Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

પ્રબોધિની એકાદશીનું વ્રત કરવાથી તમામ પાપોમાંથી મળશે મુકિત

આપણી ભારતીય સંસ્કૃતિમાં વેદો, ઉપનીષદો તથા પુરાણોમાં એકાદશીઓનો અનેકગણો મહિમા ગવાયો છે, દરેક એકાદશી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે. દરેક એકાદશીની પાછળ કોઈને કોઈ તથ્ય અવશ્ય રહેલું છે, એવી જ એક એકાદશી એટલે નુતન વર્ષ વિક્રમ સવંત ૨૦૭૫ ના કારતક માસના શુકલપક્ષમાં આવતી એકાદશી એટલે પ્રબોધિની એકાદશી. આ એકાદશી દેવઉઠી એકાદશી તરીકે પણ ઓળખાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુ બલીના નિવાસ સ્થાનેથી દેવો પાસે પુનૅંપધારે છે. આમ દેવોનો પ્રબોધ થતો હોવાથી દેવદિવાળી પર્વ એકાદશીથી પૂનમ સુધી મનાવવામાં આવે છે.

કારતક સુદ એકાદશીને પ્રબોધિની એકાદશી કહે છે. આ દિવસે ક્ષીરસાગરમાં પોઢેલા ભગવાન વિષ્ણુ જાગે છે. બલીરાજાના દરબારમાં ગયેલા ભગવાન વિષ્ણુ પુનઃસ્વસ્થાને પધારે છે. ચાર માસ દરમ્યાન ભકતોએ જે જે તપ કર્યા ભગવાનનો વિયોગ વેઠ્યો તેથી પ્રભુ અંતરમાં જાગ્રત થયા જેથી  પ્રબોધિની એકાદશી એ દેવઉઠી એકાદશીના નામે ભકતોની ભકિત દ્વારા સાર્થક બની.

શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું હે અર્જુન! હું તને મુકિત અપાવનારી પ્રબોધિની એકાદશી વિશે નારદજી અને બ્રહ્માજી વચ્ચે થયેલો વાર્તાલાપ કહું છું. એકવાર નારદજીએ બ્રહ્માજીને પૂછ્યું : હે પરમ પિતા બ્રહ્મદેવ! પ્રબોધિની એકાદશીના વ્રતનું શું ફળ હોય છે? આપ કૃપા કરીને મને કહો હું આ એકાદશીનો મહિમા સાંભળવા માગું છું.

પરમપિતા બ્રહ્માજી બોલ્યા : હે પુત્ર નારદ જે વસ્તુ ત્રિલોકમાં મળવી અસંભવ છે એ વસ્તુ કારતક માસના શુકલપક્ષની એકાદશીના વ્રત દ્વારા સરળતાથી પ્રાપ્ત થાય છે. આ વ્રતના પ્રભાવથી પૂર્વ જન્મમાં કરેલા અનેક ખરાબ કર્મો ક્ષણવારમાં નષ્ટ થઇ જાય છે. બીજું હે પુત્ર! જે મનુષ્ય શ્રધ્ધાપૂર્વક આ દિવસે થોડું પણ પુણ્ય કરે છે એનું પુણ્ય પર્વત સમાન અટલ બને છે, એમના પરિવારના પિતૃઓ વિષ્ણુલોકમાં મુકિત મેળવે છે. મહાન પાપ પણ પ્રબોધિની એકાદશીના દિવસે રાત્રી જાગરણ કરવાથી નષ્ટ થઇ જાય છે

હે પુત્ર નારદ ! મનુષ્યએ ભગવાનની પ્રસન્નતા માટે કારતક માસની પ્રબોધિની એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ, જે મનુષ્ય એકાદશીનું વ્રત કરે છે એ ધનવાન, યોગી, તપસ્વી, તથા ઇન્દ્રિયોને જીતનાર બને છે કારણકે એકાદશી ભગવાન વિષ્ણુનું અત્યંત પ્રિય વ્રત છે. આ એકાદશીના દિવસે જે મનુષ્ય ભગવાનની પ્રાપ્તિ માટે જપ, તપ, દાન, હોમ વગેરે કરે છે એમને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે.

આથી હે નારદ ! તારે પણ વિધિપૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ બ્રહ્માજીએ કહ્યું હે નારદ આ પાવનકારી એકાદશીના દિવસે મનુષ્યએ બ્રહ્મમુહુર્તમાં ઉઠીને સંકલ્પ કરવો જોઈએ અને પૂજા કરવી જોઈએ, આ એકાદશીની રાત્રી સમય દરમ્યાન ભગવાનની સમીપ ગીત, ધૂન, સત્યનારાયણ કથા, કીર્તન કરી રાત વિતાવવી જોઈએ, પ્રબોધિની એકાદશીના દિવસે પુષ્પની સાથે ધૂપ વગેરેથી ભગવાનની આરાધના કરવાથી આ પૂજાનું ફળ તીર્થ અને દાન વગેરે કરવાથી પણ અધિક મળે છે.

આ એકાદશીના દિવસે ગુલાબ, કરણના ફૂલ, શમી પત્રથી વિષ્ણુની પૂજા કરે છે એ આવાગમના ચક્રમાંથી છૂટી જાય છે, આ પ્રમાણે રાત્રે ભગવાનની પૂજા કરી પ્રાતૅં કાળે સ્નાન કરી બ્રાહ્મણોને દક્ષિણા આપી પોતાની આ એકાદશીનું વ્રત છોડવું. જે મનુષ્ય ચાતુર્માસના વ્રતમાં કોઈપણ વસ્તુનો ત્યાગ કર્યો હોય તે મનુષ્યએ આ દિવસથી એ વસ્તુ ફરીથી ગ્રહણ કરવી જોઈએ. જે મનુષ્ય પ્રબોધિની એકાદશીના દિવસે વિધિપૂર્વક વ્રત કરે છે તેને અત્યંત સુખ મળે છે, અંતે તે સ્વર્ગમાં જાય છે.

આ પ્રબોધિની તથા દેવઉઠી એકાદશીના વ્રત કરવાનું જે પુણ્ય છે તે ગંગા નદીમાં સ્નાન કરવાથી જેમ પાપનો નાશ થાય છે તેવી રીતે મનુષ્યના સદ્યળા પાપોનો નાશ થાય છે, એકાદશીના દિવસે ઉપવાસ કરવાથી તે મનુષ્ય ખુબ જ પુણ્ય શાળી બને છે અને ધનવાન તથા સંપતિવાન બની જાય છે. તમામ સુખો મેળવે છે.

આ પ્રબોધિની તથા દેવઉઠી એકાદશીના દિવસે ગૌ માતાને ઘાસચારો કરવો, પક્ષીઓને ચણ નાખવી, કુતરાને રોટલી ખવડાવવી , ભિક્ષુકને ભોજન કરાવવું , ઘરની દીકરીને પણ રાજી કરવી, સાધુ, બ્રાહ્મણને દક્ષિણા આપવી, અને સાથોસાથ આપણા પિતૃદેવતાઓના તેમજ માતાપિતા, સાસુ સસરા તથા વડીલોના આશીર્વાદ લેવા, તેમજ આ દિવસે બ્રાહ્મણ પાસે વિષ્ણુપુરાણ, શ્રીમદ ભાગવતનું વાંચન કરાવવાથી, સત્યનારાયણ કથા સાંભળવાથી અનેક પાપોનો નાશ થાય છે અને મન પવિત્ર બની જાય છે.

 આ પ્રબોધિની તથા દેવઉઠી એકાદશીના દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ  મંત્રનું સ્મરણ કરવાથી સર્વ પ્રકારના સુખોની પ્રાપ્તિ થાય છે, ઘરમાં સુખ, શાંતિ, સમૃધ્ધિ, ધન, વૈભવ, ઐશ્વર્યની પ્રાપ્તિની સાથે જીવન સુખમય તેમજ આરોગ્યમય રીતે પસાર થાય છે.

     શાસ્ત્રી રાજેશ શશીકાંતભાઈ ત્રિવેદી

   કર્મકાંડ-જયોતિષ, (મો.૯૭૨૬૬ ૧૦૩૪૮)

    મુ.થોરીયાળી, તા.પડધરી, જી.રાજકોટ

(2:55 pm IST)