Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

નીટની પરીક્ષામાં પ્રભુત્વ મેળવવા ૨૦૦ પ્રશ્નપત્રોનું આલેખન કરનાર માનીત માત્રાવડીયા દેશભરમાં ઝળકયો

ડો.આશાબેન માત્રાવડીયા - ડો.ચિરાગ માત્રાવડીયાના સુપુત્ર માનીતે નીટમાં ૭૨૦માંથી ૭૧૦ ગુણ મેળવ્યા : દિલ્હી એઈમ્સમાં પ્રવેશ મેળવવાની મહેચ્છા

રાજકોટ, તા. ૧૭ : ચોક્કસ ધ્યેય સાથે કરેલી સખત પરિશ્રમ શિરમોર સફળતા આપે છે. હાર્ડ વર્કની સાથે કરેલ સ્માર્ટ વર્ક આજે રાજકોટનો તેજસ્વી માનીત ચિરાગભાઈ માત્રાવડીયાએ રાષ્ટ્રીય કક્ષાની મેડીકલ પ્રવેશ માટેની નીટની પરીક્ષામાં ટોપ ટેનમાં સ્થાન મેળવીને ગુજરાતમાં પ્રથમ ક્રમે ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી છે.

દેશભરના તમામ મેડીકલ સહિતની કોલેજોમાં પ્રવેશ માટે લેવાયેલી નેશનલ એલીજીબીલીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ)નું પરીણામ ગઈકાલે મોડી સાંજે જાહેર થયુ તેમાં ઓલ ઈન્ડિયા ટોપ ટેનમાં ૧૦માં ક્રમે રાજકોટના જાણીતા તબીબ દંપતિ ડો.આશાબેન માત્રાવડીયા અને ડો.ચિરાગ માત્રાવડીયાના સુપુત્ર માનીતે માતા-પિતાના પગલે કઠીન ગણાવી નીટની પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવી છે. કુલ ૭૨૦ ગુણની પરીક્ષામાં માનીત માત્રાવડીયાએ ૭૧૦ ગુણ પ્રાપ્ત કરેલ છે.

સૌરાષ્ટ્રના જૂની પેઢીના જનરલ ફીઝીશ્યન ડો.મનુભાઈ માત્રાવડીયાના પુત્ર ડો.ચિરાગ માત્રાવડીયા (ક્રીટીકલ કેર સુપર સ્પેશ્યાલીસ્ટ) તેમના પત્નિ ડો.આશાબેન માત્રાવડીયા (સ્કીન સ્પેશ્યાલીસ્ટ)ના સુપુત્ર માનીતે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે દરરોજનું કામ દરરોજ કરતો. કોઈ જાતનું ટેન્શન રાખ્યા વગર વિશ્વાસપૂર્વક અભ્યાસ કર્યો છે. એનસીઈઆરટી ટેકસ બુક તેમજ તેને સંલગ્ન બુકસનું ત્રણ થી વધુ વાર સમજણપૂર્વક વાચી છે. નીટ પદ્ધતિના પુસ્તકો પણ મે કલીયર કરેલા.

નીટની પરીક્ષામાં દેશમાં ૧૦મો ક્રમ અને ગુજરાત ફર્સ્ટ આવેલ માનીત માત્રાવડીયાએ વધુમાં જણાવેલ કે નીટની પરીક્ષામાં પ્રભુત્વ મેળવવા માટે મેં સપ્ટે. ૨૦૨૦માં લેવાયેલ નીટની પરીક્ષા પૂર્વે ૨૫૦થી વધુ પ્રશ્નપત્રો લખ્યા હતા. જેમ જેમ પ્રશ્નપત્રો લખતો ગયો તેમ તેમ આત્મવિશ્વાસ વધતો ગયો અને નીટની રાષ્ટ્રીય પરીક્ષામાં સફળતા મળી. છેલ્લા બે વર્ષ ટ્યુશન અને અન્ય વર્ગો બાદ સેલ્ફ સ્ટડી માટે દરરોજ ૬ કલાક અભ્યાસ કર્યો છે.

માનીત માત્રાવડીયાએ તેમની સફળતાનો યશ તેમના માતા ડો.આશાબેન માત્રાવડીયા, પિતા ડો.ચિરાગભાઈ માત્રાવડીયા, દાદા ડો.મનુભાઈ માત્રાવડીયા તેમજ બેન શ્રીઝાનો મુખ્ય ફાળો હોવાનું જણાવીને હવે તબીબી વિદ્યાશાખાનો ઉચ્ચ અભ્યાસ દિલ્હી એઈમ્સમાં કરવાની મહેચ્છા છે. માનીત માત્રાવડીયાએ રાજકોટની ક્રિષ્ના સ્કુલનો છાત્ર છે.

(2:47 pm IST)