Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

કાલાવડ રોડ પર મેકડોનાલ્ડ્સમાં મધરાતે કર્મચારી સંકેત સોલંકી પર ટોળકીનો હુમલોઃ ધોકાવાળી

રાત્રે અઢી વાગ્યે પાણીનો જગ બહાર લઇ જવાની કર્મચારીએ અજાણ્યા શખ્સોને ના પાડતાં ધોલધપાટઃ અન્ય બે કર્મચારીને પણ મુંઢ મારઃ ઘાયલ થયેલો સંકેત મુળ કોડીનારનોઃ રાજકોટ રહી નોકરી કરે છે

રાજકોટ તા. ૧૭: કાલાવડ રોડ પર મોટા મવા પાસે આવેલા મેકડોનાલ્ડ્સમાં મધરાતે અજાણ્યા શખ્સોની ટોળકીએ ધમાલ મચાવી કર્મચારી મુળ કોડીનારના યુવાન પર પાણીનો જગ બહાર લઇ જવા બાબતે ડખ્ખો કરી ધોકાવાળી કરવામાં આવતાં આ કર્મચારીને માથા-હાથ-શરીરે ઇજાઓ થતાં સારવાર માટે દાખલ થયો છે.

મુળ કોડીનારનો અને હાલ કાલાવડ રોડ વૃંદાવન સોસાયટી-૧૦માં રહેી મેકડોનાલ્ડ્સમાં બર્ગર ઝોનમાં કામ કરતો સંકેત કરસનભાઇ સોલંકી (વણકર) (ઉ.૨૪) રાત્રે અઢી વાગ્યે અન્ય બે કર્મચારી કોડીનારના બિપીન તથા જામનગરના મયુર સાથે સાફસફાઇના કામ માટે હાજર હતો ત્યારે અજાણ્યા આઠ-દસ શખ્સોએ આવી ગાળાગાળી કરી ધોકાથી હુમલો કરતાં સંકેત લોહીલુહાણ થઇ ગયો હતો. બીજા બે કર્મચારી વચ્ચે પડતાં તેને મુંઢ ઇજા થઇ હતી.

સંકેત સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. સંકેતના કહેવા મુજબ રાત્રે સફાઇનું કામ ચાલુ હોઇ પોતે તથા બીજા બે કર્મચારી મેકડોનાલ્ડ્સમાં હતાં. ત્યારે અજાણ્યા શખ્સો પાણી પીવા આવતાં તેને જગ આપ્યો હતો. આ શખ્સો જગ બહાર લઇ જવા માંગતા હોઇ ના પાડતાં ઝઘડો કર્યો હતો અને મારામારી કરી હતી. નશો કરીને આવ્યા હોય તેવા લાગતાં હતાં. તાલુકાના પીએસઆઇ એસ.આર. સોલંકી અને ફિરોઝભાઇએ વિશેષ તપાસ હાથ ધરી છે.

(2:54 pm IST)