Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

'ભય'થી નહિ, 'ભાવ'થી જીવોઃકોરોના ચોક્કસ હારશેઃ કથાકાર શાસ્ત્રી કનૈયાલાલ ભટ્ટ

રાજકોટ તા. ૧૭ : રાજકોટના જાણીતા કથાકાર શાસ્ત્રી કનૈયાલાલ ભટ્ટ  કોરોનાના કપરા સમયમાં લોકોને 'ભય'થી નહીં પરંતુ 'ભાવ'થી જીવન જીવવાનો પ્રેરક સંદેશ આપતાં કહે છે કે, સમાજની અંદર જયારે પણ કોઈને કોઈ કારણથી ઉત્પીડન શરૂ થાય છે, ત્યારે શાસ્ત્રોકત દ્રષ્ટિથી જોઈએ તો એના ઘણા બધા કારણ હોય છે.

વર્તમાન કોવીડ-૧૯ ના કહેરથી વિશ્વ આખુ સંક્રમિત છે. ભારત વર્ષ અને તેમાંય ખાસ કરીને આપણા ગુજરાતમાં લોકો ભયભીત બન્યા છે. તેવા સમયે એમ લાગી રહયું છે કે, આ મહામારી - આ રોગ જેટલાને મારે છે, તેના કરતાં પણ વધુ લોકોને આ રોગનો ભય સતાવે છે, અને ભય જ વધુ મારે છે. આપણે એટલું યાદ રાખવું જોઈએ કે, 'જાકો રાખે સાંઈયા, માર સકે ન કોઈ' જેને ભગવાનની રક્ષા છે, જેના પર પરમાત્માના હજાર હાથ છે તેને કોઈ મારી નથી શકતું.

મારી આપ સૌને હાર્દિક અપીલ છે કે, આપણે આપણા ઈષ્ટદેવમાં શ્રધ્ધા રાખીએ. આપણું ધર્મ જગત તો એવું જ કહે છે કે, 'ભાવ'થી જીવો 'ભય'થી નહી. ભય ભયાવહ છે. કોઈ પણ કાર્યમાં ભય હશે તો સમજવું કે આપણું અડધું મરણ થઇ ચુકયું  છે.

કોરોના આવ્યો છે અને ચાલ્યો પણ જશે. એ એનો ક્રમ હશે. પણ આ સમયમાં આપણે આપણી શાંતિ, વિચારોની ધૈર્યતા કયારેય ખોવી ન જોઈએ.

(1:22 pm IST)