Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

એકસ્ટર્નલ કોર્ષ પ્રશ્ને બારોટ લાલઘુમ : યુજીસી પ્રમાણે ગુજરાતના કુલપતિઓ પણ લાયકાત ધરાવતા નથી

વિદ્યાર્થીઓને શિક્ષણથી વંચિત ન રાખી શકાય : સિન્ડીકેટ બોલાવવા માંગ

રાજકોટ, તા. ૧૭ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નીતિન પેથાણીએ એકસ્ટર્નલ કોર્ષ બંધ કરી દેતા કોંગ્રેસના પ્રવકતા શિક્ષણ વ્યવસ્થાના ડીન ડો. નિદત બારોટે આકરી પ્રતિક્રિયા આપી છે.

ડો. નિદત્ત બારોટ એક યાદીમાં જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજ્ય સરકાર વર્ષઃ ૧૯૬૪ના અધિનિયમથી રચના કરી છે. વિધાનસભાએ કાયદો મંજૂર કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અસ્તિત્વ બાદ  યુનિવર્સિટીએ કરવાના કાર્યો વિધાનસભાએ કાયદા દ્વારા પ્રસ્થાપિત કર્યા છે. આ કાયદાની વિવ્ધિ જોગવાઇઓ મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ જુદા જુદા સ્ટેચ્યુટની રચના કરી મંજુરી અર્થે ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ સમક્ષ મોકલ્યા હોય છે. અને રાજ્યના રાજ્યસભા પોતાની સતા મુજબ આ સ્ટેચ્યુટની મંજુર કરતા હોય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોઇ પણ પ્રકારનો અભ્યાસક્રમ શરૂ કરવા માટે  યુનિવર્સિટીના વિધાનસભાને આપેલા હકક અને વ્યવસ્થામુજબ વિવિધ સતા મંડળોમાં ઠરાવ કરી સ્ટેચ્યુટની જોગવાઇ મુજબ ગુજરાતના રાજ્યપાલને અભ્યાસક્રમ ચાલુ કરવા માટે મંજુરી માંગવા મોકલી આપે છે. વિધાનસભાએ આપેલા અધિકાર મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના  કુલપતિ તરીકે આ અભ્યાસક્રમ શરૂ કરવા માટે અનુમતી આપે છે.

ડો.નિદત્ત બારોટ  જણાવેલ કે, ગુજરાતના રાજયપાલે આપેલી મંજુરી બાદ શરૂ કરવામાં આવેલા આવા અભ્યાસક્રમોને કેન્દ્ર સરકારની કોઇ એક એજન્સી એટલે કે યુ.જી.સી. દ્વારા કોઇ પરિપત્રને આધારે રદ કરી શકાય નહિ. યુ.જી.સી. દ્વારા શિક્ષણ વ્યવસ્થામાં સુચનો કરવામાં આવે છે તેનો કેટલા પ્રમાણમાં અમલ કરવો તે રાજય સરકાર અને યુનિવર્સિટી કક્ષાએથી નકકી કરવામાં આવે છે. આમ યુ.જી.સી.એ.'મેન્ડટરી ઓથોરીટી' નથી. યુ.જી.સી.એ માર્ગદર્શન આપ્યું હતું કે આર્ટસ, કોમર્સ સાયન્સ જેવા વિષયોમાં ૮૦ થી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાય નહિ પરંતુ રાજય સરકાર અને યુનિવર્સિટી ૧૨૦ વિદ્યાર્થીઓને ડિવીઝન ગણે છે.

યુ.જી.સી. રેગ્યુલેશન ૨૦૧૬માં કુલપતિ લાયકાતના ધોરણોમાં જણાવ્યું છે કે ૧૦ વર્ષના પ્રોફેસર કક્ષાના વ્યકિતને જ યુનિવર્સિટીએ કુલપતિ બનાવવા જોઇએ અને રાજય સરકારે તેનુ પાલન કરવું જોઇએ. આમ છતાં રાજય સરકારે તમામ કુલપતિઓની નિયુકિતમાં આવા કોઇ ધારા ધોરણ લાગુ પાડયા નથી અને યુ.જી.સી. દ્વારા અધ્યાપકોની નિવૃતિ વયમર્યાદા ૬૫ વર્ષનો આદેશ થયો હોવા છતાં ગુજરાત સરકાર કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તેનું પાલન કર્યુ નથી. તેમ ડો.નિદત્ત બારોટ જણાવે છે.  આમ અનેક કક્ષાએ જયારે યુ.જી.સી.એ કરેલા સુચનોને માત્ર સૂચન તરીકે લેવામાં આવતા હોય ત્યારે બ્રાહય અભ્યાસક્રમના સંદર્ભમાં પણ જે અર્થઘટન કરવામાં આવ્યું છે અને જેના પરિણામે સ્નાતક, અનુસ્નાતક બ્રાહય અભ્યાસક્રમોના પ્રવેશની કાર્યવાહી અટકાવી દેવામાં આવે છે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા અને સ્ટેચ્યુટરી જોગવાઇઓ મુજબ નથી. આ સ્ટેચ્યુટમાં જણાવ્યા મુજબના અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓને ભણવાનો અધિકાર છે. આ સંદર્ભે કાઇપણ પ્રકારની કાયદાકીય અર્થઘટનનો પ્રશ્ન હોય તો સ્થાનિક કક્ષાએ હાલમાં જ યોજાનાર સિન્ડિકેટની બેઠકમાં ચર્ચા કરી નિર્ણય કરવા માંગ ડો.નિદત્ત  બારોટે કરી છે.

(3:42 pm IST)