વિનંતી માન્ય રાખીને સોૈરાષ્ટ્રના લોકપ્રિય સાંધ્ય દૈનિક ''અકિલા''ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ લોહાણા મહાજન સમિતિની ચૂંટણીમાં મધ્યસ્થી કરીને સમગ્ર લોહાણા સમાજને ''ઉત્કૃષ્ટ મહાજન સમિતિ'' રૂપે નવા વર્ષની અમુલ્ય ભેટ આપી છે તે બદલ પણ રમેશભાઇ ધામેચાએ અપાર ખુશી વ્યકત કરી હતી.

સાથે-સાથે બંધારણનું અક્ષરસઃ પાલન કરીને નિર્વિવાદ-નિષ્પક્ષ તથા પારદર્શક રીતે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરનાર આરસીસી બેન્ક રાજકોટના સીઇઓ અને કાયદેઆઝમ ડો. પુરૂષોતમભાઇ પીપરીયાની દીર્ધદ્રષ્ટિને પણ રમેશભાઇ ધામેચાએ સલામ કરી હતી.

સમાજના વિવિધ ક્ષેત્રોના નામાંકીત લોકોના સમાવેશથી બનેલી મહાજન સમિતિના સંગાથે જ્ઞાતિ- સમાજની પ્રગતિ પૂરપાટ ઝડપે થશે તેવો પણ દ્રઢ વિશ્વાસ અંતમાં વ્યકત કર્યો હતો.

(3:10 pm IST)