Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

રાજકોટને મળ્યું નવું એરપોર્ટ પોલીસ સ્ટેશન

હીરાસર ગામમાં પોલીસ સ્ટેશનના બિલ્ડીંગ અને રહેણાંક મકાન માટેની જગ્યા રાજ્ય સરકારે મંજૂર કરી : ૦૧ પીઆઇ, ૦૨ પીએસઆઇ, ૦૫ એએસઆઇ સહિત ૭૫નો સ્ટાફઃ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની દરખાસ્ત મંજૂર થઇઃ કુવાડવા પોલીસ મથકની હદના અમુક ગામોનો પણ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવશે સમાવેશઃ હવે ૧૪મું પોલીસ સ્ટેશન થશે શરૂ

રાજકોટ તા. ૧૭: કુવાડવા રોડ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા હીરાસર ખાતે નવું ઇન્ટરનેશનલ એરપોર્ટ બની રહ્યું હોઇ ત્યાં નવું એરપોર્ટ પોલીસ સ્ટેશન બનાવવાની પોલીસ કમિશનરની દરખાસ્ત રાજ્ય સરકારે મંજુર રાખતાં હીરાસરમાં એરપોર્ટ પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે. કુવાડવા રોડ પોલીસ સ્ટેશનનું વિભાજન કરી અમુક ગામડા આ પોલીસ સ્ટેશનની હદમાં ભેળવવામાં આવશે. નવા પોલીસ સ્ટેશનમાં ૦૧-પીઆઇ, ૦૨-પીએસઆઇ, ૦૫- એએસઆઇ, ૨૩-હેડકોન્સ્ટેબલ અને ૪૦-કોન્સ્ટેબલ તથા ૦૨ આર્મ્ડ એએસઆઇ, -૦૨ આર્મ્ડ કોન્સ્ટેબલ મળી કુલ ૭૫ અધિકારી-કર્મચારીઓનો સ્ટાફ હાલ તુર્ત ફાળવાયો છે.

સરકાર દ્વારા રાજકોટ શહેરને ઇન્ટરનેશનલ એરપોર્ટ ફાળવવામાં આવ્યું હોઇ જેથી હવે રાજકોટ શહેરને અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આધાર રાખવો પડશે નહિ.  એ જ રીતે ઇન્ટરનેશનલ એરપોર્ટ બનતા એરપોર્ટની આજુબાજુના વિસ્તાર તથા ગામોમાં પણ ખુબજ વિકાસની તક વધી છે. સાથે ત્યાં રહેણાંક, વ્યાપારીક સુવીદ્યધાઓ ઉભી થતા તેમજ સૌરાષ્ટ્ર /કચ્છ વિસ્તારના જાહેર લોકો તથા વેપારીઓની વ્યાપારીક તથા પ્રવાસ અર્થે અવર જવર વધુ પ્રમાણમા રહેવાની શકયતા હોઇ જેથી તેઓની સુરક્ષા માટેની પણ વ્યવસ્થા કરવી ખુબજ જરૂરી હતી.

 નવું બની રહેલું ઇન્ટરનેશનલ એરપોટ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનની હદમાં આવતુ હતું.  આ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારનુ વિભાજન કરી અને નવુ એરપોર્ટ પોલીસ સ્ટેશન બનાવવા માટે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ દ્વારા સરકારને દરખાસ્ત મોકલી આપવામા આવેલ હતી. જે સરકારે માન્ય રાખી રાજકોટ શહેરને નવુ એરપોર્ટ પોલીસ સ્ટેશન  બનાવવા મંજુરી આપી છે.

હાલમા કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં અમદાવાદ હાઇવે, મોરબી રોડ તથા વાંકાનેર રોડના કુલ ૫૬ ગામો આવે છે. હવે  વિભાજન પછી કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા બેટી, બેટીરામપર, હીરાસર, મેસવડા, પારેવાડા, બેડલા, સાતડા, વાંકવડ, જીયાણા, સુર્યારામપરા, ખેરવા, હીરાસર, બારવણ, કુચીયાદડ, જીવાપર, ગુંદાળા, બામણબોર, નવાગામ, ગારીડા ગામનો સમાવેશ થનાર છે.

એરપોર્ટ પોલીસ સ્ટેશન માટે હીરાસર ગામ ખાતે પોલીસ સ્ટેશનના બીલ્ડીંગ તેમજ રહેણાંક મકાન માટેની જગ્યા મંજુર કરવામાં આવેલ છે. જેથી ત્યા આધુનીક નવા એરપોર્ટ પોલીસ સ્ટેશનનું  નિર્માણ થાય તે માટેની આગળની કાર્યવાહી કરવામા આવી આવશે.

રાજકોટ શહેરમાં એ-ડિવીઝન, બી-ડિવીઝન, થોરાળા, આજીડેમ, ભકિતનગર, માલવીયાનગર, ગાંધીગ્રામ, યુનિવર્સિટી, તાલુકા પોલીસ સ્ટેશન, કુવાડવા રોડ, પ્ર.નગર, મહિલા પોલીસ સ્ટેશન અને ડીસીબી પોલીસ સ્ટેશન મળી ૧૩ પોલીસ સ્ટેશન અત્યાર સુધી કાર્યરત હતાં. હવે એરપોર્ટ પોલીસ સ્ટેશનની મંજુરી મળતાં ૧૪મું પોલીસ સ્ટેશન રાજકોટ પોલીસ કમિશનરેટની હદમાં શરૂ થશે.

(2:49 pm IST)