Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

પુત્રવધુ વિગેરે ઉપરના હુમલાના કેસમાં પતિ અને સસરાને છ માસની સજા

કોર્ટે માનવીય અભિગમ અપનાવી પ્રોબેશનનો લાભ આપ્યો

રાજકોટ તા ૧૭  :  ગોંડલના એડી. ચીફ. જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ શ્રી પી.એન. રાવલે  પુત્રવધુ તથા તેના સગા ઉપર હુમલો કરવાના પ્રકરણમાં સસરા તથા પતિને ૬ માસની સાદી કેદની સજા તથા પ્રત્યેક આરોપીને રૂા ૧૦૦૦/- નો દંડ ફટકારતો હુકમ ફરમાવેલ, બાદમાં પ્રોબેશનનો લાભ પણ કોર્ટે આપેલ હતો.

બનાવની ટુંકી હકીકત એવી છે કે, રાજકોટના કોઠારીયા રોડ વિસ્તારમાં રહેતા અલ્પનાબેન અલ્પેશભાઇ મકવાણાના લગ્ન ગોંડલના નિવાસી તથા ગોંડલમાં બસ સ્ટેન્ડ પાસે ' કિશોર ટાયર' ના નામથી દુકાન ધરાવતા અલ્પેશભાઇ ગીરીશભાઇ મકવાણા સાથે વર્ષ ૨૦૧૩માં થયેલ હતા અને ત્યારબાદ થોડો સમય લગ્નજીવન સારૂ ચાલેલ હતુ, અને લગ્નજીવન દરમ્યાન સંતાનમાં એક પુત્રનો  પણ જન્મ થયેલ હતો, પરંતુ ત્યારબાદ પતી તથા સાસરીયાઓએ અલ્પનાબેન ને શારિરિક માનસીક દુઃખ ત્રાસ આપવા લાગેલ હતા, જેથી ગત તા.૨૧-૪-૨૦૧૬ ના રોજ અલ્પનાબેનના   પીયરપક્ષના સભ્યો ગોંડલ સ્થિત અલ્પેશભાઇ મકવાણા તથા તેના ઘરના સભ્યોને સમજાવટ કરવા અને સમાધાન કરવા માટે ગયેલ હતા, ત્યારે આ મીટીંગ દરમ્યાન બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી  શરૂ થતા અલ્પનાબેન મકવાણાના પતિ અલ્પેશભાઇ મકવાણા તથા સસરા ગીરીશભાઇ મકવાણાએ અલ્પનાબેનના કાકા ગીરીશભાઇ  ચાવડા  ઉપર લોખંડના પાઇપ વડે  માથામાં ઇજા કરેલ અને અન્ય બીજા ઘરના સભ્યોને ઢીકાપાટુનો માર મારી ભુંડાબોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા, ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં આરોપીઓ અલ્પેશભાઇ મકવાણા તથા ગીરીશભાઇ મકવાણા વિરૂધ્ધ આઇ.પી.સી.ની કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(ર), તથા જી.પી. એકટની કલમ ૩૭(૧),૧૩૫ મુજબની ફરિયાદ નોંધવામાં આવેલ હતી.

આ કેસ ચાલી જતા મુળ ફરીયાદીના એડવોકેટ સંજય એચ. પંડિત તથા સરકારી વકીલશ્રીએ  કરેલી દલીલો અને રજુ રાખેલ ચુકાદાઓને ગ્રાહય રાખી ગોંડલના એડી. ચીફ. જયુડી. મેજી. શ્રી પી. એન. રાવલે અલ્પનાબેનના પતી અલ્પેશભાઇ મકવાણા તથા સસરા ગીરીશભાઇ મકવાણા ને ૬ માસની સાદી કેદની સજા તથા રૂા ૧૦૦૦/- નો દંડ અને જો આરોપી દંડ ન ભરે તો વધુ ૧૫ દિવસની સજાનો હુકમ ફરમાવેલ છે. અત્રે એ નોંધનીય છે કે, આ કેસ બે પરીવાર વચ્ચે થયેલ તકરારનો હોય અને બંને પરીવાર અને  પતી પત્ની વચ્ચે ભવિષ્યમાં સમાધાન અંગેનો માર્ગ બીલકુલ બંધ ન થઇ જાય તેવા  ઉદ્ેશથી કોર્ટે  આરોપીઓને પ્રોબેશનનો લાભ આપી સજાના હુકમની અમલવારી ૧ વર્ષ સુધી મુલત્વી રાખેલ અને ૧ વર્ષ બાદ આરોપીની ચાલ ચલગત વીશે પ્રોબેશન અધિકારીના રીપોર્ટને આધારે સજાના હુકમની અમલવારી વિષે વીશેષ હુકમ કરવાનું પોતાના હુકમમાં જણાવેલ છે, તેમજ પ્રોબેશનના સમયગાળા સુધી પ્રત્યેક આરોપીઓએ રૂા ૩૦૦૦/- ના જામીન આપવાનો હુકમ ફરમાવેલ છે. આ કામે મુળ ફરીયાદી વતી એડવોકેટ સંજય એચ. પંીડત તથા સરકાર પક્ષે પી.પી. શ્રી એસ.ડી.પરમાર સાહેબ રોકાયેલ હતા.

(3:41 pm IST)