Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

નકલી પોલીસ બનીને લૂંટ, પૈસા પડાવવા સહિતના ડઝનેક ગુના આચરી ચુકેલો શખ્સ ફરી પકડાયો

થોરાળા પોલીસે બે વર્ષ પહેલાના વાહનચોરીના ગુનામાં પકડ્યોઃ સાયલા હાઇવે પર તાજેતરમાં વાહન ચાલકોને પોલીસના નામે ધમકાવી લૂંટો કરી'તીઃ આકરી પુછતાછ : અગાઉ રાજકોટ કોર્ટ પાસેથી પોલીસના ત્રણ સરકારી વાહનો પણ ચોર્યા હતાં

રાજકોટ તા. ૧૭: પોતાને માનસિક રીતે પોલીસ સમજતો અને પોલીસનો સ્વાંગ રચી અગાઉ લૂંટ, વાહન ચોરી, બળજબરીથી પૈસા પડાવવા જેવા ડઝનથી વધુ ગુના આચરી ચુકેલા મુળ સાયલાના વાટાવચ્છ ગામના કાઠી દરબાર શખ્સ મહેશ ઉર્ફ કાળુ બાબભાઇ ખવડ (ઉ.૩૦)ને થોરાાળા પોલીસે બે વર્ષ પહેલાના વાહન ચોરીના ગુનામાં પકડ્યો છે.

અગાઉ ૧૨-૪-૧૬ના રોજ શ્રીરામ પાર્કના રોહિતભાઇ મગવાનીયાનું વાહન ચોરાયું હતું એ ગુનામાં સાયલાના સિરવાણીયાના હરેશ દુલાભાઇ ખવડ (કાઠી)ને જે તે વખતે થોરાળા પોલીસે પડકયો હતો. ત્યારે સહઆરોપી તરીકે મહેશ ઉર્ફ ખવડનું નામ ખુલ્યું હતું. આ શખ્સ સતત ફરાર હોઇ તે ગઇકાલે રામનાથપરા વિસ્તારમાં આવ્યાની બાતમી મળતાં થોરાળા પોલીસની ટીમે પકડી લીધો છે.

આગવી ઢબે પૂછપરછ હાથ ધરવામાં આવતા વાહન ચોરીની કબૂલાત આપી હતી. આ શખ્સ ભૂતકાળમાં મૂળી પોલીસ સ્ટેશનમાં આઈશર ગાડીની લૂંટ, ચોટીલા તથા સાયલા તેમજ રાજકોટ શહેરમાં ૭ જેટલી વાહન ચોરી, તાજેતરમાં સાયલા હાઇવે ઉપર પોલીસના સ્વાંગમાં વાહનોને અટકાવી વાહન ચાલકો પાસેથી બળજબરીથી રૂપિયા કઢાવી તથા મોબાઈલ ફોન લઈ લેવા સહિતના દશથી બાર જેટલા લૂંટ, ચોરી, પોલીસના સ્વાંગમાં તોડ કરવાના ગુન્હાઓમાં સંડોવાયેલ હોવાનું ખુલ્યું હતું. આ શખ્સ  આંતર જિલ્લા ગુન્હેગાર છે.

અઢી વર્ષ પહેલાં રાજકોટ શહેર તાલુકા પોલીસ સ્ટેશન, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ત્રણ (૩) સરકારી હીરો હોન્ડા પણ ચોરી કર્યા હતાં. વાહનચોરીના ગુન્હાઓમાં બે વર્ષ રાજકોટ જેલમાં જેલવાસ ભોગવી ચુકયો છે. તેને પોલીસ તરીકેનો રોફ જમાવવાનો શોખ હોવાથી ત્રણ પોલીસના બાઇક પણ ચોરી કર્યા હતાં. ડીસીપી રવિકુમાર સૈની, એસીપી પ્રદિપસિંહ જાડેજા અને પી.આઇ. એસ. એન. ગડ્ડુની રાહબરીમાં પીએસઆઇ પી. ડી. જાદવ, એએસઆઇ બલભદ્રસિંહ જાડેજા, કોન્સ. ધર્મેન્દ્રસિંહ, વિજયભાઇ, રોહિતભાઇ, કનુભાઇ સહિતે આ કામગીરી કરી હતી.

(1:41 pm IST)