Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

ભૂતખાના ચોકમાં એસટી બસની ઠોકરે ચરાડવાના ગોપાલભાઇ સતવારાનું મોત

રાજકોટ કનક રોડ પર મનોચિકિત્સકને બતાવવા આવ્યા'તાઃ વારાને વાર હોઇ 'હમણા આવું' કહી બહાર નીકળ્યા, મિત્ર બોલાવવા ગયા ત્યાં અકસ્માત નડ્યાની ખબર પડી

રાજકોટ તા. ૧૭: ભૂતખાના ચોકમાં એસટી બસની ઠોકરે ચડી જતાં ચરાડવાના સતવારા આધેડનું મોત નિપજ્યું છે. રાજકોટ કનક રોડ પર મનોચિકિત્સકને બતાવવા માટે આ આધેડ પોતાના મિત્ર સાથે આવ્યા હતાં અને આ બનાવ બની ગયો હતો.

જાણવા મળ્યા મુજબ ચરાડવા રહેતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં ગોપાલભાઇ પરષોત્તમભાઇ ચોૈહાણ (સતવારા) (ઉ.૪૫)ને રાજકોટ કનક રોડ પર ડો. નાગેચાની હોસ્પિટલમાં બતાવવું હોઇ પોતાના મિત્ર હિતેષભાઇ જેન્તીભાઇ હાલાણીને લઇને આજે રાજકોટ આવ્યા હતાં. પોણા બારેક વાગ્યે બંને કલીનીક ખાતે વારામાં બેઠા હતાં એ દરમિયાન વારો આવવાની વાર હોઇ ગોપાલભાઇ 'હમણા આવું' તેમ મિત્રને કહીને બહાર નીકળી ગયા હતાં.

વારો આવવાનો હોઇ મિત્ર હિતેષભાઇ ગોપાલભાઇને શોધવા નીકળ્યા ત્યાં ભુતખાના ચોકમાં તેને અકસ્માત નડ્યાની ખબર પડી હતી. ૧૦૮ મારફત બેભાન હાલતમાં ગોપાલભાઇને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે તેને મૃત જાહેર કરતાં હિતેષભાઇ શોકમાં ગરક થઇ ગયા હતાં. હોસ્પિટલ ચોકીના દેવશીભાઇ ખાંભલા અને રામજીભાઇએ એ-ડિવીઝનમાં જાણ કરી હતી.

મૃત્યુ પામનાર ચાર ભાઇ અને એક બહેનમાં નાના હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તસ્વીરમાં એસટી બસ અને ગોપાલભાઇનો નિષ્પ્રાણ દેહ જોઇ શકાય છે.

(3:31 pm IST)