Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

ડુપ્લીકેટ પોલીસી બનાવી વેંચવાના કોૈભાંડમાં સતત ૧૩ વર્ષથી ફરાર અંકુર મહેતા પકડાયો

૨૦૦૮માં ભકિતનગર પોલીસમાં ગુનો નોંધાતા કમલેશ સોલંકી પકડાયો ત્યારથી અંકુર ફરાર હતોઃ મુંબઇ રહ્યા બાદ કેટલા વર્ષથી રાજકોટ આવી સરનામુ બદલીને રહેતો'તો : યુનિવર્સિટી પોલીસે રૈયા રોડ ખોડિયાર હોટેલ પાસેથી દબોચ્યોઃ જે તે વખતે પોલીસી એજન્ટ તરીકે કામ કર્યાનું રટણઃ અગાઉ એક જુગારમાં પકડાયો હતો

રાજકોટ તા. ૧૭: તેર વર્ષ પહેલા બજાજ એલિયાન્ઝ કંપનીની ડુપ્લીકેટ પોલીસ બનાવીને વેંચવાના કોૈભાંડમાં ભકિતનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જે તે વખતે એક આરોપી કમલેશ ઇશ્વરભાઇ સોલંકી (રહે. વિરાટનગર)ને પકડી લેવાયો હતો. ત્યારે અન્ય આરોપી અંકુર મહેતા ભાગી ગયો હતો. તેને હવે યુનિવર્સિટી પોલીસની ટીમે પકડી લીધો છે.

આઇપીસી ૪૬૩, ૪૬૪, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦-બી સહિતની કલમો હેઠળ નોંધાયેલા ગુનામાં તેર વર્ષથી ફરાર અંકુર નલિનભાઇ મહેતા (વણિક) (રહે. હાલ એરપોર્ટ રોડ ફાટક પાસે રાજકૃતિ એપાર્ટમેન્ટ)ને હેડકોન્સ. હરપાલસિંહ જાડેજા તથા કોન્સ. જયંતિગીરી ગોસ્વામીની બાતમી પરથી રૈયા રોડ ખોડિયાર હોટેલ પાસેથી પકડી લઇ ભકિતનગર પોલીસને સોંપવા તજવીજ કરાઇ છે.

અંકુર જે તે વખતે કોૈભાંડમાં સુત્રધાર કમલેશ સોલંકી પકડાઇ જતાં ભાગી ગયો હતો. તે અમુક વર્ષ મુંબઇ રહ્યો હતો અને હાલમાં કેટલાક સમયથી રાજકોટ આવી અલગ-અલગ સરનામા બદલીને રહેતો હોઇ પોલીસને મળતો નહોતો. હવે તે પકડાઇ ગયો છે. અગાઉ તે જુગારના ગુનામાં પણ પોલીસ ચોપડે ચડી ચુકયો છે.  જે તે વખતે તે કમલેશ પાસેથી બોગસ પોલીસી લઇને વેંચવાનું કામ કરતો હતો. હજુ ત્રીજો આરોપી પકડવાનો બાકી છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસ્િંહ જાડેજા, એસીપી ડી. વી. બસીયા, એસીપી પી. કે. દિયોરાની સુચના અને પીઆઇ એ. એસ. ચાવડાની રાહબરીમાં પીએસઆઇ એ. બી. જાડેજા, હરપાલસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ડોડીયા, જયંતિગીરી, મુકેશભાઇ, અજયભાઇ, બ્રિજરાજસિંહ સહિતે આ કામગીરી કરી હતી.

(3:37 pm IST)