Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

જિલ્લા પંચાયતમાં છેલ્લે ર૩ વર્ષ પહેલા અવિશ્વાસ દરખાસ્ત આવેલ

તત્કાલીન ઉપપ્રમુખ દિનેશ ડાંગરે સભા પહેલા જ રાજીનામું આપી દીધેલ : પ્રમુખ રામજીભાઇ માણાણીએ ૧૯૮૯માં અવિશ્વાસ દરખાસ્તથી પદ ગુમાવેલઃ પ્રમુખ-ઉપપ્રમુખ બન્ને સામે અવિશ્વાસ દરખાસ્ત આવી હોય તેવી પ્રથમ ઘટના

રાજકોટ, તા., ૧૭: જિલ્લા પંચાયતમાં  પ્રમુખ અને ઉપપ્રમુખ બંન્ને સામે બહુમતી સભ્યોએ અવિશ્વાસ દરખાસ્ત મુકી છે. બંન્ને મુખ્ય સુકાનીઓ સામે અવિશ્વાસ દરખાસ્ત આવી હોય તેવું રાજકોટ જિલ્લા પંચાયતના ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું છે. ભુતકાળમાં તત્કાલીન પ્રમુખ રામજીભાઇ માવાણી અને ઉપપ્રમુખ દિનેશ ડાંગર સામે આવી દરખાસ્ત આવી હતી. પંચાયતમાં અવિશ્વાસ દરખાસ્તનો પ્રસંગ ર૩ વર્ષ પ્રથમવાર આવ્યો છે. છેલ્લા બે દાયકાથી રાજકારણમાં કે જિલ્લા પંચાયતની નોકરીમાં આવેલા લોકો માટે આ નવો જ પ્રસંગ છે.

જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ પંચાયતમાં કોંગ્રેસના શાસન વખતે તત્કાલીન પ્રમુખ રામજીભાઇ માવાણી સામે મે ૧૯૮૯માં અવિશ્વાસ દરખાસ્ત મુકાયેલ અને પસાર થઇ ગયેલ તેના કારણે તેમણે હોદો છોડવો પડયો હતો. ત્યાર બાદ ૩ મહિના જેટલો સમય હરેશભાઇ ધનેશાએ પ્રમુખનો હવાલો સંભાળેલો. ઓગષ્ટ ૧૯૮૯માં છગનભાઇ પટેલ પ્રમુખ બન્યા હતા.

૧૯૮૯ બાદ ૧૯૯પમાં પંચાયતમાં ભાજપનું શાસન આવેલ તે વખતે દિનેશ ડાંગર ઉપપ્રમુખ તરીકે ચુંટાયેલા. બે વર્ષ જેટલા સમય બાદ ભાજપના ભાગલા થતા દિનેશ ડાંગરે રાજપાનાો સાથ નિભાવેલ તેથી ૧૯૯૭માં ભાજપે તેમની સામે અવિશ્વાસ દરખાસ્ત મુકેલ. આ દરખાસ્ત મંજુર થવાના એંધાણ વર્તાતા તેમણે માર્ચ-૧૯૯૭માં ઉપપ્રમુખ પદેથી રાજીનામુ આપી દીધું હતું. ત્યાર બાદ હવે ઓકટોબર ર૦૧૯માં વધુ એક વખત જિલ્લા પંચાયતમાં અવિશ્વાસ દરખાસ્ત આવી છે. આ વખતે પ્રમુખ અને ઉપપ્રમુખ બંન્ને સામે દરખાસ્ત છે. જો તા.ર૪મીએ તે મંજુર થઇ જાય તો નવા પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણી ન થાય ત્યાં સુધી બંન્ને પદ ખાલી રહેશે વચગાળાના સમયમાં સામાન્ય સભાના કાર્યક્ષેત્રને લગતી કોઇ કામગીરી કરવાની થાય તો ડીડીઓ વિકાસ કમિશનરનું માર્ગદર્શન લઇને આગળ વધી શકશે. નવેમ્બર ર૦ર૦માં પંચાયતની સામાન્ય ચુંટણી આવી રહી છે.

પ્રમુખ-ઉપપ્રમુખ કે વહીવટદાર પણ ન હોય તેવુ પ્રથમ વખત બનશે ?

રાજકોટઃ જિલ્લા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખ બન્ને સામે પ્રથમ વખત આવેલી અવિશ્વાસ દરખાસ્ત પસાર થઈ જાય તો બન્ને હોદ્દા ગુમાવશે. પંચાયતમાં સામાન્ય રીતે ચૂંટણી પહેલાના સમયગાળામાં સરકાર વહીવટદાર મુકતી હોય છે. ચૂંટાયેલી પાંખની મુદ્દત પુરી થવાથી અને નવી પાંખ ચૂંટાઈ નહિ ત્યાં સુધી વહીવટદાર આવ્યાના પ્રસંગો છે. પ્રમુખ-ઉપપ્રમુખ બન્ને પોતાના પદ ગુમાવે અને નવા સુકાનીઓની ચૂંટણી ન થાય ત્યાં સુધી વચગાળામાં વહીવટદાર મુકવાની જોગવાઈ ન હોવાનું જાણકારોનું કહેવુ છે. જિલ્લા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખ બન્ને રાજીનામુ આપે અથવા પદભ્રષ્ટ થાય તો પદ પર તેઓ પણ ન હોય અને વહીવટદાર પણ ન હોય તેવુ પ્રથમ વખત બનશે. જો અવિશ્વાસ દરખાસ્ત નામંજુર થઈ જાય તો બાકીની પુરી મુદ્દત હાલના સુકાનીઓનુ શાસન નિશ્ચિત થઈ જશે. એક વખત અવિશ્વાસ દરખાસ્ત મુકાયા પછી ઓછામા ઓછા ૬ મહિના નવેસરથી અવિશ્વાસ દરખાસ્ત મુકી શકાતી નથી. પંચાયતની ચૂંટણીને એક જ વર્ષ બાકી રહ્યુ હોવાથી આ વખતની અવિશ્વાસની દરખાસ્તથી બન્ને પક્ષની આબરૂ દાવ પર લાગી છે.

(3:36 pm IST)