Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

ફૂલછાબ ચોકમાં ચાની હોટલે સદામ અને સાગ્રીતોની ધમાલઃ બોટલોના ઘાઃ બે ઘવાયા

અગાઉના ચા-નાસ્તાના ૩૫ હજાર રૂપિયા ચડત થઇ ગયા હોઇ આજે હોટેલ માલિકે સવારે ઉઘરાણી કરતાં ઝઘડો કરી ભાગી ગયો'તોઃ બપોર બાદ ટોળકી લઇને આવ્યો અને ધમાલ મચાવી

રાજકોટ તા. ૧૭: શહેરના ફૂલછાબ ચોક-પારસી અગિયારી ચોકમાં બપોરે સદામ નામના એક શખ્સે સાગ્રીતો સાથે આવી નારણભાઇ દાનાભાઇ ભરવાડ અને રઘુભાઇ દાનાભાઇ ભરવાડની ખોડિયાર ચા એન્ડ પાન નામની હોટલ ખાતે બોટલોના છુટા ઘા કરી ગાળાગાળી કરી આતંક મચાવતાં બે કર્મચારીઓને ઇજા થઇ છે. બનાવને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતાં. પોલીસને જાણ થતાં મોબાઇલ પણ પહોંચી ગઇ હતી.

હોટેલના સંચાલક નારણભાઇ ઘુવડ (ભરવાડ)ના કહેવા મુજબ ખાટકીવાસમાં રહેતો સદામ લાંબા સમયથી અમારી હોટલે આવે છે અને ચા-નાસ્તા કરી જાય છે. ઘણા મહિનાથી તે પૈસા બાકી રાખતો હતો. અત્યાર સુધીમાં ૩૫ હજાર જેવી રકમ ચડત થઇ ગઇ છે. આજે સવારે પણ તે ચા-નાસ્તા માટે આવ્યો હતો ત્યારે અમે આગલો હિસાબ ભરપાઇ કરી દેવા કહેતાં તે માથાકુટ કરવા માંડ્યો હતો અને ગાળાગાળી કરી આજે પણ પૈસા દીધા વગર જતો રહ્યો હતો. એ પછી અત્યારે બપોરે સવા ત્રણેક વાગ્યા આસપાસ તે અચાનક બીજા શખ્સો સાથે આવ્યો હતો અને દૂકાનમાં બોટલોના ઘા કરી આતંક મચાવી ગાળાગાળી કરી હતી.

બોટલોના ઘા થતાં ભય ફેલાઇ ગયો હતો. જેમાં કર્મચારી મુન્ના રઘુભાઇ લામકા તથા અન્ય એક વ્યકિતને ઇજા પહોંચી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

(3:55 pm IST)