Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

નવરાત્રી ધાર્મિક મુલ્ય અને સંસ્કૃતિની ઝાંખી કરાવે છેઃ ભંડેરી-ભારદ્વાજ-મિરાણી

રાજકોટ તા. ૧૭ :.. ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી અને પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજે આજથી પ્રારંભ થઇ રહેલ નવરાત્રી પર્વની શહેરીજનોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું છે કે નવરાત્રી દેવી દુર્ગાના ઉત્સવનું પ્રતિક છે, જે દેવીને શકિત ના સ્વરૂપે વ્યકત કરે છે. તહેવારો જીવનમાં આવતા સંઘર્ષનો સામનો કરવાનો સંદેશ આપે છે.

ગરબાનું સ્થાપન, માતાજીની આરાધના ઉપાસના, નૃત્ય અને સંગીતની ધૂમ ચાલે છે. ત્યારે નવરાત્રી ગુજરાતના ધાર્મિક મૂલ્ય, સમૃધ્ધ ઇતિહાસ, સંસ્કૃતી, પરંપરાની ઝાખી કરાવે છે. નવરાત્રી દરમિયાન દુનિયાભરના લોકો ગુજરાતની પરંપરા અને સંસ્કૃતિને માણવા માટે આવે છે. શહેરીજનો શકિત અને આરાધના ના આ પર્વને ભકિતભાવપૂર્વક ઉજવે અને મા જગદંબાની કૃપા પ્રાપ્ત કરે શ્રી ભંડેરી અને શ્રી ભારદ્વાજે શુભેચ્છા પાઠવી છે.

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે આજથી પ્રારંભ થઇ રહે નવરાત્રી પર્વની શહેરીજનોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે નવરાત્રી દેવી દુર્ગાના ઉત્સવનું પ્રતિક છે. દેવીને શકિતના સ્વરૂપે વ્યકત કરે છે. આસો સુદ એકમથી નોમ સુધી નવરાત્રી ઉત્સવ મનાવવામાં આવે છે, ઘર-ઘરમાં આદ્યશકિતની આરાધના થાય છે. આસુરી ભીસમાંથી મુકત થવા દેવી શકિતની આરાધના અનિવાર્ય છે.

નવરાત્રીમાં ઇશ્વર પ્રત્યેથી ભકિત અને અધ્યાત્મનો સંગમ થતો જોવા મળે છે. ત્યારે  હાલ કોરોનાના આ કષ્ટદાયક કાળમાં નવરાત્રી પવ દરમિયાન ઘરમાં જ રહી માતાજીની આરાધના કરવી હીતાવહ છે. આ સંકટ સમયમાં લડવા માટે 'માં જંગદંબા' શકિત પૂરી પાડે તેવી પ્રાર્થના કરીએ તેમ શ્રી મિરાણી, શ્રીમાંકડ, શ્રી કોઠારી અને શ્રી રાઠોડે જણાવ્યું છે.

(3:39 pm IST)